Vadodara

ડ્રોન કેમેરાથી લોકેશન મેળવી દેશી દારૂની 10 ભઠ્ઠી પર દરોડા

વડોદરા: શહેરના સીમાડે આવેલા ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓને ઝડપી પાડવા પોલીસે સૌપ્રથમ વાર ડ્રોન કેમેરાની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 10 જેટલી ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડી રૂપિયા 20 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.  શહેર પોલીસની ક્રાઇમ બ્રાચના ડીસીપી ક્રાઇમ જયદીપસિહ જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે, શહેરના છેવાડે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ભાલીયાપુરા, બીલ, તલસટ, વડસર, રણોલી, કોયલી તેમજ છાણી ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારુની ભઠ્ઠીઓ ચાલતી હોવાની માહિતી મળી હતી.

આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાચના પી.આઇ. આર.એ. જાડેજા અને પી.સી.બી. પી.આઇ. જે.જે. પટેલની દેખરેખ હેઠળ પાચ ટીમો બનાવવામાં આવી હતી. અને દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરોડા પાડતા પૂર્વે સૌપ્રથમ ડ્રોન કેમેરાની ટેક્નોલોજીનો ઉપયોગ કરી ડ્રોન કેમેરા દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓનું લોકેશન લેવામાં આવ્યું હતું. તે બાદ ક્રાઇમ બ્રાચ અને પીસીબીના અધિકારીઓ અને તેમના સ્ટાફની બનાવવામાં આવેલી પાચ ટીમો દ્વારા સામુહિક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તેમજ પોલીસે ભાલીયાપુરા વિસ્તારમાં બે, વડસર વિસ્તારમાં બે, બિલ વિસ્તારમાં બે, કોયલી અને રણોલી ચરામાં ચાર ભઠ્ઠીઓ મળી કુલ 10 ભઠ્ઠીઓ ઉપરથી 113 લિટર દેશી દારુ, 7690 લિટર દેશી દારુ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો વોશ અને દારૂની ભઠ્ઠીઓ ગાળવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો મળી કુલ્લે રૂપિયા 20,640નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ભાલીયાપુરા, બીલ, કોયલી, તલસટ, વડસર તેમજ છાણી ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડતા આ ગામોના બુટલેગરોમા ફફડાટ વ્યાપી ગયો હતો. મોટા ભાગના બુટલેગરો ગામમાંથી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top