કેટલાક એવા સંગીતકાર હોય છે કે જેમના સંગીતના કારણે ઘણી ફિલ્મો આપણને યાદ આપતી રહે. રાહુલદેવ બર્મન બસ એવા સંગીતકાર છે. ‘જાના હૈ હમેં તો જહાં કરાર મિલે’ (કિશોરકુમાર) ગીત કઇ ફિલ્મનું? જવાબ છે – ‘પાંચ દુશ્મન’નું. ‘વાદિયા મેરા દાનમ રાસ્તે મેરી બાંહે’ ગીત કઇ ફિલ્મનું? જવાબ – ‘અભિલાષા’. ‘થોડી સી જમીં થોડા આસમાં, તિનકોં કા બસ એક આશિયાં’? – હા, તે ફિલ્મ છે ‘સિતારા.’ ‘તેરે લિયે પલકો કી ઝાલર બનું’ છે ફિલ્મ ‘હરજાઇ’નું ગીત. ‘કહીં કરતી હોગી વો મેરા ઇંતજાર’ છે ‘ફિર કબ મિલોગી’નું ગીત. આવા ગીતોની યાદી બનાવીએ તો ઘણી ફિલ્મો યાદ આવી જશે.
રાહુલદેવ બર્મને જ્યારે સ્વતંત્ર રીતે સંગીત આપવું શરૂ કરેલું, ત્યારે તો ઘણા માનતા કે સચિનદેવ બર્મનનો દીકરો છે, એટલે બાપે જ સંગીત આપ્યું હશે. R.D.એ પણ કહ્યું છે કે લોકોને મારામાં વિશ્વાસ જ નહોતો. બાકી હકીકત તો એવી છે કે R.D. તેમના પિતાના સહાયક હતા, ત્યારે ‘એ મેરી ટોપી પલટકે આ’થી માંડી ‘આખોં મેં કયા જી રૂપહલા બાદલ’, ‘અરે યાર મેરી તુમ ભી હો ગજબ’ની ધૂન R.D. એ જ બનાવેલી. ‘પ્યાસા’ વખતે ગુરુદત્ત જે રીતે પિતાના સંગીતમાં R.D.ને પ્રદાન કરતા જોયા. તે વખતે જ ‘ગૌરી’ ફિલ્મના સંગીત માટે નકકી કરી દીધેલા.
એ ફિલ્મ ન બની અને તેના માટે બનાવેલા બંને ગીત એમના એમ રહ્યા. ‘છોટે નવાબ’ તેમની પહેલી ફિલ્મ પણ તે ફિલ્મના નિર્માતા મહેમૂદ તો સચિનદેવ બર્મનને સંગીતકાર તરીકે નકકી કરવા આવેલા અને તેમ ન થયું તો તરત R.D.ને સોંપ્યું. મઝાની વાત એ કે ‘દોસ્તી’માં રાહુલદેવ બર્મને લક્ષ્મીકાંત પ્યારેલાલ માટે માઉથ ઓર્ગન વગાડેલું અને ‘છોટે નવાબ’માં R.D.ના આસિસ્ટન્ટ રહેલા લક્ષ્મીકાંત પ્યારેલાલ. એ સમય જ જુદો હતો મારા સાહેબ!
R.D. બર્મને સાચે જ એટલા વૈવિધ્ય સાથે સંગીત આપ્યું છે કે આજે વિચારો તો ચકિત રહી જવાય. એમના સમયમાં તેમના જેટલી તાકાત એક લક્ષ્મીકાંત – પ્યારેલાલમાં જ હતી. પણ સંગીતમાં જે આધુનિકતા ‘પંચમ’થી આવી, તે તો એવી કે આજે પણ નવા સંગીતકારે જો કાંઇ નવું કરવું હોય તો ‘પંચમ’ને ફરી સાંભળવા પડે. A.R. રહેમાન પર વારી જનારાને કહેવાનું મન થાય કે હા, તેઓ અત્યારના સંગીતકારોમાં ઘણા ક્રિએટીવ છે, પણ R.D. બર્મન જેટલું ને જેવું કામ કરવું તેમનાથી શકય નથી.
