SURAT

સુરત: પૂણાની સ્કૂલમાં પ્રિન્સિપલે વિદ્યાર્થિનીઓ સાથે ગેરવર્તણૂક કરતા હોબાળો

સુરત(Surat): સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની પૂણાની સ્કૂલમાં ગેરવર્તન (Misbehave) કરનારા પ્રિન્સપાલ (Principal) સામે પગલા ભરવાને બદલે તેમની બદલી કરી મામલો થાળે પાડવા પ્રયાસ કરતા હોબાળો મચી જવા પામ્યો છે.

  • પૂણા વિસ્તારમાં આવેલી સ્કૂલ નં. 300ની ઘટના
  • એચટાટ આચાર્ય સામે ગંભીર આક્ષેપો
  • પ્રિન્સિપલે વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તણૂંક કરતા વાલીઓએ હોબાળો મચાવ્યો
  • વાલીઓના હોબાળા બાદ ચૂપચાપ આચાર્યની ટ્રાન્સફર કરી દઈ મામલો શાંત પાડવા પ્રયાસ કરાયો
  • આખરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પૂણાની સ્કૂલમાં ગેરવર્તન કરનારા આચાર્ય સામે તપાસ સમિતિની રચના

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પૂણાની સ્કૂલમાં ફરી ભડકો થયો છે. પ્રિન્સપાલની કરતૂતને પગલે દિવસભર હોબાળો મચ્યો. પ્રિન્સપાલે ગૂરૂપૂણિર્માના દિવસને લાંછન લગાડયુ છે. આ પ્રિન્સપાલે કેટલીક છાત્રાઓ સાથે ગેરવર્તન કર્યું હતું. જેને લઇને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાલીઓના હોબાળા બાદ આ સ્કૂલના પ્રિન્સિપાલને ચૂપચાપ ટ્રાન્સફર (Transfer) આપી દેવાઇ હતી. પ્રિન્સિપાલની બદલી કરી સમગ્ર પ્રકરણ ઉપર ઠંડુ પાણી રેડી દેવા પ્રયાસ કરાતા મામલો બિચકયો હતો. વાલીઓનો રોષ પામી તપાસ કરવાની માંગણી થતા આખરે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. તપાસ કમિટીમાં બે સિનિયર આચાર્યને સમાવી દેવાયા છે. પૂણામાં આવેલી સ્કૂલ નં 300ની આ ઘટના છે. આ શાળામાં ફરજ બજાવતા એચટાટ આચાર્ય સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આમ તો એચટાટ આચાર્યની બદલી કરવી હોય તો શિક્ષણ નિયામકની મંજુરી લેવાની હોય છે. પરંતુ વાત વણસે તે પહેલા શાસનાધિકારીએ અડાજણમાં બદ્રીનારાયણ મંદિર પાસે આવેલ સ્કૂલમાં આચાર્યની બદલી કરી દીધી છે.

ગેરવર્તનની ફરિયાદ મળી છે, તપાસ ચાલુ છે !
શાસનાધિકારી વિમલ દેસાઇએ જણાવ્યું કે, વાલીઓએ ફરિયાદ કરી છે કે, આચાર્ય વિદ્યાર્થીઓ સાથે યોગ્ય વર્તૂણંક કરતો ન હતો. વાલીઓની ફરિયાદના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. હાલમાં આચાર્યની કામચલાઉ અન્ય સ્કૂલમાં બદલી કરવામાં આવી છે. નોંધનીય છે કે, શિક્ષણ સમિતિના એક સભ્યને વાલીની ફરિયાદ મળતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. હાલમાં તપાસ ચાલી રહી છે તપાસના અંતે આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે સપષ્ટ થશે.

Most Popular

To Top