બિહારમાં (Bihar) એવું મશીન (Machine) લગાવવામાં આવ્યું છે, જેમાં તમે એકતરફથી પ્લાસ્ટિક (Plastic) નાંખશો તો બીજી તરફથી પેટ્રોલ (Petrol) નીકળશે. આ મજાક નથી. સત્ય ઘટના છે. અહીંના મુઝફ્ફરપુર વિસ્તારમાં પ્લાસ્ટિકના બદલામાં પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે માત્ર 6 રૂપિયાની કિંમતના પ્લાસ્ટિકના કચરામાંથી રૂ.79નું ડીઝલ-પેટ્રોલ મળે છે.
બિહારના મહેસૂલ અને જમીન સુધારણા મંત્રી રામસુરત રાયે કુધની જિલ્લાના ખરોના ખાતે પ્લાસ્ટિકના કચરામાંથી બળતણ એટલે કે પેટ્રોલ-ડીઝલનું ઉત્પાદન કરતા યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે. દેશનો આ પહેલો એવો પ્લાન્ટ છે જ્યાં પ્લાસ્ટિકમાંથી પેટ્રોલિયમ પેદાશો બનાવવામાં આવી રહી છે.
મુઝ્ઝફરપુરની ગ્રેવિટી એગ્રો એન્ડ એનર્જી કંપનીએ આ મશીન લગાવ્યું છે. આ મશીનની મદદથી અહીં રોજ 200 કિલો પ્લાસ્ટિકના કચરામાંથી 150 લિટર ડીઝલ અથવા 130 લિટર પેટ્રોલનું ઉત્પાદન કરવામાં આવશે તેવો કંપની દ્વારા દાવો કરાયો છે. પહેલા કચરાને બ્યુટેનમાં રૂપાંતરિત કરાશે. ત્યાર બાદ બ્યુટેન આઇસો-ઓક્ટેનમાં રૂપાંતરિત થશે. ત્યારબાદ મશીનમાં જ અલગ અલગ દબાણ અને તાપમાન દ્વારા આઇસો ઓક્ટેનને ડીઝલ અથવા પેટ્રોલમાં રૂપાંતરિત કરવામાં આવશે. ડીઝલને 400 ડિગ્રી સેલ્સિયસ અને પેટ્રોલને 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઉત્પાદન કરી શકાશે.
આ અગાઉ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોલિયમ, દેહરાદૂન દ્વારા ડીઝલ અને પેટ્રોલના ઉત્પાદનની સફળ ટ્રાયલ કરવામાં આવી હતી. ડીઝલ અને પેટ્રોલમાં ઓક્ટેન વેલ્યુ વધુ હોવાને લીધે માઈલેજ વધુ મળે છે. આ સમગ્ર પ્રક્રિયામાં અંદાજે 8 કલાકનો સમય લાગે છે. કંપની દ્વારા પ્લાસ્ટિકનો કચરો મહાનગરપાલિકા પાસેથી 6 રૂપિયા પ્રતિ કિલોના દરે ખરીદવામાં આવી રહ્યો છે. ખેડૂતો ઉપરાંત આ યુનિટમાં તૈયાર થતા ડીઝલ-પેટ્રોલ મહાનગરપાલિકાને પણ આપવામાં આવશે. આ યુનિટ પેટ્રોલ અને ડીઝલ 70 રૂપિયા પ્રતિ લીટરના દરે વેચશે. પહેલા જ દિવસે 40 કિલો પ્લાસ્ટિકના કચરામાંથી 37 લિટર ડીઝલ તૈયાર કરવામાં આવ્યું હતું.
સરકારી યોજના હેઠળ કારખાનું ખોલવામાં આવ્યું
કેન્દ્ર સરકારની PMEGP યોજના હેઠળ 25 લાખ રૂપિયાની લોન લઈને આ યુનિટ ખોલવામાં આવ્યું છે. આ દેશ જ નહીં પરંતુ દુનિયાનો એક માત્ર એવો પ્લાન્ટ બની ગયો છે જ્યાં પ્લાસ્ટિકમાંથી ડીઝલ-પેટ્રોલ બને છે. તેની પેટન્ટ મુઝ્ઝપુરની ગ્રેવીટી એગ્રો એન્ડ એનર્જીને સંસ્થાએ મેળવી છે.