R.D.ને સંગીત સર્જવામાં બે સ્વરની મોટી મદદ મળી – એક કિશોરકુમાર અને બીજા આશા ભોંસલે. આશા ભોંસલેના સ્વરમાં રહેલી અનેક પ્રકારની બારીકીઓ R.D.થી જ બહાર આવી અને કિશોરકુમારના સ્વરમાં જે વૈવિધ્ય હતું તે R.D.માં સૌથી વધુ પ્રગટ થયું. R.D.ના કારણે 1960 પછીની પેઢીએ આધુનિકતાનો અનુભવ કર્યો. તેમણે ગીતો પણ બહુ જુદી રીતે લખાવ્યા. મજરુહ, આનંદ બક્ષી અને ગુલઝારના ગીતો ફરી સાંભળો ને થશે કે એક જુદી જ અભિવ્યકિત R.D. વડે સિધ્ધ થઇ છે. R.D.એ એવા અનેક ગીતો કમ્પોઝ કર્યા છે, જે અગાઉના સંગીતકારોને ગીત જ લાગ્યા ન હોત. ‘એ એ મેં સહાં આ ફસી, હાય રે સખી, પોપે પબચા તો સખી…’ (‘કારવા’), ‘મેંને ભી દેખા એક સપના કયા દેખા બોલો ના બોલો ના’ (‘સમાધી’), ‘મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હે’ (ઇજાજત), ‘એક હી ખ્વાબ કઇ બાર દેખા હે મૈને’ (કિનારા) જેવા ગીતો કેવી રીતે કમ્પોઝ કર્યા હશે? હા, એવું ય ખરું કે નૌશાદને જેમ રફી, મદનમોહનને લતાજી, શંકર જયકિશનને મુકેશ, O.P. નૈયરને આશા, સચિનદેવ બર્મનને (રફી, લતા ઉપરાંત) કિશોરકુમાર હતા, જેની પાસે ધારેલી ધૂન ગવડાવી શકાતી.
તેમ રાહુલદેવ બર્મનના કિશોરદા અને આશા ભોંસલે. ‘દમ મારો દમ’ યા ‘પિયા તુ અબ તો આજા’ની કલ્પના આશાજી વિના શકય જ નથી અને કિશોરકુમાર વિના શું યે જવાની હૈ દીવાની હટ મેરી રાની’, ‘સામને યે કૌન આયા દિલ મેં હુઇ હલચલ’ (જવાની દીવાની), ‘જાગો સોનેવાલો સૂનો મેરી કહાની (ભૂત બંગલા), ‘દિલ મિલ ગયે તો હમ ખિલ ગયે’ (યાદોં કી બારાત) જેવા ગીતો શકય છે? ને આ કિશોરકુમાર R.D.ના સ્વરાંકનમાં એવા પ્રેમ, એવી મસ્તી, એવા દુ:ખ સુધી લઇ ગયા કે આજે ય ‘ફીર ભી મેરા મન પ્યાસા’નો અનુભવ થાય. શમ્મીકપૂરની ઇમેજને ‘તીસરી મંઝિલ’માં વધારે મ્યુઝિકલ બનાવનાર પંચમ વિના રાજેશ ખન્નાનું સ્ટારડમ અધૂરું છે. ‘ધ ટ્રેન’થી તેઓ જોડાયા અને ‘કટી પતંગ’, ‘અમર પ્રેમ’, ‘શહેજાદા’, ‘મેરા જીવનસાથી’, ‘અપના દેશ’, ‘રાજા રાની’, ‘નમકહરામ’, ‘હમશકલ’, ‘આપ કી કસમ’, ‘અજનબી’, ‘મહાચોર’, ‘બંડલબાજ’, ‘મહેબૂબા’, ‘કર્મ’, ‘ચલતા પૂર્જા’, ‘ભોલાભાલા’, ‘નોકરી’, ‘રેડ રોઝ’થી માંડી ‘વાપસી’ સુધી ગણો તો કુલ 26 ફિલ્મો છે.
