Gujarat Election - 2022

જાહેર વાત ખાનગીમાં

રવિ કિશન કરતાં લોકોને ચેવડો વધારે પસંદ છે
જનમેદની એકત્ર કરવા માટે નેતાઓ અને ઉમેદવારો અલગ અલગ હથકંડા અપનાવી રહ્યાં છે. હવે એવો સમય નથી રહ્યો કે મતદારો સ્ટાર પ્રચારકને સાંભળવા માટે ગાંઠના રૂપિયા ખર્ચીને જાય. એટલે હવે નાસ્તા અને ફૂડ પેકેટ્સની વ્યવસ્થા તો કરવી પડે જ છે પરંતુ સાથે સાથે તેમને લાવવા લઇ જવાનો ખર્ચ પણ ઉમેદવારો જ કરે છે. જે લોકો સભામાં જોવા મળે છે તેમને નેતાના ભાષણમાં રસ ઓછો હોય છે અને ટેસ્ટી ખાવાનામાં જ વધારે હોય છે.
રવિ કિશન ભાજપના સ્ટાર પ્રચારકની યાદીમાં છે. જ્યાં સુધી હિન્દી બેલ્ટની વાત આવે છે ત્યાં તેને જોવા પડાપડી થાય છે પરંતુ ગુજરાતીઓ તેને એટલા પસંદ કરતાં નથી. આવુ જ તેમની મેઘરજની એક સભામાં બન્યું હતું. તેમનું પ્રવચન ચાલી રહ્યું હતું ત્યારે સભામાં ચેવડો વહેંચવાનું શરૂ કરાયું અને ચેવડા માટે એટલી પડાપડી થઇ કે રવિ કિશન તો સાઇડ ઉપર જ રહી ગયાં.


નેતાઓને મતદારોનો સટિક સવાલ, તમારાં બાળકોને સરકારી સ્કૂલમાં કેમ નથી મૂકતા?
ચૂંટણીનો માહોલ જામ્યો છે અને જુદા જુદા નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર માટે મતદારોની વચ્ચે જઇ રહ્યાં છે. ત્યારે દરેક જગ્યા ઉપર મતદારો નેતાઓને સવાલ કરી રહ્યાં છે કે, તમારા બાળકોને સરકારી સ્કૂલમાં કેમ નહીં ભણાવ્યાં? આ સવાલનો જવાબ આપવામાં નેતાઓને પરસેવો પડી રહ્યો છે. આગામી ચૂંટણીમાં હવે મતદારો મત માંગવા જનારા નેતાઓને આકરા સવાલો કરી રહ્યાં છે. ખાસ કરીને નેતાઓ ભલે સરકારી સ્કૂલ ચકાચક હોવાની વાત કરે પરંતુ તેમના બાળકોને કે પછી તેમના પૌત્ર- પૌત્રીઓને તો ખાનગી શાળામાં જ ભણાવે છે. હવે આ વાત મતદારો ખૂબ સારી રીતે સમજી કયા છે અને શિક્ષણની સ્થિતિ અંગેના તેમના સવાલો ઉમેદવારોનો પરસેવો પાડી રહ્યાં છે.

Most Popular

To Top