Comments

રાહુલ ગાંધી: રાજકીય ભુલભુલામણીમાં બે દાયકા

રાજકારણમાં બે દાયકાનો સમયગાળો નાનો નથી હોતો. જો કે, શીખવાની પ્રક્રિયા ક્યારેય અટકતી નથી, પરંતુ એક રાજકીય નેતાના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેમણે ખુદને સમજવા-જાણવાની જરૂર પડે અને તે મુજબ કડક નિર્ણયો લેવા પડે છે.  તેજીથી બદલાતી રાજકીય પરિસ્થિતિને જોતાં આવી સ્થિતિને કાયમ માટે લંબાવી શકાય નહીં.રસપ્રદ વાત એ છે કે, સક્રિય રાજકારણના બે દાયકા પછી અને ભારતના સૌથી જૂના રાજકીય પક્ષ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકેના એક અસફળ પ્રયાસ બાદ રાહુલ ગાંધી હજી પણ પોતાને મુંઝવણમાં અનુભવી રહ્યા છે.

કયા રસ્તે જવાનું છે અને કયો રસ્તો અપનાવવો, તે બાબતે તેઓ દ્વિધામાં ફસાયેલા લાગે છે. તેમણે પોતાને પક્ષના ‘ડી ફેક્ટો’ (વાસ્તવિક) વડા બનવા દીધા છે અને તે જ સમયે તેમના નજીકના સાથીદારો આ સ્થિતિને ટાળવાની પૂરી કોશિશ કરી રહ્યા છે, એ યાદ અપાવીને કે, મલ્લિકાર્જુન ખડગે પક્ષના સંપૂર્ણ ચૂંટાયેલા પ્રમુખ છે. આ હકીકતનો ઇનકાર કરી શકાય તેમ નથી, પરંતુ પાયાની હકીકતો અલગ દિશા તરફ ઇશારો કરે છે.

ખડગે, શશી થરૂરને હરાવીને ત્રણ વર્ષથી વધુ સમયથી કોંગ્રેસ અધ્યક્ષ છે અને તેમને ગાંધી પરિવાર અને રાહુલ ગાંધીનો સંપૂર્ણ ટેકો છે. સૌ કોઈ જાણે છે કે, ખડગેની ઉમેદવારીને સોનિયા ગાંધીએ ખુલ્લેઆમ ટેકો આપ્યો હતો, જેણે ચૂંટણીના પરિણામો નક્કી કર્યાં હતાં. ત્યારથી થરૂર ગાંધી-કેમ્પના સમર્થકોની નજરમાં શંકાસ્પદ બનીને એક બળવાખોરનો દરજ્જો પામ્યા છે, જ્યારે ગાંધી પડદા પાછળ રહીને તમામ નિર્ણયો લેનારા અસલ બોસ તરીકે વર્તી રહ્યા છે.

છેલ્લાં ત્રણ વર્ષમાં (ખડગેના કાર્યકાળ દરમિયાન) ગાંધીએ જે કંઈ પણ કર્યું તેમાં સ્વાભાવિક રીતે તેમની છાપ છે અને જે તેમણે નથી કર્યું તેમાં પણ તેમની છાપ છે. આ ‘ન કરવાની’ બાબત તેમની અનિર્ણાયકતા સાથે સંબંધિત છે—પછી તે કોંગ્રેસ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળવાની હોય, સંગઠનાત્મક ફેરફારો લાવવાની હોય અથવા સમયાંતરે વ્યક્ત કરેલા પોતાના શબ્દોનો અમલ કરવાનો હોય.

લેવાયેલા કે ન લેવાયેલા નિર્ણયો માટે તેમણે સમાન રીતે શ્રેય અથવા દોષ સ્વીકારવાં પડશે.આ લાંબો વિરોધાભાસ હવે ખતરનાક રીતે પ્રગટ થવા લાગ્યો છે અને તેનાથી બચવા તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે. તેનાથી વિપરીત, ગાંધીની સખત મહેનતવાળી ‘ભારત જોડો યાત્રા’ (બીજેવાય) દ્વારા પેદા થયેલી સકારાત્મક અસર લગભગ લુપ્ત થવાના આરે હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ફોલો-અપ પ્લાનના અભાવે અને એઆઈસીસીથી લઈને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો સુધી ઊંડે સુધી વિભાજીત પક્ષનાં એકમો ગાંધીના સંદેશને જમીની સ્તર સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યાં હોવાથી આ ઐતિહાસિક ઘટના ભુલાઈ રહી છે.

