નવી દિલ્હી: રાહુલ ગાંધીની (Rahul Gandhi) મુશ્કેલીઓ તો જાણે રોકાવાનું નામ જ નથી લઈ રહી. એક પછી એક મુસીબતોનો સામનો કર્યા પછી નવી જ મુસીબત તેમની સામે આવીને ઉભી રહી જાય છે. ગયા શુક્રવારે રાહુલ ગાંધીની સંસદમાં લોકસભાની સદસ્યતા દૂર કર્યા પછી આજે સોમવારે તેમના જીવનમાં ફરી એક મોટી સમસ્યા આવી ગઈ છે. જાણકારી મુજબ લોકસભા આવાસ સમિતિના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સરકારે તેઓ જયાં રહે છે તે બંગલો ખાલી કરવા કહ્યું છે. આ માટે તેઓને એક નોટિસ પણ મોકલવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે રાહુલે બંગલો આગામી 26 દિવસમાં એટલે કે 22 એપ્રિલ સુધીમાં ખાલી કરવો પડશે.
રાહુલની સંસદ સભ્યતાને કેન્સલ કરી તેઓને હવે આ નવો આદેશ આપવામાં આવ્યો છે. રાહુલ ગાંધી વર્ષ 2014થી 12 તુગલક લેન ખાતેના બંગલામાં રહે છે. રાહુલ ગાંધીને 12 તુગલક લેનમાં 5 બેડરૂમનો ટાઇપ 8 બંગલો મળ્યો હતો તે હવે ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આ બંગલો 26 દિવસ એટલે કે 22 એપ્રિલ સુધી ખાલી કરવા માટે તેઓને કહેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ બંગલો તેઓને ત્યારે મળ્યો હતો જયારે તેઓ 2004માં પ્રથમવાર અમેઠીમાં સાંસદ બન્યા હતા.
શા માટે રાહુલ ગાંધીનું સાંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું
રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ તાજેતરમાં રદ કરવામાં આવ્યું છે. 2019ના માનહાનિના કેસમાં સુરતની અદાલતે તેને દોષિત ઠેરવ્યો હતો. ત્યારબાદ, તેમને લોકસભા સચિવાલય દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને તેમની સંસદની સભ્યતા રદ કરવામાં આવી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં કર્ણાટકમાં એક રેલીમાં પીએમ ‘મોદી’ની અટક પર ટિપ્પણી કરવા બદલ રાહુલને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
રાહુલ ગાંધીના મોદી નામ અંગેના નિવેદન સામે બીજેપી નેતા પૂર્ણેશ મોદીએ સુરતમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પૂર્ણેશ મોદી સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય છે અને વ્યવસાયે વકીલ છે. પૂર્ણેશ મોદીએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીની આ ટિપ્પણીએ સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. આ કેસની સુરત કોર્ટમાં સુનાવણી થઈ હતી અને રાહુલને બે વર્ષની સજા થઈ હતી.
પોતાની ગેરલાયકાત અંગે પ્રતિક્રિયા આપતા રાહુલે કહ્યું હતું કે તેઓ ભારતના લોકોનો અવાજ ઉઠાવવા માટે લડી રહ્યા છે અને તેના માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે.