અનાવલ: મહુવાના (Mahuva) અનાવલ (Anaval) પંથકનાં છેવાડાનાં ગામો તરકાણી, લસણપોર, ગાંગડિયા ગામોમાં પવન સાથે આવેલા વરસાદથી (Rain) મોટું નુકસાન થયું છે. મહુવામાં 24 કલાકમાં 35 એમએમ વરસાદ નોંધાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ મહુવાના અનાવલ વિસ્તારના ગરીબ ગ્રામજનોને બુધવારે બપોર બાદ વરસેલા સિઝનના પ્રથમ વરસાદે જ હચમચાવી મૂક્યા હતા. મહુવામાં 24 કલાકમાં 35 એમએમ એટલે કે દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.
ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદના પરિણામે ઠેર ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અને સિઝનની શરૂઆતમાં જ મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોઈ લસણપોર, તરકાણી અને ગાંગડિયા ગ્રામજનો ભયભીત બની ગયા હતા. ભારે પવન સાથે વરસાદ પડતાં લસણપોર ગામનાં 39 ઘરનાં નળિયાં અને પતરાં તૂટી ગયાં હતાં. ઉપરાંત આંબા પણ મૂળમાંથી ઉખડી ગયા હતા. ઉપરાંત શાકભાજી પકવતા ખેડૂતોના માંડવા પણ તૂટી ગયા હતા.
જ્યારે આ ભારે વરસાદમાં તરકાણી ગામે રહેતાં કમળા બારોટના ઘરની દીવાલ સિઝનના પ્રથમ વરસાદમાં જ તૂટી પડતાં તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા ન થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. પરંતુ ગરીબ પરિવારને મોટી નુકસાની વેઠવાની નોબત આવી હતી. આ ઉપરાંત ગાંગડિયા ગામે પણ 10 ઘરનાં પતરાં ઊડી ગયાં હતાં અને નળિયાં પણ તૂટી ગયાં હતાં.
આ ગંભીર હોનારતમાં 50 જેટલા ગ્રામજનોને આર્થિક નુકસાન પહોંચ્યું હતું. આ વાવાઝોડામાં ત્રણેય ગ્રામજનોએ લાખો રૂપિયાની નુકસાની વેઠવાની નોબત આવી હતી. ભારે પવન સાથે વરસેલા વરસાદમાં વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી. જે નુકસાનીની તંત્ર દ્વારા મરામતની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ નુકસાની મોટી હોવાના પરિણામે વીજપાવર 24 કલાક બાદ પણ શરૂ થયો ન હતો. આ નુકસાની અંગે તંત્રને જાણ થતાં તલાટી સહિત નવા આવેલા તાલુકા વિકાસ અધિકારીએ આ ત્રણેય ગામોમાં આવી અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લઈ સરવેની કામગીરી હાથ ધરી હતી.