Dakshin Gujarat

મેઘરાજાની ધૂંઆધાર બેટીંગથી આખો વલસાડ જિલ્લો પાણીથી તરબોળ, 11 માર્ગ બંધ થયા

વલસાડ: (Valsad) વલસાડમાં શુક્રવારે સાંજથી વરસાદે (Rain) પહેલીવાર અવિરત પણે ધૂંઆધાર બેટીંગ શરૂ કરતા આખો જિલ્લો પાણીથી તરબોળ થઇ ગયો હતો. જેમાં વલસાડમાં સવારે 10 થી 12 વાગ્યાના 2 કલાકના ગાળામાં 3 ઇંચ વરસાદ પડતાં શહેર જળબંબાકાર થઇ ગયું હતુ. આ વખતે વલસાડ કે વાપી શહેર જ નહી, પરંતુ ગ્રામ્ય પંથકમાં પણ ઠેર ઠેર પાણીનો ભરાવો થઇ ગયો હતો. ઉપરવાસના ભારે વરસાદના કારણે જિલ્લાના 35 જેટલા માર્ગો પણ પાણીમાં ગરક થતાં અહીં અવર-જવર બંધ કરવી પડી હતી.

વલસાડ જિલ્લામાં શુક્રવારે સાંજથી ભારે વરસાદ શરૂ થયો હતો. શનિવારે સાંજે 6 કલાકે પૂરા થતા 24 કલાકમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વલસાડ તાલુકામાં નોંધાયો હતો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ધરમપુર-કપરાડાની અનેક નદીઓ બંને કાંઠે વહેતી થઇ હતી. ભારે વરસાદના કારણે દર વખતની જેમ વલસાડના છીપવાડ, તરિયાવાડ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. તેમજ વલસાડનો એમજી રોડ, તિથલ રોડ, અબ્રામા વિસ્તાર, મોગરાવાડી વાડી અંડર પાસમાં પાણી ભરાઇ ગયા હતા. જ્યારે બીજી તરફ વાપીમાં પણ રેલવેના બંને અન્ડર પાસમાં પાણી ભરાઇ ગયા હતા. તેમજ ચલા વિસ્તાર, જે ટાઇપ વિસ્તાર તેમજ ગુજનના કેટલાક વિસ્તારના રોડ પર પણ પાણી ફરી વળ્યું હતુ. જેના કારણે જન જીવન ત્રસ્ત થઇ ગયું હતુ. આવી જ હાલત ધરમપુર-કપરાડા વિસ્તારમાં જોવા મળી હતી. અંતરિયાળ વિસ્તારમાં અનેક ખનકા પણ ભરાઇ ગયા હતા. અનેક ચેક ડેમ પણ છલકાતા તેની ઉપરના રોડ બંધ થઇ ગયા હતા.

જિલ્લાના આ માર્ગો બંધ થયા

  • રોહિણા બરઇ સાદડવેરી સુખાલા રોડ, પારડી
  • ધગડમાળ અરનાલા પાટી સુખાલા રોડ, પારડી
  • ચીવલ ધોધ ફળિયા પેલાડ ફળિયા રોડ, પારડી
  • હાઇવે 8 થી વાસણ મુખ્ય રસ્તાથી જેસિયા ધોલ ફળિયા રોડ, વલસાડ
  • કુંડી મામેરાવાડથી હાજી તળાવ થઇ અંદર ગોટા જોડતો રોડ, વલસાડ
  • ઉમરસાડી નવી નગરી ગંગાજી જોઇનીંગ રોડ, પારડી
  • ટેમ્ભી વારોલી રિવરથી મહાદેવ મંદિર રોડ, ઉમરગામ
  • સંજાણથી જાદિરાણા રોડ, ઉમરગામ
  • જંબુરી છીપવાડથી પુનાટ તરફ જતો રોડ, ઉમરગામ
  • મોટાપોંઢા ફળિયા રોડ, કપરાડા
  • કાલુ રિવર કોઝવે બોર્ડર રોડ, ઉમરગામ

હાઇવે નં. 48 પર પણ પાણી ભરાયા
વલસાડ જિલ્લામાં અવિરત પણે પડી રહેલા વરસાદના કારણે હાઇવે નં. 48 પર પણ પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને હાઇવેના તમામ સર્વિસ રોડ બંધ થઇ ગયા હતા. જેના કારણે હાઇવે નં. 48 પર પણ વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો. ખાસ કરીને સર્વિસ રોડ પર ભરાયેલા પાણીના કારણે ત્યાંથી પસાર થવું જોખમી બન્યું હતુ.

ગરનાળામાં પાણી ભરાઈ જતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
વલસાડ : વલસાડમાં શનિવારના ધોધમાર વરસાદથી વલસાડ શહેરમાં પાણી પાણી કરી નાખ્યું હતું. કેટલાક લોકોની ગાડીઓ પાણીમાં બંધ થઈ જતાં ધક્કો મારવો પડ્યો હતો. જ્યારે છીપવાડ અને મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાઈ જતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બેરીકેટ લગાવીને રસ્તો બંઘ કરી દીધો હતો. ખેરગામ તરફ જનાર લોકોએ રેલવે ઓવરબ્રિજ તથા કુંડી ઓવરબ્રિજ થઈને પસાર થવું પડ્યું હતું.

