Charchapatra

પોંક પાપડી ને પતંગ સુરતની આગવી ઓળખ

શિયાળાની સિઝન શરૂ થતાંની સાથે જ બજારમાં લીલાંછમ તાજાં શાકભાજી મળવાની શરૂઆત થાય છે. તેમાં પણ પાપડીને જોતાં જ અસલ સુરતીઓને ઊંધિયું યાદ આવ્યા વગર રહે જ નહીં. લગ્ન પ્રસંગે કે કોઈ અન્ય શુભ અવસરે જવાનું થાય તો જમણમાં અચૂક ઊંધિયું તો હોય જ. આ તો થઈ પાપડીની વાત, પણ પોંક પણ સુરતીઓની પહેલી પસંદ છે. પોંક ખાવા માટે તો એન. આર. આઈ. દર વર્ષે સુરત આવવાનું પસંદ કરે છે, પરંતુ હવે તો પોંક ઘણાં બધાં સ્થળોએ મળવા માંડ્યો છે એટલે પોંક સુરત પૂરતો સીમિત રહ્યો નથી. પોંક સાથે પોંકવડાં, પોંક પેટીસ અને જાત જાતની સેવ જેવી કે લીંબુ મરીની સેવ, મોળી સેવ, તીખી સેવ તો ખરી જ.

નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી આ ત્રણ મહિના એનઆરઆઈ આ વાનગીની મજા માણવા અચૂક આવતાં જ હોય છે. વળી પતંગની મજા કાંઈ ઓર જ છે. ડિસેમ્બરથી માંજો ઘસવાની શરૂઆત નાના વેપારીઓ કરવા માંડે છે. શહેરનો તો આ ખાસ ગૃહઉદ્યોગ ગણાવી શકાય. લોકો પતંગ લેવા ખાસ રાંદેર જાય છે અને ત્યાંથી જથ્થાબંધ પતંગ લઈ આવીને ઉત્તરાયણને દિવસે પતંગ ઉડાવીને મજા માણે છે અને સાથે પાપડીનું ઊંધિયું ને પોંક સેવ તો, ખરા જ. આટલો સરસ છે સુરતી મિજાજ અને સુરતીઓમાં પોંક, પાપડી અને પતંગ પ્રત્યેનો પ્રેમ.
સુરત     – શીલા એસ.ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

રક્તદાન શિબિરના આયોજનમાં અગ્રેસર કોટ વિસ્તાર
‘રક્તદાન એ મહાદાન’ સ્લોગનને સાર્થક કરવા ૧૯૭૬ માં સુરતમાં સુરત જનરલ હોસ્પિટલમાં ‘સુરત રક્તદાન કેન્દ્ર’ની સ્થાપના કરવામાં આવી. સમયાંતરે કેન્દ્ર પહેલાં ગોપીપુરા અને હાલમાં ખટોદરા ખાતે કાર્યરત છે. રક્તદાન કરતાં લોકો ડરતાં હતાં ત્યારે સુરત રક્તદાન કેન્દ્રે  સુરતના કોટ વિસ્તારના સેવાકીય અને યુવક મંડળોને રક્તદાન શિબિર યોજવા પ્રોત્સાહિત કર્યા હતા. તળ સુરતમાં રકતદાન શિબિરનું આયોજન કરતાં મંડળોમાં ચાંલ્લા ગલી યુવક મંડળ(ગોપીપુરા),મોટા મંદિર યુવક મંડળ(ચૌટા બજાર),અખિલ ભારતીય રાણા સમાજ(નવાપુરા),રૂદરપુરા સેવા સંગઠન(રૂદરપુરા),ગલેમંદિર યુવક મંડળ(ગલેમંદિર),કમલ કલબ(બાલાજી રોડ),સમસ્ત ખત્રી સમાજ(સલાબતપુરા),લેઉવા પાટીદાર પ્રગતિ યુવક મંડળ(રામપુરા),ચલમવાડ યુવક મંડળ(સલાબતપુરા),હનુમાન યુવક મંડળ(અંબાજી રોડ),બાલાજી યુવક મંડળ(બાલાજી રોડ),ભંડારી યુવક મંડળ(સગરામપુરા),જે.જે.યુવક મંડળ(સલાબતપુરા) વિ. અનેક મંડળો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન થાય છે. આજે સુરતની વસ્તી વધી ગઈ છે. કોટ વિસ્તારની બહાર પણ ઘણી ‘બ્લડ બેંકો’કાર્યરત થઈ છે. છતાં આજે પણ સુરત કોટ વિસ્તારનાં સેવાકીય મંડળો રક્તદાન શિબિરના આયોજનમાં અગ્રેસર છે. કાર્યકર્તાઓ અને રક્તદાતાઓને લાખ લાખ વંદન.
સુરત     – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top