રાજકોટ (Rajkot) લોકસભા સીટના ભાજપના (BJP) ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્રરૂપ ધારણ કર્યું છે. ક્ષત્રિય સમાજનો જે રોષ માત્ર રાજકોટ અને સૌરાષ્ટ્ર પૂરતો હતો તે હવે રાજ્યના અન્ય શહેરોમાં પ્રસરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢના વંથલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા બાબતે અરજી કરવામાં આવી છે. રાજકોટમાં યુવાનોની અટકાયત મામલે પણ ક્ષત્રિય સમાજ મેદાનમાં ઉતરી આવ્યું છે. અહીં ‘રૂપાલા હાય હાય’ના નારા લગાવવામાં આવ્યા હતા જ્યારે અનેક જગ્યાએ પુતળા દહન પણ કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં ગઈકાલે રેલનગરમાં ક્ષત્રિય યુવાનો દ્વારા પુરુષોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પોલીસ સ્થળ પર પહોંચી હતી પરંતુ પોલીસ સ્થળ પર જ પૂતળા દહન કરતા યુવાનોની અટકાયત કરવાને બદલે મોડીરાત્રે 3 યુવાનોને તેમના ઘરે જઈ ઉંચકી લાવી હતી. આ દરમિયાન 3 યુવાનો સામે પોલીસ દ્વારા રાયોટિંગની કલમ ઉમેરવામાં આવતા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં રવિવારે બપોરે મોટી સંખ્યામાં કરણીસેનાના યુવાનો તેમજ ક્ષત્રિય સમાજની બહેનો એકત્ર થઈ હતી. રાજકોટના અમીન માર્ગ સ્થિત પરસોત્તમ રૂપાલાના નિવાસ્થાન ખાતે એસીપી બી. જે. ચૌધરી સહિતના અધિકારીઓ બંદોબસ્ત અર્થે તૈનાત જોવા મળી રહ્યા છે.
બીજી તરફ જુનાગઢના વંથલી પોલીસ મથકમાં પુરુસોત્તમ રૂપાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા અરજી કરાઈ છે. આ અરજીમાં ગોંડલ ખાતેના તેમના કાર્યક્રમમા અનુ સૂચિત સમાજની લાગણી દુભાઈ તેવા શબ્દો ઉચચાર્યાનો ઉલ્લેખ કરાયો છે. વંથલીના સામાજિક કાર્યકર દ્વારા આ અરજી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શનિવારના રોજ કરણી સેનાના રાજ શેખાવતે સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના તમામ પદ પરથી પોતાનું રાજીનામું આપી દીધું હતું. પરસોતમ રૂપાલા વિરુદ્ધ જે રીતે ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળી રહ્યો છે. તેને લઈ સોશિયલ મીડિયામાં પણ રાજકોટ લોકસભા બેઠક પરના ઉમેદવારને વડોદરા તેમજ અન્ય બેઠકોની માફક બદલી નાખવામાં આવે તે પ્રકારની ચર્ચા ચાલી રહી છે.
આ તમામની વચ્ચે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વિરુદ્ધ પક્ષના નેતા પરેશ ધાનાણીની કવિતા સામે આવી છે. પરેશ ધાનાણીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ (X) પર ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે પુરસોત્તમ રૂપાલાને લઈ આડકતરો ઇશારો કર્યો છે કે તેઓ રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારી કરી રહ્યા છે.