લલિત મોદી, નીરવ મોદી બધા ચોરોની અટક મોદી જ કેમ નીકળે છે ? 2019ની ચૂંટણીમાં કર્ણાયકમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કરેલા આ બાલિશ નિવેદનના પ્રત્યાઘાત બહુ ભારી પડયા છે. સૂરતની કોર્ટમાં પશ્ચિમના ધારા સભ્ય પૂર્ણેશ મોદીએ પડકારી સુરતની કોર્ટમાં માનહાનિનો કેસ કર્યો હતો. જેના કારણે રાહુલ ગાંધીએ અવારનવાર સુરતની કોર્ટમાં આંટા ફેરા મારવા પડેલા. એ સમય દરમિયાન ખુદ રાહુલ ગાંધીને મનમા કે ચિત્તમાં એવું હતું નહી એની ગંભીરતા તેઓ સમજી શકયા નહોતા. ‘મોદી’ સમાજની માનહાનીના કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા સુરતની કોર્ટે ફટકારી છે. રાહુલ ગાંધી આ ચૂકાદાને સેસન્સ કોર્ટમાં પડકારશે. ભલે તેઓ આ ચૂકાદાની સામે લડત આપશે પરંતુ હાલ તો તેઓ ઉપાધીમાં પડી ગયા છે. કોર્ટનો ચૂકાદો સાવ નિષ્પક્ષ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જાતીય વિષયના આવા સંવેદનશીલ મુદ્દા પર કોઈપણ માણસ બચી શકે નહી. મોડે મોડે પણ પૂર્ણેશ મોદીની મહેનત રંગ લાવી છે.
સુરત – જગદીશ પાનવાલા–આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કૂતરાઓની કોલોની ન બનાવાય
રખડું કૂતરાંઓનો ત્રાસ દિનપ્રતિદિન વધતો જાય છે. કાયદાની ભાષાની વાત કરીએ તો ઠેઠ 1951માં મુંબઈ ધારાસભાએ રખડુ કૂતરાંઓનો નાશ કરવાની એક કલમ બોમ્બે પોલીસ એક્ટમાં દાખલ કરી હતી. કલમ 44 અન્વયે તમામ રખડુ કૂતરાઓનો નાશ કરવાની સત્તા પોલીસને અપાઈ છે. જ્યારે કૂતરા બાળકો, માણસોને કરડે છે, ત્યારે મોંઘા ઈંજેક્શન મ્યુની. પણ આપતી નથી. અને દર્દીઓ પાસેથી વસુલ કરે છે. જીવદયાવાળા દર્દીઓને જોવા જતા નથી કે સારવારના પૈસા આપતા નથી. પોતે જીવદયાવાળા છે એવો દંભ આચર્યા કરવો છે. હવે સુરત મ્યુની. રખડુ કૂતરાંઓના આશ્રયસ્થાન બનાવવાનો વિચાર કરે છે.
મહંમદ તઘલખ તો મરી ગયો પરંતુ તેની તઘલખી વિચારસરણિ થોડાંક સરકારી અમલદારો અને કાઉન્સીલરોને વારસામાં આપતો ગયો લાગે છે. બાચકા ભરતા હડકવા ફેલાવતા કૂતરાઓના નાગરિકોને પૈસે આશ્રયસ્થાનો બનાવાતા હશે? જનતા આ માટે વેરા ભરે છે? કે પછી તમારે એમાંથી કમાણીના સાધનો ઉભા કરવા છે? બીજું, ક્યા ગામવાળા પોતાની આસપાસ આવા કૂતરાની કોલોનીઓ ઉભી થવા દેવાના છે? ઘણી સોસાયટીઓમાં તો સભ્યોને કૂતરા પાળી રાખવા પર પ્રતિબંધ છે, એક સામટા બસો પાંચસો-હજાર કુતરા ભસે, અંદરોઅંદર લડે, તે માટે વળી વેટેરીનર દાકતરોની જગ્યા ઉભી કરવી છે? કૂતરા તો ગમે તેમ છટકી જવાના અને પાછા મહોલ્લાઓમાં ફરતા થઈ જવાના, તમે એમને માટે કિલ્લા બાંધવાના છો?
સુરત – ભરત પંડ્યા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.