જો તે ગાંધીની ખામીઓને પ્રતિબિંબિત કરે છે તો તે તેમની નજીકની સપોર્ટ ટીમની પણ ઘોર નિષ્ફળતા છે, જેઓ તેમની સાથે મળીને કામ કરે છે અથવા આવા વિશાળ કાર્યક્રમો પછી જમીન પર ટકી રહેવામાં અથવા તેમને પ્રભાવશાળી સલાહ આપવામાં નિષ્ફળ રહ્યા છે. એઆઈસીસી વર્તુળોમાં વારંવાર થતી ફરિયાદ અને જનતામાં અવારનવાર પૂછાતો પ્રશ્ન એ છે કે; ‘’ગાંધીના સલાહકારો કોણ છે?’’ આનો જવાબ કોઈની પાસે નથી. અન્ય એક સામાન્ય ફરિયાદ એ છે કે, તેઓ અને તેમની એઆઈસીસી ટીમ, ખાસ કરીને જનરલ સેક્રેટરી (સંગઠન) કે.સી. વેણુગોપાલ પક્ષના નેતાઓ અને કાર્યકરો માટે સરળ રીતે ઉપલબ્ધ નથી. આમ જનતાની તો વાત જ છોડી દો. આ એક પરેશાન કરનારી સ્થિતિ છે, જેને ગાંધી સિવાય બીજું કોઈ ઉકેલી શકે તેમ નથી. તેમણે ખુદ એક નવો મોડેલ સેટ કરવો પડશે.

જેનું નીચેના લોકો પાલન કરે. તેમની પાસે બહુપક્ષીય વ્યક્તિત્વ અને જ્ઞાનનો મજબૂત ભંડાર છે, પરંતુ મોટા ભાગે તેઓ એ વાત ભૂલી જાય છે તે એક અગ્રણી રાજકીય નેતા છે, જેનો અર્થ એ છે કે, તેમણે ખુદ આગળ વધીને નેતૃત્વ કરવું પડશે. સમાજના હાંસિયામાં ધકેલાયેલા વર્ગો માટેની તેમની લડાઈ પ્રશંસનીય છે, જે કોંગ્રેસના મુખ્ય સમર્થન આધારને પાછા લાવવાનો તેમનો પ્રયાસ પણ રહ્યો છે, પરંતુ સંતુલિત અભિગમનો અભાવ, જેમાં બધાને ખુશ રાખવા અને કોઈને નારાજ ન કરવાની વૃત્તિ છે. તેણે ચર્ચા તો જગાવી છે પણ કોઈ ખાસ ચૂંટણીકીય લાભ અપાવ્યો નથી. આ એવી બાબત છે જેના પર ગાંધીએ બેસીને વિચારમંથન કરવું જોઈએ.

વર્તમાન રાજકીય પરિસ્થિતિ તેજીથી બદલી રહી છે અને નરેન્દ્ર મોદી સરકારની વિચારધારા, નીતિઓ અને આયોજન વિશે ગંભીર પ્રશ્નો ઊઠી રહ્યા છે. સૌથી અગત્યનું છે, સામાજિક માળખાને કઈ રીતે હેન્ડલ કરવું. પ્રયાગરાજ માઘ મેળામાં જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી સાથે બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના, જેમાં વહીવટીતંત્ર દ્વારા અપમાનિત થવા બદલ તેઓ ધરણાં પર બેઠા હતા અને વડા પ્રધાન મોદી કે યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તરફથી આશ્વાસનનો એક શબ્દ પણ આવ્યો ન હતો. તેણે રાજકીય તોફાનમાં નવો મસાલો ઉમેર્યો છે. આ એક ગંભીર ઘટના છે, જેને કોંગ્રેસ નજરઅંદાજ કરી શકે નહીં, ખાસ કરીને મોદીના આક્રમક હિન્દુત્વ એજન્ડા અને તેના સત્ય પર શંકરાચાર્ય દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની સામે. દુર્ભાગ્યે, કોંગ્રેસ આ ઝડપથી બદલાતી ઘટનાઓ સાથે તાલ મિલાવવા માટે તૈયાર હોય તેવું લાગતું નથી. તેનાથી વિપરીત, ભાજપ અને મોદી સરકારની ‘ફાયર-ફાઈટિંગ’ ટેક્નિક હંમેશાં તૈયાર હોય છે અને તેઓ ઝડપથી પાસા પલટવામાં માહિર છે.