રાજેશખન્ના માટેના સંગીતમાં રોમેન્ટિસિઝમ છે, ફિલોસોફી અને એ જ R.D. રિશીકપૂર માટે સંગીત આપે, ત્યારે ડાન્સનો મહિમા વધી જાય છે. દરેક સ્ટાર્સની ઇમેજ ઓળખી સંગીત આપવું R.D.ની વિશેષતા છે. તમે એ જ પંચમને દેવઆનંદ માટે સાંભળો તો જૂદું અનુભવશો. કોમેડી ફિલ્મો માટેના સંગીતમાં તેઓ જુદા અનુભવાશે. ‘પડોસન’થી માંડી ‘ગોલમાલ’ના સંગીતમાં આ જોઇ શકશો. ગુલઝારને એક સંજીવકુમાર અને બીજા R.D. વિના ન ચાલ્યું. કારણ કે તે બંને ગુલઝારની ફિલ્મનું ચરિત્ર સમજતા હતા. જુદી માનવીય સંવેદના અનુભવતા હતા. તમે આ બધાને અલગ રાખી CD બનાવી જુઓ તો થશે કે પંચમ કેવી રીતે બધા માટે અલગ સર્જકતા દાખવી શકતા.
રિશીકપૂરને ‘બોબી’ માટે શૈલેન્દ્રસિંઘનો અવાજ મળ્યો, પણ તેના પછીની ‘ઝહરીલા ઇન્સાન’માં રિશી માટે પંચમે કિશોરકુમાર પસંદ કર્યા અને ‘ઓ હંસિની મેરી હંસિની’ ગીત સર્જાયું. તે વખતે રશીએ પણ શૈલેન્દ્રસિંઘનો આગ્રહ રાખેલો પણ પંચમની પસંદગી કિશોરકુમાર જ હતા. રિશીએ પછી સ્વીકાર્યું એ માર્વેલસ ગીત હતું. પછી ‘ખેલ ખેલ મેં’, ‘ખૂલ્લમ ખૂલ્લા પ્યાર કરેગે હમ દોનો’ યા ‘હમ કિસી સે કમ નહીં’માં ‘બચના એ હસીનો’, ‘એ દિલ કયા મહેફીલ હે તેરે કદમોમેં’, ‘હમકો તો યારા તેરી યારી’ જેવા ગીતો આપેલા. R.D. માટે કિશોરકુમાર એ જમાનાના અવાજ હતા, જેમ એક સમયે રફી એક જમાનાના અવાજ હતા.
કિશોરકુમારના 10 ફેવરીટ ગીતોમાં જો ‘ચિંગારી કોઇ ભડકે’ છે તો બીજી તરફ ‘મેરે નૈના સાવન બહા દોં’ છે પણ અમિતાભ માટે કિશોરકુમાર ગાય તો R.D. જુદી રીતે ગવડાવે છે. ‘દો લફઝોંકી હે, યે દિલકી કહાની’, ‘જહાં તેરી યે નજર હે’, ‘તુમ સાથ હો જબ અપને’, ‘તું મયકે મત જઇયો’, ‘જિધર દેખું તેરી તસવીર’, ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે’. સંગીતકારે બદલાતા સમયને પકડવાનું હોય છે અને R.D. બર્મન નવા સમયના સંગીતકાર છે. તેમનું ઓર્કેસ્ટ્રેશન જુદું છે. ગાયક – ગાયિકા પાસે જે આલાપો કરાવ્યા તે જુદા છે. R.D. બર્મન અને સચિનદેવ બર્મન વચ્ચે જ નહીં, તે સમયના બધા સંગીતકારો વચ્ચે પણ ભેદ છે. R.D. બર્મન હવે એ સમયથી આગળ વધી આજના સમયમાં પણ વિસ્તરી ગયા છે. તેઓ નથી, પણ સંગીત છે, જે સમયમાં બંધાતું નથી.