Dakshin Gujarat

ઓલપાડ જીનના ગોડાઉનમાં ઊંઘતા યુવકનું ટ્રક નીચે કચડાઈ જતા મોત

સુરત: ઓલપાડના જીન કેમ્પસના ગોડાઉનમાં ડાંગર ભરી રહેલી ટ્રકનો ક્લીનર ગોડાઉનમાં જમીન ઉપર સૂતો હતો. ત્યારે ડાંગર ભરવા આવેલી બીજી ટ્રકના ચાલકે ટ્રક રિવર્સ લેતી વખતે ક્લીનરનું માથું કચડી નાંખતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

ઓલપાડ ટાઉનના જીન કેમ્પસમાં વિવિધ સહકારી મંડળીઓના ખેત પેદાશ સ્ટોરેજનાં ગોડાઉનો આવેલાં છે. જે ગોડાઉનો પૈકી ગોડાઉન નં.૧૬માં સોમવારે સવારે નવસારીના ડાંગરના વેપારીની ટ્રાન્સપોર્ટ ટ્રક નં.૧, કેટી-૨૯૫૫ ડાંગર ભરી રહી હતી. આ ટ્રકમાં ડ્રાઈવર તરીકે અબ્દુલ કાદીર સલીમ મિયા સૈયદ તથા ટ્રકના ક્લીનર તરીકે સલીમશા લાલશા દિવાન ફરજ ઉપર હતો. જ્યારે ટ્રકમાં ડાંગરની ગુણીઓ ભરાઈ રહી હતી, ત્યારે આ ટ્રકનો ક્લીનર સલીમશા દિવાનને ઉજાગરો હોવાથી તે ગોડાઉનમાં જમીન ઉપર સૂઈ ગયો હતો.

એ સમયે ૧૧:૩૦ કલાકે આ ગોડાઉનમાં ડાંગર ભરવા આવેલી બીજી એક ટ્રક નં.(જીજે-૧૯,વી-૦૩૦૮)નો ચાલક મોહંમદ કલીમ મોહંમદ રઝાબ અલી (હાલ રહે., ધારાગીરી મસ્જિદની બાજુમાં, કબીલપોર, નવસારી)એ પોતાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ડાબી બાજુ ટર્ન લેતી વખતે તેણે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.

એ સમયે જમીન નીચે સૂતેલા ટ્રકના ક્લીનર સલીમશા લાલશા દિવાનના માથા ઉપર ટ્રકની પાછળનું ટાયર ચઢાવી તેનું માથું કચડી નાંખ્યું હતું. આથી ગંભીર રીતે ઘવાયેલા ક્લીનર સલીમશા દિવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બાબતે મૃતક સલીમશાના મામાના દીકરાએ ટ્રકચાલક વિરુદ્ધ ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક અને મૂળ ઉત્તરપ્રદેશના વતની મોહંમદ કલીમ મોહંમદ રઝાબ અલી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ પોલીસમથકના અ.હે.કો વિક્રમસિંહ કરી રહ્યા છે.

જંબુસરના સિંગરણા-ટંકારી ગામે વચ્ચે શ્વાન આવી જતાં બાઈકસવાર આધેડનું મોત
ભરૂચ: ભરૂચના જંબુસર તાલુકાના સિંગરણા ટંકારી ગામે એકોક શ્વાન આવી જતાં બાઇકચાલક પટકાયો હતો, જેમાં તેનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. ભરૂચના જંબુસર તાલુકાના સિંગરણા ટંકારી ગામે વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો. 47 વર્ષીય પ્રવીણભાઈ પઢિયાર બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા. દરમિયાન માર્ગમાં શ્વાન આવી જતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇકસવારને ગંભીર ઇજા પહોંચતાં તેનું મોત નીપજયું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે જંબુસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top