Gujarat Main

વિશ્વમાં સૌથી વધુ ઝડપથી ભારતનો ડેરી ઉદ્યોગ વિકાસ કરી રહ્યો છે: વડાપ્રધાન મોદી

અમદાવાદ(Ahmedabad): આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) ગુજરાતના (Gujarat) બે દિવસના પ્રવાસે છે. વડાપ્રધાને આજે સવારે નમો સ્ટેડિયમમાં (NamoStadium) પહોંચ્યા હતા. ખીચોખીચ ભરેલા નમો સ્ટેડિયમમાં વડાપ્રધાન ખુલ્લી જીપમાં ફર્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જોડાયા હતા. બાદમાં વડાપ્રધાને લોકોને સંબોધન કર્યું હતું.

વડાપ્રધાને કહ્યું, આઝાદી બાદ દેશમાં અનેક બ્રાન્ડ બની પરંતુ અમૂલ જેવું કોઈ નથી. અમુલ એટલે વિશ્વાસ, અમુલ એટલે વિકાસ, અમુલ એટલે જનભાગીદારી, અમુલ ખેડૂતોનું સશક્તિકરણ, અમુલ એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા, અમુલ એટલે મોટા સપના, મોટા સંકલ્પ અને મોટી સિદ્ધી.

આજે વિશ્વના 50થી વધુ દેશોમાં અમુલની પ્રોડ્કટની નિકાસ થાય છે. 18,000થી વધુ સહકારી મંડળી, 36 લાખ ખેડૂતોનું નેટવર્ક, 3.50 કરોડથી વધુ લિટર દૂધનો રોજ સંગ્રહ, રોજ પશુપાલકોને 200 કરોડથી વધુના કાર્ડ ઓનલાઈન પેમેન્ટ. આ સરળ નથી. નાના પશુપાલકોની આ સંસ્થા જે મોટા સ્કેલ પર કામ કરે છે, તે સંગઠનની શક્તિ છે. સહકારની શક્તિ છે.

દુરુગામી વિચાર સાથે લેવામાં આવેલા નિર્ણય ઘણી વખત આવનારી પેઢીનું ભાગ્ય કેવી રીતે બદલે છે અમુલ તેનું પણ એક ઉદાહરણ છે. અમુલનો પાયો સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાંખવામાં આવી હતી. સમય સાથે ડેરી સહકાર ક્ષેત્ર ખૂબ જ વ્યાપ્યું. આજે ગુજરાત મિલ્ક ફેડરેશન બન્યું છે. આ સરકાર સાથેના તાલમેળનું ઉત્તમ ઉદાહરણ છે.

આજે આપણે દુનિયાના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ છે. ભારતના ડેરી સેક્ટરમાં 8 કરોડ લોકો સીધા સંકળાયેલા છે. પાછલા દસ વર્ષમાં ભારતે દૂધ ઉત્પાદનમાં 60 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. પાછલા 10 વર્ષમાં પ્રતિ વ્યક્તિ દૂધ ઉપલબ્ધતા અંદાજે 40 ટકા વધ્યું છે. દુનિયામાં ડેરી સેક્ટર માત્ર 2 ટકાની વૃદ્ધિથી આગળ વધે છે, જ્યારે ભારતમાં ડેરી સેક્ટર 6 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે.

ભારતના ડેરી સેક્ટરની સૌથી મોટી વિશેષતા છે કે ભારતમાં 10 લાખ કરોડના ટર્નઓવર વાળા ડેરી સેક્ટરની મુખ્ય કર્તાધર્તા દેશની નારી શક્તિ છે. અનાજ, ઘઉં, સુગરને ભેગું કરીએ તો પણ ટર્નઓવર 10 લાખ કરોડ થતું નથી, પરંતુ 10 લાખ કરોડ ટર્નઓવર ધરાવતા ડેરી સેક્ટરમાં 70 ટકા મહિલાઓ છે. જે નારી શક્તિની તાકાત દર્શાવે છે. ડેરી સેક્ટરની કરોડરજ્જુ મહિલા શક્તિ છે. વડાપ્રધાને લોકોને અપીલ કરી હતી કે તેઓ અમુલને વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બનાવે. સરકાર તમારી સાથે છે. આ મોદીની ગેરન્ટી છે.

