Charchapatra

માનવજીવનમાં નફો-નુકસાન

વિજ્ઞાન ક્ષેત્રે નવી નવી શોધો થતી જાય છે. રોબોટ દ્વારા કૃત્રિમ, યાંત્રિક માનવો સર્જાયાં, તે પછી આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સીએ તો હદ વટાવી દીધી છે. અર્થશાસ્ત્રીઓએ એક એવી ચેતવણી આપી છે કે આવી શોધને કારણે વિશ્વમાં જીવનવ્યવહાર માટે માનવસમાજની જરૂરી ચાળીસ ટકા નોકરીઓ ખવાઈ જશે. જો કે ઉત્પાદકતા તે શોધને કારણે વધશે. આમ નફા-નુકસાનનું ગણિત મંડાશે. હવે એ.આઇ. બોટ માત્ર ટ્યૂટર જ નહીં, પરંતુ શિક્ષકની પણ ભૂમિકા નિભાવશે. તે બાળ વિદ્યાર્થીઓને શાળામાં ભણાવવાની સાથે દરેક સમસ્યાનું નિરાકરણ પણ કરશે અને અઘરા પ્રશ્નોનો ઉકેલ પણ કાઢશે. બાળકના માનસિક વિકાસમાં મદદરૂપ થાય તે રીતે જવાબ આપશે. શિક્ષણમાં એ.આઇ. ટેકનોલોજીના ઉપયોગ બાદ વિદ્યાર્થીઓને ગણિત તેમજ વિજ્ઞાનના અઘરા પ્રશ્નો ઉકેલવામાં સરળતા રહી છે.

તેમના જ્ઞાનમાં પણ વધારો થયો છે. દરેક બાળકની સમજણની ચકાસણી કર્યા પછી એ.આઇ. તે મુજબ સમસ્યાનું નિરાકરણ કરશે. શિક્ષણ ક્ષેત્રે એ.આઈ.નું માર્કેટ કરોડો રૂપિયાનું થઈ હજી વધતું જ જાય છે, જે પચાસ હજાર કરોડ થવાનો અંદાજ છે. એ.આઇ. બોટ શિક્ષકની ભૂમિકામાં સવાલના જવાબની સાથે વિદ્યાર્થીઓને વાંચવા-લખવા પણ પ્રેરિત કરશે. આમ શિક્ષણ ક્ષેત્રે પણ ક્રાંતિ આવી રહી છે. માનવજીવનમાં જાણે કૃત્રિમતા અને યાંત્રિકીકરણનો પ્રવેશ થઈ રહ્યો છે, તેના નફા-નુકસાનનો વિચાર કરવો રહ્યો.
સુરત     – યુસુફ એમ. ગુજરાતી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top