Business

નવી દિલ્હી, અમદાવાદ અને મુંબઈ રેલવે સ્ટેશનોનું 10 હજાર કરોડથી કાયાકલ્પ કરવામાં આવશે

નવી દિલ્હી: (New Delhi) મોદી સરકાર રેલવેના વિકાસ પર સતત નજર રાખી રહી છે. મોદી કેબિનેટે આજે મોટો નિર્ણય લીધો છે. નવી દિલ્હી, અમદાવાદ, મુંબઈ રેલ્વે સ્ટેશનો માટે એક મોટી યોજના તૈયાર કરવામાં આવી છે, કેબિનેટે આ ત્રણ સ્ટેશનોના પુનઃવિકાસને મંજૂરી આપી છે. મોદી કેબિનેટે બુધવારે રૂ. 10,000 કરોડના ખર્ચે નવી દિલ્હી, અમદાવાદ અને છત્રપતિ શિવાજી ટર્મિનસ-મુંબઈ રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

  • રેલ્વેના વિકાસને લઈને મોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય
  • દિલ્હી, અમદાવાદ, મુંબઈ સ્ટેશનો માટે તૈયાર કર્યો મોટો પ્લાન
  • કેબિનેટે આ ત્રણ સ્ટેશનોના રિડેવલપમેન્ટને મંજૂરી આપી

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ અસરના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. રેલ્વે મંત્રી વૈષ્ણવે કહ્યું કે વડાપ્રધાનનું રેલ્વે સાથે ભાવનાત્મક જોડાણ છે અને સરકારે સલામતી, મુસાફરોની સુવિધા, ટેકનોલોજી સહિત રેલ્વેના દરેક પાસાઓ પર ધ્યાન આપ્યું છે.

તેમણે કહ્યું કે આ દિશામાં કેબિનેટે રેલવે સ્ટેશનોના પુનઃવિકાસને લઈને મોટો નિર્ણય લીધો છે. તેમણે માહિતી આપી હતી કે નવી દિલ્હી, અમદાવાદ અને છત્રપતિ શિવાજી ટર્મિનસ-મુંબઈ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે રૂ. 10 હજાર કરોડના રોકાણના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. એક સરકારી નિવેદન અનુસાર આ સ્ટેશનોના વિકાસથી 35,744 નવી નોકરીઓનું સર્જન થશે. મુસાફરોને બહેતર અનુભવ મળશે અને રોકાણ અને વધારાની વ્યવસાયની તકો દ્વારા સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે.

રેલ્વે મંત્રીએ માહિતી આપી હતી કે દેશના 199 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસના પ્રસ્તાવ પર કામ ચાલી રહ્યું છે. તેમાંથી 47 સ્ટેશનો પર કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને 32 પર કામ શરૂ થઈ ગયું છે. તેમણે કહ્યું કે હવે નવી દિલ્હી, અમદાવાદ અને છત્રપતિ શિવાજી ટર્મિનસ-મુંબઈ સ્ટેશનોના વિકાસ માટે દસ હજાર કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપવામાં આવી છે.

વૈષ્ણવે કહ્યું કે આ અંતર્ગત આ સ્ટેશનો પર ‘રૂફ પ્લાઝા’ બનાવવામાં આવશે જ્યાં ફૂડ કોર્ટ, નાના બાળકો માટે નાના પ્લે એરિયા, સ્થાનિક ઉત્પાદનો વેચવાની જગ્યા વગેરે હશે. અહીં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે અને દિવ્યાંગોની સુવિધા માટે સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.

Most Popular

To Top