ભારતનો કોઈ પણ નાગરિક સરકારના વહીવટ હેઠળની બેન્કમાં પોતાની મહેનતની કમાણી મૂકતો હોય છે ત્યારે તેવા વિશ્વાસ સાથે મૂકતો હોય છે કે જો કોઈ કારણસર બેન્ક ઊઠી જાશે તો પણ તેના રૂપિયા સલામત રહેશે. હવે સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે તેનો ઇરાદો એક પછી એક પબ્લિક સેક્ટરની બેન્કોનું ખાનગીકરણ કરવાનો છે.
તેનો પ્રારંભ બે બેન્કો દ્વારા કરવામાં આવશે. પહેલાં બે બેન્કોનું વિલિનીકરણ કરવામાં આવશે અને પછી તેને વેચી દેવામાં આવશે. જો તેમાં સફળતા મળશે તો વધુ બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવશે. આ રીતે પબ્લિક સેક્ટરની બેન્કોનું લિલામ કરવાથી સરકારની તિજોરીમાં અઢળક રૂપિયા આવી જશે, પણ બેન્કમાં ખાતાંઓ ધરાવતા લાખો લોકોના અબજો રૂપિયા ડૂબી જવાનો ભય પણ પેદા થશે.
વળી આ બેન્કોમાં નોકરી કરી રહેલાં લાખો કર્મચારીઓ પણ બેકાર બની જવાનો ભય પેદા થશે. ૫૧ વર્ષ પહેલાં તત્કાલીન વડાં પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ૧૪ મોટી બેન્કોનું રાષ્ટ્રીયીકરણ કર્યું હતું. હવે ભાજપની સરકાર તે બેન્કોનું ખાનગીકરણ કરીને ઘડિયાળના કાંટા ઊંધા ફેરવવાની કોશિશ કરી રહી હોય તેવું લાગે છે.
ભારતની પબ્લિક સેક્ટરની બેન્કો ભયંકર કટોકટીમાં છે, તે વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. બેન્કોના મેનેજરો દ્વારા રાજકારણીઓના ઇશારે ઉદ્યોગપતિઓને બેફામ લોન આપવામાં આવે છે. તે લોન ડૂબી જાય ત્યારે બેન્કો ઉઠમણું કરવાની હાલતમાં મૂકાઈ જાય છે. બેન્કોને ડૂબતી બચાવવા સરકાર દ્વારા તેમાં અબજો રૂપિયા ઠાલવવામાં આવે છે.
કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ ૨૦૧૮ માં ૮૦૦ અબજ રૂપિયા અને ૨૦૧૯ માં ૧,૦૬૦ અબજ રૂપિયા પબ્લિક સેક્ટર બેન્કોમાં રિકેપિટલાઇઝેશન બોન્ડના માધ્યમથી ઠાલવ્યા હતા. વળી સરકાર દ્વારા ૨૦૧૯ માં પબ્લિક સેક્ટરની ૧૦ બેન્કોનું મર્જર કરીને તેની ચાર બેન્કો બનાવવામાં આવી હતી. તેમ છતાં બેન્કોનો ઉદ્ધાર ન થયો હોવાથી હવે સરકાર પબ્લિક સેક્ટરની બેન્કો વેચવા તૈયાર થઈ ગઈ છે.
ઇ.સ. ૧૯૬૯ માં તત્કાલીન વડાં પ્રધાન દ્વારા તે સમયની ૧૪ મોટી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ત્યારે તર્ક આપવામાં આવ્યો હતો કે ખાનગી બેન્કો ગરીબોની સેવા કરવાને બદલે મોટા ઉદ્યોગપતિઓની જ સેવા કરે છે, માટે તેનું રાષ્ટ્રીયકરણ કરવાથી ગરીબોને ફાયદો થશે.