જો કોંગ્રેસ અને ગાંધીએ રમતમાં ટકી રહેવું હોય તો તેમણે આળસ ત્યાગવી પડશે. શાસક પક્ષની કેટલીક ખામીઓ હોઈ શકે છે, જેમ કે, મતદાર યાદીઓની વિશેષ સઘન સુધારણા (એસઆઈઆર) અને અન્ય પગલાં જે સમાન તકને અવરોધે છે અને જેનાથી નિષ્પક્ષ માહોલ બનતો નથી અને આ મોરચે ગાંધીની લડાઈ પ્રશંસનીય છે, પરંતુ જ્યાં સુધી તેઓ પોતાનું ઘર (પક્ષ) વ્યવસ્થિત નહીં કરે ત્યાં સુધી કંઈ પણ સફળ થશે નહીં. તેઓ એકલા લડતા જોવા ન મળવા જોઈએ, પરંતુ એક મજબૂત ટીમના નેતા તરીકે દેખાવા જોઈએ જે તેમણે ઝડપથી તૈયાર કરવી પડશે.

સૌ પ્રથમ, તેમણે પોતાનું મન સાફ કરવું જોઈએ કે શું તેઓ કોંગ્રેસના નેતૃત્વના વર્તમાન ‘ડી ફેક્ટો’ મોડેલને ચાલુ રાખવા માંગે છે, આગળથી નેતૃત્વ કરવા ઇચ્છે છે અથવા કોઈ બીજાને તક આપવા તૈયાર છે. કોઈ પણ પરિસ્થિતિમાં નિર્ણય લેવાની પ્રક્રિયા અવરોધાવી જોઈએ નહીં. એઆઈસીસીની કામગીરીમાં અનિર્ણાયકતા અને અપારદર્શકતાને કારણે જ વસ્તુઓ દિવસે ને દિવસે બગડતી ગઈ છે. કોઈ કહી શકે છે કે, મોદી પણ ભાજપના કાર્યકરોથી ઘણા દૂર છે છતાં છેલ્લા એક દાયકાથી તેમનો ગ્રાફ વધી રહ્યો છે. પરંતુ મજબૂત સંગઠનાત્મક પ્રણાલી, બેકઅપ અને કઠિન નિર્ણયો લેવાની ક્ષમતા જ તેમના કિસ્સામાં તફાવત પેદા કરે છે.

કેસરી પક્ષના સંગઠનાત્મક માળખામાં બહુસ્તરીય મિકેનિઝમ છે જે મોદી અને તેમના પક્ષને તમામ ઋતુઓમાં ગતિશીલ રાખે છે. ગાંધી જેવા વિપક્ષી નેતા, જે સતત તેમના રાજકીય વિરોધીઓની નજરમાં હોય છે, તેઓ ઉભરતી પરિસ્થિતિ અથવા તેમના પોતાના પક્ષ સામેના પડકારોનો સામનો કરી રહ્યો છે તેનાથી અજાણ રહેવાનું જોખમ ઉઠાવી શકે નહીં. પરિવર્તન અને પેઢીગત ફેરફાર માટે આ એક મજબૂત તક છે, જેને તેઓ અનુસરવા માંગે છે. આ માટે હિંમત, દૃઢ વિશ્વાસ, જવાબદારી, લવચીકતા અને મજબૂત નિર્ણયો લેવાની ઇચ્છાશક્તિની જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top