Editorial

કલમ 370 હટાવનારી કેન્દ્ર સરકાર કાશ્મીરમાં હિન્દુઓને તાત્કાલિક રક્ષણ આપે તે જરૂરી

તાજેતરમાં કાશ્મીરી પંડિતો પર ‘કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ બની હતી. લાખો લોકોએ આ ફિલ્મ જોઈને કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારોને વખોડ્યા હતા. મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા ત્રણેક દાયકા પહેલા કાશ્મીરી પંડિતો પર જુલ્મો કરીને તેમને કાશ્મીરમાંથી ભગાડવામાં આવ્યા હતા. કાશ્મીરમાંથી પંડિતોને ભગાડવાની આતંકવાદીઓની પ્રવૃત્તિનો જે તે સમયે ભારે વિરોધ કરાયો હતો. ભાજપે તેનો રાજકીય લાભ પણ ઘણો લીધો. કાશ્મીરી પંડિતોના નામે ભાજપે મતોનું ધ્રુવીકરણ પણ કર્યું. ભાજપે કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરી કાશ્મીરી પંડિતોને ફરી વસાવવાની ખાતરી આપી હતી.

ભાજપની ખાતરીને પગલે કેટલાક પંડિતો ફરી કાશ્મીરમાં વસ્યા પરંતુ હવે કાશ્મીરમાં ફરી કાશ્મીરી પંડિતો પર આતંકવાદીઓ દ્વારા હુમલા શરૂ થઈ ગયા છે અને તેને કારણે કેન્દ્રની ભાજપ સરકારની પોલ ખુલી જવા પામી છે. હાલમાં કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી જવા પામી છે. કલમ 370 હટાવ્યા પછી 4 કાશ્મીરી પંડિતની સાથે 14 હિન્દુઓની હત્યા કરી દેવામાં આવી છે. આતંકવાદીઓ દ્વારા હિન્દુઓને લક્ષ્યાંક બનાવીને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે અને સરકાર તેનું રક્ષણ કરી શકતી નથી. સરકારની આ ઢીલી નીતિને કારણે હવે કાશ્મીરી પંડિતો અને હિન્દુઓ દ્વારા ચિમકી આપવામાં આવી છે કે સરકાર એક્ટિવ નહીં થાય તો તેમના દ્વારા ફરી કાશ્મીરમાંથી પલાયન શરૂ કરી દેવામાં આવશે.

એવું મનાતું હતું કે, કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સ્વર્ગની સ્થિતિ સર્જાઈ જશે. આતંકવાદ નાબુદ થઈ જશે અને હિન્દુઓ બેફિકર થઈને કાશ્મીરમાં રહી શકશે. કાશ્મીર પંડિતો ફરી કાશ્મીર ઘાટીમાં જઈને વસતા થઈ જશે. પરંતુ કમનસીબે એવું થયું નથી. કાશ્મીરમાં આતંકીઓ આજે પણ પ્રવૃત્ત છે અને પોતાની નાપાક હરકતો ચાલુ જ રાખી રહ્યા છે. આતંકવાદીઓ દ્વારા હવે લડવાની પદ્ધતિ બદલી નાખવામાં આવી છે. જે આતંકવાદીઓ સીધો હુમલો કરતા હતા તેમણે હવે ટાર્ગેટ કિલિંગ શરૂ કર્યું છે. આતંકવાદીઓ દ્વારા ગણીગણીને હિન્દુઓને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે અને સરકાર આ હિન્દુઓને બચાવવામાં નાકામ સાબિત થઈ રહી છે. તાજેતરમાં કાશ્મીરના કુલુગામમાં એક હિન્દુ શિક્ષક રજની બાળાની હત્યા કરી દેવામાં આવી. જેને કારણે ભારે રોષની લાગણી ફાટી નીકળી છે.

રજનીની અંતિમયાત્રા દરમિયાન જ પ્રદર્શનકારીઓમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને લોકોએ રસ્તા પર આવીને ‘અમને ન્યાય જોઈએ’ તેવા સુત્રો પોકાર્યા હતા. કાશ્મીરમાં છેલ્લા પાંચ-છ દિવસમાં જ 7 નાગરિકની હત્યા કરી દેવામાં આવી છે. આ સાતમાં એક કાશ્મીરી પંડિત, એક શીખ તેમજ એક પ્રવાસી હિન્દુનો સમાવેશ થાય છે. આતંકવાદીઓ દ્વારા ઓક્ટોબરથી ટાર્ગેટ કિલિંગ શરૂ કરવામાં આવ્યું છે. માત્ર મે માસમાં જ આતંકવાદીઓ દ્વારા થયેલી 7 હત્યામાં 3 તો પોલીસ કર્મચારીઓ છે. જેને કારણે સ્થિતિ વિસ્ફોટક બની છે. સરકાર લોકોને રક્ષણ આપી શકતી નથી તે મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પિટિશન પણ કરવામાં આવી છે.

જે રીતે કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ ચાલી રહ્યું છે તેણે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. હિન્દુઓની સલામતી ખતરામાં મુકાઈ ગઈ છે. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતી હત્યાને કારણે કાશ્મીરી પંડિતો દ્વારા કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે. ત્યાં સુધી કે કાશ્મીર ઘાટીમાં વસતા હિન્દુઓ દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે સરકાર 24 જ કલાકમાં તેમને રક્ષણ પુરૂં પાડે, અન્યથા તેઓ દ્વારા કાશ્મીરમાંથી પલાયન શરૂ કરી દેવામાં આવશે.

કાશ્મીરી પંડિતોની થયેલી હત્યાને પગલે હવે રાજકારણ પણ શરૂ થઈ જવા પામ્યું છે. રાજકારણ ભલે ખેલાતું પરંતુ કેન્દ્ર સરકારની અને ખાસ કરીને ગૃહમંત્રાલયની એ જવાબદારી બને છે કે, કાશ્મીરી પંડિતો પોતાને સુરક્ષિત અનુભવે તેવા પગલાઓ લેવામાં આવે. સરકારે કલમ 370 નાબુદ કરીને એવો સધિયારો લઈ લેવાની જરૂરીયાત સ્હેજેય નથી કે કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ ગઈ છે. આતંકવાદીઓ અટકવાના નથી. સરકારે હિન્દુઓની રક્ષા માટે કાશ્મીરમાં એક્શન પ્લાન ઘડવો જ પડશે તો જ ખરેખર આતંકવાદીઓ પોતાના ઈરાદામાં સફળ નહીં થાય નહીં તો કાશ્મીરમાં જે સ્થિતિ ત્રણ દાયકા પહેલા કાશ્મીરી પંડિતોની થઈ હતી તેવી જ દશા આ વખતે પણ થશે તે નક્કી છે.

Most Popular

To Top