૫૧ વર્ષનો આપણો અનુભવ કહે છે કે પબ્લિક સેક્ટરની બેન્કોને ગરીબોની સેવા કરવામાં કોઈ રસ નથી. તેઓ ઉદ્યોગપતિઓની સેવા કરવામાં જ પોતાનું કલ્યાણ સમજે છે. પબ્લિક સેક્ટરની બેન્કો દ્વારા સરકારના માનીતા ઉદ્યોગપતિઓને આડેધડ લોન આપવામાં આવે છે. તેને કારણે બેન્કોમાં મધ્યમ વર્ગની જે મૂડી પડી હોય છે તે સંકટમાં આવી જાય છે.
પબ્લિક સેક્ટરની બેન્કો પણ ઉદ્યોગપતિઓને આપવામાં આવેલી લોન વસૂલ કરવા માટે આકરાં પગલાં લેવાને બદલે સરકાર પાસે દોડી જાય છે. સરકાર પણ પોતાની શાખ બચાવવા બેન્કોમાં મૂડી ઠાલવીને તેને બચાવી લે છે. હાથમાં મૂડી આવતાં બેન્કો ફરીથી જૂની રમત શરૂ કરી દે છે. આ રમતનો હવે છેડો આવી ગયો છે.
સરકાર પબ્લિક સેક્ટરની બેન્કોમાં વારંવાર મૂડી ઠાલવીને થાકી ગઈ છે. તેને બદલે તે બેન્કોને વેચીને સરકાર રૂપિયા રોકડા કરી લેવા માગે છે. આ બેન્કોનું સંચાલન ખાનગી હાથોમાં ચાલ્યું જાય તે પછી તેને તરતી રાખવાની કોઈ નૈતિક જવાબદારી સરકારની રહેતી નથી. જો પબ્લિક સેક્ટરની બેન્ક ખાનગી માલિકીની બની જાય અને તે ડૂબી જાય તો ડિપોઝિટરોને કોઈ બચાવી શકશે નહીં.
ભાજપના મોરચાની સરકારે સત્તા પર આવીને તરત જ પબ્લિક સેક્ટરની બેન્કોના મર્જરની પ્રક્રિયા તો શરૂ કરી જ દીધી હતી. અગાઉ ભારતમાં પબ્લિક સેક્ટરની જે ૨૮ બેન્કો છે તે હવે ઘટીને ૧૨ રહી ગઈ છે. તે પૈકી આઇડીબીઆઇ બેન્કને ડૂબતી બચાવવા તેને એલઆઇસીના ગળામાં પહેરાવી દેવામાં આવી છે. એસબીઆઇ સરકારની માલિકીની જૂનામાં જૂની બેન્ક છે.
બાકીની ૧૦ પબ્લિક સેક્ટરની બેન્કો સરકાર વેચવા માગે છે, પરંતુ તે સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે. જો પબ્લિક સેક્ટરની બેન્કોનું ખાનગીકરણ કરવાને કારણે તેના ગ્રાહકોનો વિશ્વાસ ઊઠી જાય અને તેઓ પોતાની મૂડી પાછી મેળવવા બેન્કોની બહાર લાઈન લગાવે તો બેન્ક નહીં ઊઠતી હોય તો પણ ઊઠી જશે.
વળી જો બેન્ક નબળી પડી જાય તો સરકારને તેની અપેક્ષિત કિંમત પણ મળે નહીં. આ કારણે સરકાર દરેક પગલું સાવધાનીથી ભરી રહી છે. પ્રથમ તબક્કામાં કઈ બે બેન્કોનું મર્જર કરીને ખાનગીકરણ કરવામાં આવશે તે પણ જાહેર કરવામાં આવતું નથી. જે બેન્કોનું ખાનગીકરણ કરવાનું છે તેના કર્મચારીઓ આંદોલન પણ કરશે, પણ સરકાર તેમને ગણકારવાની નથી.
કોરોના અને લોકડાઉન આવ્યું તે પહેલાંથી ભારતની પબ્લિક સેક્ટર બેન્કોની હાલત નાજુક હતી. બેન્કો દ્વારા આપવામાં આવેલી સરેરાશ ૭.૫ ટકા લોન ખોટી થઈ ગઈ હતી, જેનો આંકડો આશરે દસ લાખ કરોડ રૂપિયા પર પહોંચતો હતો. લોકડાઉન દરમિયાન મધ્યમ વર્ગના અનેક લોન લેનારાએ હપ્તા ભરવાના બંધ કરી દીધા છે, કારણ કે તેમની નોકરીઓ ચાલી ગઇ છે.