બે દિવસમાં વડાપ્રધાન ગુજરાતને કરોડોના પ્રકલ્પોની ભેંટ આપશે
પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યના દક્ષિણ ગુજરાતના 11 જિલ્લાઓમાં 12 વિભાગોના ₹44,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સુરત પાલિકા અને રેલવે વિભાગના અનેક પ્રોજેક્ટને પણ ગતિ મળે તે રીતે આયોજન કરાયા છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસની આ લાંબી શ્રેણીમાં રેલવેના ₹1100 કરોડથી વધુના વિકાસ કાર્યો પણ સામેલ છે. આ રેલવે પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓને ફાયદો થશે.

NHAIના ₹10,070 કરોડથી વધુ ખર્ચે નિર્મિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેના એક હિસ્સાનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
સમગ્ર રાજ્યમાં એક મજબૂત રોડ નેટવર્કનું નિર્માણ કરવું એ ગુજરાત સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાંનું એક છે. આ દિશામાં, રાજ્યના વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના ત્રણ ભાગોનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ગયું છે. એમાં પહેલો ભાગ, 31 કિમી લાંબો મનુબરથી સાંપાનો છે, જેને ₹2400 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ જ રીતે, બીજો ભાગ લગભગ 32 કિમી લાંબો સાંપાથી પાદરાનો છે, જેને ₹3200 કરોડથી વધુના ખર્ચે અને ત્રીજો ભાગ 23 કિમી લાંબો પાદરાથી વડોદરાનો છે, જેને ₹4300 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ રીતે ₹10 હજાર કરોડથી વધુના NHAIના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ વડાપ્રધાન જનતાને સમર્પિત કરશે.

22,500 કરોડથી વધુના ખર્ચે નિર્મિત બે નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ થશે દેશને સમર્પિત
વડાપ્રધાન મોદી દ્વારા જનતાને સમર્પિત થનારા વિકાસકાર્યોમાં તાપીના કાકરાપારમાં સ્થિત બે નવા ન્યુક્લિયર પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન એક મુખ્ય પ્રોજેક્ટ છે. 700 મેગાવોટની ક્ષમતા ધરાવતા આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ સ્વચ્છ અને સસ્ટેનેબલ ઊર્જાનો ઉપયોગ કરીને રાજ્યને શુદ્ધ ઝીરો કાર્બન ઉત્સર્જન પ્રાપ્તિની દિશામાં આગળ વધારશે. ગુજરાતમાં ભારતના પ્રથમ સ્વદેશી પરમાણુ ઊર્જા સંયંત્ર (ન્યુક્લિયર એનર્જી પ્લાન્ટ), કાકરાપાર એટોમિક પાવર પ્લાન્ટ (KAPP-3) માં યુનિટ-3નું ઉદ્ઘાટન ભારતના પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ આ પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ સ્વદેશી નવીનીકરણ અને અત્યાધુનિક સુરક્ષા ઉપાયોનું ઉદાહરણ છે.

સુરત પાલિકા, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને DREAM સિટીના વિકાસકાર્યો મળીને ₹5040 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વડાપ્રધાન મોદી સુરત મહાનગરપાલિકા, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ડ્રીમ સિટીના વિકાસકાર્યો મળીને ₹5000 કરોડથી વધુના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં ₹3000 કરોડથી વધુના ખર્ચે 41 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થશે અને ₹2000 કરોડથી વધુના ખર્ચે 18 વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. લોકાર્પણના કાર્યોમાં ₹840 કરોડના ખર્ચે 50 ઇલેક્ટ્રિક બસોને શરૂ કરવી, ₹597 કરોડના ખર્ચે નિર્મિત તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના વિવિધ કાર્યો અને ₹49 કરોડના ખર્ચે ડ્રીમ સિટી લિમિટેડના વિવિધ કાર્યોનો સમાવેશ થાય છે, જ્યારે ખાતમુહૂર્તના કાર્યોમાં ₹924 કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજના, ₹825 કરોડના ખર્ચે કન્વેન્શનલ બેરેજ, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારના વિવિધ ગામોમાં નલ સે જલ યોજના હેઠળ ₹480 કરોડના ખર્ચે નિર્માણ થનારી પાણી પુરવઠા યોજના વગેરે જેવા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

Most Popular

To Top