હવે મહેબૂબ ખાનની ફિલ્મો જોનારા જો કે ઓછા જ થયા છે. ફિલ્મો સામાન્યપણે તેના વર્તમાનને વ્યકત કરતી હોય છે અને વર્તમાન તો ભૂતકાળમાં ફેરવાતો રહે છે. લોકો પાસે નવું જીવન જીવવાની નવી રીતો, વ્યવહારો આવે એટલે એક સમયે જે ખૂબ લોકપ્રિય હોય તે પણ ભૂતકાળમાં ખોવાય જાય. આમ છતાં વિત્યા સમયને, વિત્યા સમયની ફિલ્મોને જોવાનો ય એક જૂદો આનંદ હોય છે. મહેબૂબ ખાનની ફિલ્મ શરૂ થાય ત્યારે એક અવાજ ગુંજી ઉઠતો, ‘મુદઇ લાખ બુરા ચાહે તો કયા હોતા હે, વહી હોતા હૈ જો મંજૂર-એ-ખુદા હોતા હૈ.’ આ શેર જાણે ફિલ્મ જોનારને નિયતિ અને આત્મબળ બાબતે, ખુદ્દારી બાબતે સભાન કરી દેતો. કોઇ માને ન માને એ શેરની અસર મહેબૂબ ખાનની દરેક ફિલ્મોનો પ્રેક્ષક અનુભવતો. આજે તો કોઇને યાદ ન હશે પણ એ અવાજ રફીક ગઝનવીનો હતો. તો થોડી વાત રફીક ગઝનવી વિશે.
કોઇ એ જાણીને આનંદ પામી શકે કે હોલિવુડની ‘થીફ ઓફ બગદાદ’ (1940)માં સંગીતકાર રફીક ગઝનવીની ઘણી ધૂનો વાપરવામાં આવી હતી. રાવલપિંડીમાં 1907માં જન્મેલા ગઝનવી એવા ભારતમાં મોટા થયેલા, જ્યારે મુસ્લિમો શિક્ષણનું મહત્વ સમજવા માંડેલા. મેટ્રિક થયા પછી તેઓ ઇસ્લામિયા કોલેજમાં ઇન્ટર મીડિએટ અને 1933માં પંજાબ યુનિવર્સિટીમાંથી B.A. થયેલા. કુટુંબ, પરિવેશ અને શિક્ષણને કારણે તેઓ પશ્તો, ઉર્દૂ, હિન્દી, પંજાબી, ફારસી અને અંગ્રેજી ભાષા જાણતા હતા.
મેટ્રિક થતાં સુધીમાં જ તેઓ જાણીતા થઇ ચુકેલા અને ગ્રામોફોન કંપનીએ લખનૌ બોલાવી તેમના ગીતોની રેકોર્ડ બનાવેલી. 1930માં કોલેજમાં હતા ત્યારે જ લાહૌરમાં ફિલ્મો બનાવતા A.R. કારદારને મળવાનું થયું અને તેમણે તેમની સાયલન્ટ ફિલ્મ ‘શેર દિલ’માં હીરો બનાવી દીધા પછી તેમણે 1932માં તેમની પહેલી બોલતી ફિલ્મ ‘હીર રાંઝા’માં રાંઝા બનાવ્યા. સામે હીર હતી મિસ અનવરી. એ ફિલ્મમાં તેમણે બધા જ ગીતો ગાયેલાં અને તેનું સંગીત પણ આપેલું.
રફીક ગઝનવીની કારકિર્દીનો બીજો તબકકો ત્યારે શરૂ થયો, જયારે ‘હીર રાંઝા’ પછી મુંબઇ આવી ગયા. ‘રોશનઆરા’, ‘પ્રેમપુજરી’, ‘બહન કા પ્યાર’માં તેમણે અભિનય સાથે સંગીત આપ્યું. સોહરાબ મોદીની ‘સિકંદર’ અને ‘પૃથ્વીવલ્લભ’ ઉપરાંત નરગીસ અભિનીત ‘તકદીર’ 1944ની ‘ચલ ચલ રે નૌજવાન’, નઝીર અભિનીત ‘લૈલા મજનુ’ સહિત 29 ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું. ‘ચલ ચલ રે નૌજવાન’માં અશોકકુમાર, નસીમ બાનુ સાથે પરદા પર રફીક ગઝનવી પણ હતા. ગઝનવી સાથે ગુલામ હૈદરે સંગીત આપેલું. ગઇ સદીના ચોથા -પાંચમા દાયકામાં તેમનું સંગીત ખૂબ લોકપ્રિય બનેલું. ‘ભૂલને વાલે યાદ ન આ’, ‘સાજન ગયે કિસ ઔર’ જેવા ગીતો ઉપરાંત અશોકકુમાર, નૂરજહાં વગેરે પાસે ગવડાવેલા ગીતો છે. મહેબૂબ ખાનની નિર્માતા તરીકેની પ્રથમ ફિલ્મ ‘નજમા’ના સંગીતકાર પણ તેઓ છે અને પછી ‘તકદીર’માં પણ તેમને જ સંગીત આપેલું. જે નરગીસની હીરોઇન તરીકે પહેલી ફિલ્મ હતી. આ ‘તકદીર’માં શમશાદ બેગમને પ્રથમ વાર ગાવાની તક મળેલી.