અનેક ઉદ્યોગો પણ માંદા પડ્યા હોવાથી બેન્કો તેમને આપેલી લોનની વસુલાત કરી શકે તેમ નથી. રિઝર્વ બેન્ક દ્વારા ૨૦૨૧ ના માર્ચ મહિના સુધી બેન્કોને તેમનો એનપીએ જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. સુપ્રિમ કોર્ટ દ્વારા પણ તેને મંજૂરી આપવામાં આવી છે. ૩૧ માર્ચ આવશે ત્યારે પબ્લિક સેક્ટરની બેન્કોની ખરી હાલતનો ખ્યાલ આવશે. લોકડાઉન પહેલાં પબ્લિક સેક્ટરની બેન્કોનો એનપીએ ૯.૭ ટકા હતો તો વધીને ૧૬.૨ ટકા પર પહોંચી જશે તેમ માનવામાં આવે છે.
પ્રાઇવેટ સેક્ટરની બેન્કોનો એનપીએ પણ ૪.૬ ટકાથી વધીને ૭.૯ ટકા પર પહોંચી જશે. પબ્લિક સેક્ટર બેન્કો દ્વારા આપવામાં આવેલી ૧૬ ટકાથી વધુ લોન જો ખોટી થઈ જાય તો તે બેન્ક ઊઠી જાય. તે ઊઠી જાય તે પહેલાં સરકાર તેને રોકાણકારોના ગળામાં પહેરાવી દેવા માગે છે. જો બેન્ક ખાનગી માલિકીની થઈ જાય તે પછી ઊઠી જાય તો ખાતેદારોના રૂપિયા ચૂકવવાની સરકારની કોઈ જવાબદારી રહેતી નથી.
અહીં કરોડો રૂપિયાનો સવાલ એ છે કે ખોટ ખાતી પબ્લિક સેક્ટરની બેન્કો ખરીદવા કોણ તૈયાર થશે? તેનો જવાબ શેર બજારની તેજીમાંથી મળી જાય છે. વર્તમાનમાં શેર બજારમાં જે તેજી જોવા મળે છે તે હવા ભરવામાં આવેલા ફુગ્ગા જેવી છે. અમેરિકાની સરકાર દ્વારા અબજો ડોલર છાપીને ચલણમાં મૂકવામાં આવ્યા છે. આ ડોલર ભારતીય બજારમાં આવીને તેજીનો માહોલ ઊભો કરી રહ્યા છે.
તેજીના માહોલનો લાભ લઈને સરકાર ખોટમાં ચાલતી બેન્કોનું જાહેર ભરણું કાઢશે. તેજીના લોભમાં રોકાણકારો તે શેર ખરીદી લેશે. રોકાણકારોના ગળામાં ખોટ ખાતી બેન્કોના શેરો પહેરાવી દીધા પછી શેર બજારને તૂટવા દેવામાં આવશે. વળી પબ્લિક સેક્ટર બેન્કનું ખાનગીકરણ કરવાથી સમસ્યા હલ થવાની નથી. ખાનગી બેન્કોમાં પણ કૌભાંડો નથી થતાં તેવું નથી. તેનું આદર્શ ઉદાહરણ આઇસીઆઇસીઆઇ બેન્ક છે, જેના સીઇઓ ચંદા કોચરે કૌભાંડ કર્યું હતું. તમામ બેન્કોનું ખાનગીકરણ થઈ જાય તે પછી બેન્કોમાં મૂકેલા નાણાંની કોઈ સલામતી રહેશે નહીં.
આ નાણાં ઉદ્યોગપતિઓ હજમ કરી જાય તો સરકારની કોઈ જવાબદારી રહેશે નહીં. બેન્કોનાં ખાનગીકરણનો જો કોઈને ખરેખરો લાભ થવાનો હોય તો તે સરકારના માનીતા ઉદ્યોગપતિઓ જ હશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.