સુરત: (Surat) સુરતના અમરોલી (Amroli) છાપરાભાઠા વિસ્તારમાં સ્કૂલની સામે એપાર્ટમેન્ટના ફ્લેટમાં ધમધમતું કૂટણખાનું (Prostitution) પોલીસે (Police) ઝડપી પાડ્યું છે. અહીં એક મહિલા ફ્લેટમાં લલનાઓને બોલાવી દેહવ્યાપાર કરાવતી હતી. પોલીસે બાતમીના આધારે લલનાઓ પાસે દેહવ્યાપાર કરાવનાર મહિલા તથા ગ્રાહકોને ઝડપી પાડ્યા છે.
- ગણેશમણી એપાર્ટમેન્ટના ચોથા માણે ધમધમતું હતું કૂટણખાનું
- લલનાઓને બોલાવી દેહવિક્રય કરાવનાર જયા બાવીસ્કર ફરી ઝડપાઈ
- પોલીસે પંટરને મોકલી ટ્રેપ ગોઠવી
- પોલીસે બે આરોપી સહિત કુલ 15,400નો મુદ્દામાલ ઝડપ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ કૂટણખાનું ચલાવતા પકડાઈ ચૂકેલી જયા સમાધાન બાવીસ્કર નામની મહિલાએ અમરોલી વિસ્તારના એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ફરી દેહવિક્રયનો ધંધો શરૂ કરી દીધો હોવાની બાતમી અમરોલી પોલીસને મળી હતી. જયા બાવીસ્કર અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલી માધવબાગ સ્કૂલની સામે સત્તાધાર સોસાયટી નજીક આવેલા ગણેશમણી એપાર્ટમેન્ટના ફ્લેટ નં. 403-404માં લલનાઓ પાસે દેહવ્યાપાર કરાવતી હોવાની પાક્કી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
પોલીસે એક ઈસમને ગ્રાહકના વેશમાં ગણેશમણી એપાર્ટમેન્ટના ફ્લેટમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસે ગ્રાહકના વેશમાં મોકલેલા ઈસમે એપાર્ટમેન્ટની ટેરેસ પર જઈ ઈશારો કરતા જ પોલીસે રેઈડ કરી હતી. પોલીસ ફ્લેટની અંદર જતા જયા બાવીસ્કર (ઉં.વ. 38, રહે. 403, ગણેશમણી એપાર્ટમેન્ટ, સત્તાધાર સોસાયટી, અમરોલી સુરત) ટેબલ પર બેઠી હતી. જ્યારે બાજુના 404 નંબરના ફ્લેટના રૂમમાં એક ગ્રાહક અને લલના શરીરસુખ માણતા ઝડપાયા હતા.
પોલીસે જયા બાવીસ્કર તથા ગ્રાહક મુકેશ મગન રાઠોડ (ઉં.વ. 31, ખેતીકામ, રહે. રામનગર ફળીયુ, અબ્રામા ગામ, કામરેજ, સુરત)ને પકડ્યો હતો. પોલીસે કુલ 15,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આરોપીઓ વિરુદ્ધમાં ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3, 4, 5, 7 મુજબ ઈપીકો કલમ 370 (ક) (2) મુજબ કાયદેસર ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લલનાને પૂછપરછ બાદ રવાના કરી છે.
તમને જણાવી દઈએકે આ અગાઉ પણ શહેરના વિવિધ વિસ્તારમાંથી ખાનગી રાહે એપાર્ટમેન્ટના ફ્લેટોમાં ચાલતા કૂટણખાના પોલીસે પકડ્યા છે, પરંતુ રીઢા ગુનેગારો સરનામા બદલીને વારંવાર દેહવિક્રયનો વેપલો શરૂ કરી દે છે. બીજી તરફ મસાજ પાર્લરોમાં પણ દેહવિક્રયનો વેપલો ધમધમતો હોય શહેરીજનો હેરાન પરેશાન થઈ ગયા છે. વારંવાર રેઈડ કરી દેહવિક્રયનો વેપલો કરાવનારને પકડવા છતાં આ બદી પર પોલીસ અંકુશ મેળવી શકી નથી.