અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે શનિવારે અયોધ્યાના (Ayodhya) પ્રવાસે જવાના છે. દરમિયાન તેઓ અયોધ્યાને લગભગ 16 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ (Project) ગિફ્ટ (Gift) કરશે. જેમાં વડાપ્રધાન નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (International Airport) અને પુનઃવિકાસિત રેલવે સ્ટેશન સહિત અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન (Inauguration) કરશે. આ સાથે જ બે અમૃત ભારત અને છ નવી વંદે ભારત ટ્રેનોને (Train) પણ લીલી ઝંડી બતાવશે.
આ સાથે જ વડાપ્રધાન અયોધ્યામાં ચાર નવા પુનઃવિકાસિત, પહોળા અને બ્યુટિફાઇડ રસ્તાઓનું ઉદ્ઘાટન કરશે જેમાં રામપથ, ભક્તિપથ, ધર્મપથ અને શ્રી રામ જન્મભૂમિ પથનો સમાવેશ થાય છે. મોદી અયોધ્યામાં રોડ શો અને જનસભાને સંબોધન કરશે. જેના માટે એરપોર્ટથી રેલ્વે સ્ટેશન, રામ પથ માર્ગ સુધી કુલ 40 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ જ્યારે પીએમ અયોધ્યા પહોંચશે, ત્યારે દેશભરના કલાકારોની વિવિધ ટીમ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં 1400 થી વધુ કલાકારો તૈયાર કરાયેલા સ્ટેજ ઉપર લોક કલા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.
વડાપ્રધાન જન સભાને સંબોધશે: યોગી
સીએમ યોગીએ વડાપ્રધાનના પ્રવાસ માટે માહિતી આપતા કહ્યું હતું કે વડાપ્રધાન પ્રાણ પ્રતિષ્ઠાના ખાસ પ્રસંગે જનસભાને સંબોધિત કરશે. આ સભામાં લગભગ 2 લાખ લોકો હાજર રહેશે તેવી સંભાવના છે. જેના કારણે ભીડના વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તૈયારીઓ કરાઇ છે. આ સાથે જ સભા સ્થળ અને અન્ય મહત્વના સ્થળોએ તબીબોને તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ સુરક્ષાના કારણોસર એરિયલ સર્વેલન્સને પણ હાજર રાખવામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્ય નાથે ટ્રાફિક અંગે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
બે અમૃત ભારત અને છ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી
વડાપ્રધાન આજે અયોધ્યામાં છ વંદે ભારત અને બે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. જેમાં તેઓ અયોધ્યા-આનંદ બિહાર વંદે ભારત અને દિલ્હી-દરભંગા અમૃત ભારત ટ્રેનોને અયોધ્યા ધામ રેલવે સ્ટેશન અને અન્ય વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી બતાવશે. આ સાથે જ પીએમ અયોધ્યા ધામ સ્ટેશન પર તૈયાર નવી ઇમારતનું ઉદ્ઘાટન પણ કરશે.
પીએમ મોદીએ કહ્યું: અયોધ્યામાં વિકાસ માટે સંકલ્પબદ્ધ…
શુક્રવારે પીએમ મોદીએ ટ્વીટ કરીને પોતાની અયોધ્યા મુલાકાત અંગે માહિતી આપતા કહ્યું હતુ કે અમારી સરકાર વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ વિકસાવવા, કનેક્ટિવિટી સુધારવા અને ભગવાન શ્રી રામની નગરી અયોધ્યાના સમૃદ્ધ વારસાને જાળવવા માટે પ્રતિબદ્ધ છે. આ દિશામાં હું અયોધ્યામાં નવનિર્મિત એરપોર્ટ અને રિડેવલપ થયેલા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરીશ. આ સાથે મને ઘણી વધુ વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસનો લહાવો પણ મળશે. જે અયોધ્યા અને યુપી સહિત દેશના ઘણા વિસ્તારોમાં મારા દેશવાસીઓનું જીવન સરળ બનાવશે.