જિલ્લાના પંચાયતના 33 મળી કુલ 35 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયા
વલસાડ : વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધુંઆધાર બેટિંગથી જ્યાં ખેડૂતો ખુશ ખુશાલ થયા છે, ત્યાં ભારે વરસાદને લઈ જનજીવનને પણ મોટી અસર પહોંચી છે. મુખ્ય માર્ગની સાથે ગામડાઓના મુખ્ય માર્ગોને જોડતા આંતરિક માર્ગોના નાના કોઝવે ડૂબી જતાં આવાગમન બંધ થયું છે. જિલ્લાના પંચાયતના 33 અને સ્ટેટ હાઇવેના 1 અને અન્ય એક મળી કુલ 35 માર્ગને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા હતા. જોકે માર્ગો બંધ થતાં અન્ય વૈકલ્પિક માર્ગો ઉપરથી ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો. કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં નાના કોઝવે પણ ભારે વરસાદને લઈ ડૂબી જતાં અનેક ગામોનો સંપર્ક કપાયો હતો.

પાર નદીના કોઝવે ઉપરથી પસાર થતા વૃધ્ધ નદીમાં પડી જતા મોતને ભેટ્યા
ધરમપુરના નાનીવહીયાળ ગામના ઉપલી નવી નગરી ખાતે રહેતા વઝીરભાઈ ભાટિયાભાઇ ઓઝર્યા (ઉવ.70) શુક્રવારે સાંજે મોટી વહિયાળમાં રહેતી તેમની દિકરીને મળવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યા હતા. જોકે નાનીવહિયાળ અને મોટી વહિયાળ વચ્ચેથી પસાર થતી પાર નદીના કોઝવે ઉપરથી પસાર થતા દરમિયાન પગ લપસતાં તેઓ નદીમાં પડી ગયા હતા. ઘટના સમયે નજીકમાં હાજર લોકોએ બુમાબૂમ કરતા કેટલાક સ્થાનિક તરવૈયાઓએ તેમને બહાર કાઢ્યા હતા. જોકે તબીબી ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા.

વલસાડના લીલાપોર ગામમાં પાંચથી વઘુ ઘર પાણીમાં ગરકાવ થયા
વલસાડ : વલસાડ તાલુકાના લીલાપુરના બરૂડીયાવાડમાં પડેલા વરસાદથી ૧૦ થી ૧૨ ઘર પૈકી પાંચથી છ ઘરના છાપરા સુધી વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેને પગલે અનાજ સહિત ઘરવખરીનો સામાન પાણીમાં ડૂબી ગયો હતો. રહીશોને ઘરવખરીના સામાન સહિતની તમામ ચીજ વસ્તુઓનું ભારે નુકસાન સહન કરવા પડ્યું હતું. આ બાબતે અનિલભાઈએ જણાવ્યું હતું કે વરસાદના કારણે અમારા ઘરમાં પાણી ભરાઈ ગયા છે પણ સરપંચ તથા સભ્ય જોવા પણ નથી આવ્યા. એમને વોટ આપ્યા એ શું કામના છે, વહીવટી તંત્ર આ તમામનો સર્વે કરીને સહાય અપાવે એ જરૂરી બન્યું છે.

પારડી પલસાણા ગંગાજીના નવા પુલ પર પાણી ભરાતા કાર ફસાઈ
પારડી : પારડી તાલુકાના પલસાણા ગંગાજી મંદિર તરફ જવા માટે તાજેતરમાં નવા બનાવેલા પુલ પર ઉમરસાડી માછીવાડની પાર્કશન કંપનીના એક કર્મચારી કાર લઈને કંપની જઈ રહ્યો હતો. તે દરમિયાન પલસાણા ગંગાજીના મંદિર પાસે તાજેતરમાં બનાવેલા નવા પુલ ઉપર પાણી ભરાયેલા હોય જેમાંથી કાર પસાર કરવા જતાં કાર ચાલક પુલ ઉપર અધવચ્ચે પાણીમાં ફસાયો હતો.

છેલ્લા ત્રણ ચાર દિવસથી પારડી પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઇ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ત્યારે પારડીના પલસાણા ગંગાજી મંદિર તરફ જવા માટે નવો બનાવેલો પૂલ પાણીમાં ગરકાવ થયો હતો. ત્યારે આજરોજ ગંગાજી પુલ પર વરસાદી પાણી ફરી વળતા તંત્ર દ્વારા રસ્તો બંધ હોવાનું સૂચન બોર્ડ માર્યું હતું છતાંએ સવારે ઉમરસાડી માછીવાડની કંપનીનો કર્મચારી કાર લઈને પલસાણા ગંગાજીનો પુલ પરથી પસાર કરી રહ્યો હતો. તે દરમિયાન કાર પાણીના વહેણમાં તણાઈ જતા તેણે તાત્કાલિક હેન્ડ બ્રેક મારી નીચે ઉતરી ગયો હતો. કાર પુલ ઉપર અધવચ્ચે ફસાઈ જતા આસપાસના લોકોએ દોડી આવી ટાયરમાં દોરડા વડે બાંધી કારને પાણીમાં જતી અટકાવી હતી. જેસીબી વાળાને જાણ કરી કારને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઇ હતી. પુલ ઉપર પાણી ભરાઈ જવાને કારણે રસ્તો બંધ હોવાનો તંત્ર એ બોર્ડ મારવા છતાં કાર ચાલકે રિસ્ક લેતા મુસીબતમાં મુકાયો હતો.

Most Popular

To Top