પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે અવધ સંગ્રીલા ખાતે 5 ઓક્ટોબરના રોજ બાંગ્લા 47માં ચાલતી રંગીન પાર્ટીમાં પલસાણા પોલીસે કરેલી રેડમાં (Police Raid) બેંગકોકની બે મહિલા સહિત 25 વ્યક્તિની ધરપકડની ઘટનામાં તપાસ કરતી LCBએ ટ્રાફિક ઈમોરલ એકટ (દેહ વેપાર) (Prostitution) ની કલમનો ઉમેરો કર્યો હતો. જેથી રેડ કરનાર પલસાણા પોલીસે માત્ર દારૂની મહેફિલનો (Alcohol Party) ગુનો નોંધતાં તેમની કામગીરી શંકાસ્પદ જણાતાં જિલ્લા પોલિસ વડાએ પી.એસ.આઈ.પી.સી.સરવૈયાને તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે.
- પાર્ટીમાં બે બેંગકોકની યુવતી સહિત છ યુવતી હોવા છતાં પલસાણા પોલીસે માત્ર દારૂની હેફિલનો ગુનો નોંધ્યો હતો, જ્યારે એલસીબીએ દેહવેપારની કલમનો ઉમેરો કર્યો હતો
- કીમ પોલિસ મથકના પી.એસ.આઈ. ગઢવીને હંગામી ધોરણે પલસાણા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો, લીવ રિઝવ પી.એસ.આઈ. પંડયા હાલમાં કીમ પોલીસ સ્ટેશન સંભાળશે
પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં ને.હા.48ની બાજુમાં આવેલા અવધ સાંગ્રીલાના બંગલા નંબર 47માં વિદેશી મહિલાઓ સાથે ચાલતી શરાબ અને સબાબની મહેફિલ પર રેડ કરી બે બેંગકોકની અને અન્ય 4 યુવતી મળી કુલ 6 મહિલા અને 19 પુરુષને પલસાણા પોલીસે ઝડપી પાડી માત્ર દારૂની મહેફિલનો ગુનો નોંધી સંતોષ માન્યો હતો. શરૂઆતથી જ શંકાના ડાયરામાં આવેલી આ રેડમાં પલસાણા પોલીસની ભૂમિકા શંકાસ્પદ હતી. આ રેડમાં પલસાણા પોલીસે સુરતની બે એક એજન્સીના બે પોલીસ કર્મચારી અને એક ત્રાહિત વ્યક્તિને પાછલા બારણે રવાના કર્યા હતા.
આ રેડમાં માત્ર 30 હજારનો વિદેશી દારૂ અને અંગ ઝડતીના રોકડ રકમમાં 4 હજાર રૂપિયા જ બતાવ્યા હતા જેવા અનેક મુદ્દા પોલીસની ભૂમિકા સામે શંકા ઉભી કરી રહ્યા હતા. આ ગુનાની તપાસ દરમિયાન LCB પોલીસે ટ્રાફિક ઈમોરલ એકટ (દેહ વ્યાપાર)ની કલમનો ઉમેરો કરતા પલસાણા પોલીસની કામગીરી શંકાસ્પદ હોવાનું ફલિત થયું હતું જે બાબતે નોંધ લઈ સુરત જિલ્લા પોલીસ વડાએ પલસાણા પી.એસ.આઈ.પી.સી.સરવૈયાને તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા અને કીમ પોલિસ મથકના પી.એસ.આઈ.સી.એમ.ગઢવીને હંગામી ધોરણે પલસાણા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે જ્યારે લીવ રિઝવ પી.એસ.આઈ. પી.જે.પંડયાને હાલ પુરતો કીમ પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે
પકડાયેલા હરેશ મોરડીયા પાસેથી ચોંકાવનારી વિગત બહાર આવી શકે તેમ છે
5 ઓક્ટોબરના રોજ યોજાયેલી મહેફિલમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી રહી છે અહીં શરાબ શબાબ અને તમામ પ્રકારની હાઈ પ્રોફાઈલ વ્યવસ્થા હતી પોલીસ જ્યારે રેડમાં પહોંચી ત્યારે અહીં બીકની ડાન્સ ચાલતો હોવાની ચર્ચા છે જોકે પલસાણા પોલિસે પ્રાથમિક ફરિયાદમાં જ કાચું કાપ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર હરેશ મોરડીયા ઘણા લાંબા સમયથી પાર્ટીનું આયોજન કરતો હતો સુરત શહેરના ઘણા મોટા માથા પણ અવાર નવાર અહીં પાર્ટીનું લાભ લેતા રહ્યા છે. LCB પોલીસે હવે હરેશની ધરપકડ કરી છે ત્યારે તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવે તેમ છે