નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સચોટ અમલીકરણથી ગુજરાત વૈશ્વિક સ્તરે જ્ઞાનની મહાસત્તા બનશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦નો હેતુ દેશભરમાં શિક્ષણ માટે એક વ્યાપક માળખું સ્થાપિત કરવાનો છે, તેવું આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલીકરણના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ માટેના રોડમેપ અંગે રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકમાં ઉપસ્થિત યુનિવર્સિટીઓના કુલપતિ-શિક્ષાવિદો સાથે મુક્ત મને ચર્ચા કરી અને ગુજરાતના શિક્ષણને વધુ સમૃદ્ધ અને વૈશ્વિક બનાવવા સૌના સહકારની અપેક્ષા અને અભિલાષા વ્યક્ત કરી હતી.શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતના ભાવિ માટે અગત્યનું પરિબળ સાબિત થશે. શિક્ષણથી માત્ર સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનનું નહીં પણ સાથોસાથ ઉચ્ચ સ્તરીય તાર્કિક અને સમસ્યા સમાધાન સંબંધી બોદ્ધિક ક્ષમતાઓનો વિકાસ થવો જોઈએ.
રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે માત્ર પરીક્ષાલક્ષી અધ્યયનને બદલે સંકલ્પનાત્મક સમજ પર ભાર મૂકતા કહ્યું હતું કે, તાર્કિક નિર્ણય શક્તિ અને નવાચારને પ્રોત્સાહિત કરવા સર્જનાત્મક તથા વિવેચનાત્મક ક્ષમતાનો વિકાસ જરૂરી છે.આ ચર્ચા-બેઠકમાં આગામી સમયમાં નેશનલ એજ્યુકેશન પોલિસીનું સત્વરે અમલીકરણ કરવાની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત કુલપતિઓએ પોતાનાં મંતવ્યો અને સૂચનો રજૂ કરી સંસ્થાના કાર્યો વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત નવી એજ્યુકેશન પોલીસી-૨૦૨૦ના ટુંકાગાળા (૦-૩ વર્ષ), મધ્યમગાળા (૩-૬ વર્ષ) અને લાંબાગાળા (૬-૧૦ વર્ષ)ના એક્શન પ્લાન અંગે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ટુંકાગાળાના પ્લાન (૦-૩ વર્ષ) અંતર્ગત વિવિધ મુદ્દાઓ જેવા કે સંશોધન અથવા શિક્ષણ ઇન્ટેન્સીવ યુનિવર્સિટી, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, મલ્ટીપલ એન્ટ્રી-એક્ઝિટ સીસ્ટમ, મલ્ટી ડિસિપ્લિનરી પ્રોગ્રામ in HEI, ક્રેડીટ બેઇઝડ કોર્સ તથા મધ્યમગાળાના પ્લાન (૩-૬ વર્ષ) Multidisciplinary Education & Research University, Gross Enrolment Ratioમાં સુધારો તથા પરીક્ષા પધ્ધતિમાં સુધારા-વધારા તેમજ લાંબાગાળાના પ્લાન (૬-૧૦ વર્ષ) અંતર્ગત કોલેજોનું ડી-એફીલીએશન, ગવર્નન્સ બાબતે યુનિવર્સિટી એક્ટમાં સુધારો, ઓટોનોમસ ડીગ્રી તથા ગ્રાન્ટીંગ કોલેજ પરત્વે ધ્યાન કેન્દ્રીત કરવા નિર્ધાર કરવામાં આવ્યો હતો.