કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમની તમિલનાડુની મુલાકાત વખતે કેટલાક તમિલ ગામવાસીઓ સાથે કલાન બિરયાની(મશરૂમ બિરયાની) અને સાથે કાંદાની ડીશની મઝા માણી રહ્યા છે તેવો એક વીડિયો વ્યાપક ફરતો થયો છે.
આ વીડિયો આમ તો યુટ્યુબ પર વિલેજ કૂકીંગ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસના આ વરિષ્ઠ નેતા અને સાંસદ તમિલનાડુના એક ગામમાં કેટલાક ગામવાસીઓ સાથે મળીને આ કલાન બિરયાની આરોગી રહેલા જોઇ શકાય છે આ ઉપરાંત તેઓ તમિલનાડુની જાણીતી કાંદાના રાયતાની ડીશ તૈયાર કરી રહેલા પણ જોઇ શકાય છે જે ડીશ કોઇ પણ પ્રકારની બિરયાની સાથે અનુકૂળ રહે છે.
આ અહેવાલ મોકલાયા ત્યાં સુધી સોશ્યલ મીડિયા પર આ વીડિયો ૩૧.૨૪ લાખ કરતા વધુ વખત જોવાઇ ચુક્યો હતો. આ વીડિયો રાહુલ ગાંધી ગયા સપ્તાહે ચૂ઼ંટણી તૈયારી માટે તમિલનાડુના પશ્ચિમ ભાગોની મુલાકાતે ગયા હતા તે સમયે ઉતારવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
તે સમયે રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના સાંસદ જોથીમની અને પક્ષના તમિલનાડુના ઇન્ચાર્જ દિનેશ ગુંડુ રાવ હતા. આ ડીશ જમીને રાહુલ ગાંધીએ તેને અદભૂત તમિલ ફૂડ ગણાવીને તે તૈયાર કરનારના વખાણ કર્યા હતા.