પણ શું છે કે તેઓ ભારે ઇશ્કમિજાજ હતા. તેમની જિંદગીમાં દારૂ, સ્ત્રી ને કોઠા બહુ હતા. તેમાં વધારે ફિલ્મોમાં સંગીત આપી ન શકયા. તેમણે ચાર વાર લગ્ન કરેલા. પહેલી પત્ની તો લગ્નના ચારેક વર્ષમાં જ મૃત્યુ પામી. તેનાથી જન્મેલી દિકરી ઝાહિરાના લગ્ન ઝિયા સરહદી (‘હમલોગ’, દિલીપકુમારની ‘ફૂટપાથ’ વગેરેના દિગ્દર્શક) સાથે થયેલા. જોકે તે ઝાઝા ટકેલા નહીં. રફીક ગઝનવી બીજીવાર પરણ્યા ‘હીર રાંઝા’ની હીર મિસ અનવરી સાથે પણ લગ્ન ટકી ન શકયા. હા, એક દિકરી પેદા થઇ, જેનું નામ ઝાહીદા રાખેલું (પહેલી દિકરી ઝાહિરા). આ અનવરી પછી પૃથ્વીરાજ કપૂરના સાળા જૂગલ કિશોર મહેરાને પરણી. (જૂગલ કિશોરે ઇસ્લામ સ્વીકારી અહમદ સુલેમાન નામ અપનાવેલું અને અનવરી પાકિસ્તાન ગઇ તો તે પતિને ય લઇ ગઇ જ્યાં પાકિસ્તાન રેડિયોના ડાયરેકટર જનરલ તરીકે અહમદમિયાં નિયુકત કરાયેલા.)
રફીક ગઝનવીની દિકરી ઝહીદા બહુ જ રૂપાળી હતી અને યુવાનીમાં નસરીન નામે કારદારની ફિલ્મ ‘શાહજહાં’ની રુહી બનાવેલી જેના માટે પરદા પર સાયગલ ગીત ગાઇ છે, ‘મેરે સપનોં કી રાની રુહી રુહી રુહી.’ ત્યાર પછી તે ‘એક રોજ’ ફિલ્મમાં પણ આવી પણ દેશના ભાગલા પછી તે પાકિસ્તાન ચાલી ગઇ એટલે કારકિર્દી અટકી પડી. એ નસરીનની જ દિકરી તે સલમા આગા. ખેર, રફીક ગઝનવીની ત્રીજી સાદી મિસ અનવરીની જ સગીબહેન ઝોહરા સાથે થયેલી અને તે પણ અભિનેત્રી હતી. રફીક ગઝનવીને આ લગ્નથી જે દિકરી થયેલી તે શાહીનાએ પણ પાકિસ્તાનની ફિલ્મોમાં અભિનય કરેલો. ગઝનવીના કોઇ નિકાહ ટકતા નહીં અને ચોથીવાર સૌથી નાની સાળી શૈદા સાથે નિકાહ પઢયા અને તે પણ ખુર્શીદ અખ્તર નામે અભિનય કરતી હતી.
રફીદ ગઝનવીને તેમના સંગીતની સમાંતરે અંગત જીવન માટે યાદ કરવા પડે છે. મહેબૂબ ખાને ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ લખનારા ઇકબાલનો શેર ‘મુદ્દઇ લાખ બૂરા ચાહે….’ તેમની પાસે જ ઉદ્ઘોષ કરાવ્યો. ખેર, દેશના ભાગલા પછી રફીક ગઝનવી લાહૌર ચાલ્યા ગયા અને ત્યાં ગયા પછી ‘પરવાઝ’ અને ‘મંડી’માં સંગીત આપેલું. ત્યાર પછી તેમણે રેડિયો પાકિસ્તાનમાં નોકરી સ્વીકારી લીધેલી. 2 માર્ચ 1974માં તેમનું અવસાન કરાંચીમાં થયેલું.