National

વડાપ્રધાન મોદીએ કહ્યું- 2047 સુધીમાં ભારત બનશે વિકસિત દેશ!

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું કે, ‘ભારત 25 વર્ષમાં એટલે કે વર્ષ 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે.’ બુધવારે કર્ણાટકના (Karnataka) બેંગ્લોરમાં (Bangalore) આયોજિત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટને (Global Investors Meet) સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ વિકસિત દેશના લક્ષ્યની વાત જણાવી હતી. વડાપ્રધાને કહ્યું કે આ લક્ષ્યને હાંસલ કરવામાં રોકાણ (Investment) મહત્વની ભૂમિકા ભજવશે.

પીએમ મોદીએ ભારતમાં રોકાણનો અર્થ સમજાવતા
વડાપ્રધાન મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટને સંબોધિત કરતા કહ્યું કે ભારતમાં રોકાણનો અર્થ છે સમાવેશમાં રોકાણ કરવું, લોકશાહીમાં રોકાણ કરવું, વિશ્વ માટે રોકાણ કરવું અને વધુ સારા, સ્વચ્છ અને સુરક્ષિત ગ્રહમાં રોકાણ કરવું. આ ઈન્વેસ્ટમેન્ટ અને હ્યૂમન કેપિટલ પર ફોક્સ કરીને જ વિકાસના ઉચ્ચ લક્ષ્ય સુધી પહોંચી શકાય છે.

સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમના વખાણ કર્યા
વડાપ્રધાન મોદીએ ભારતના સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વિશે વાત કરતા કહ્યું કે ખાસ કરીને કર્ણાટક રાજ્ય તેને વેગ આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતમાં 100 યુનિકોર્નમાંથી 40 માત્ર કર્ણાટકમાંથી આવે છે, એટલે કે તેમનું મુખ્ય મથક કર્ણાટકમાં છે. પીએમ મોદીએ કહ્યું કે રાજ્યની સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં ડબલ એન્જિનની શક્તિ છે. નોંધપાત્ર રીતે, ભારતનું સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ યુએસ અને ચીન પછી વિશ્વમાં ત્રીજું સૌથી મોટું છે.

ઔદ્યોગિક ક્રાંતિમાં ભારતીયોની ભૂમિકા
પીએમ મોદીએ તેમના સંબોધન દરમિયાન ભારપૂર્વક કહ્યું, ‘હું વિશ્વના રોકાણકારોનું ધ્યાન ખાસ કરીને પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન તરફ દોરવા માંગુ છું. તેણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાંધકામની રીત બદલી નાખી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે જ્યારે વિશ્વ ઇન્ડસ્ટ્રી 4.O તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આ ઔદ્યોગિક ક્રાંતિમાં ભારતીય યુવાનોની ભૂમિકા અને ભારતીય યુવાનોની પ્રતિભા જોઈને વિશ્વ સ્તબ્ધ છે.

8 વર્ષમાં 80 હજાર સ્ટાર્ટઅપ
મોદીએ કહ્યું કે ભારતમાં 8 વર્ષમાં 80 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ બન્યા છે. આજે ભારતનું દરેક ક્ષેત્ર યુવા શક્તિની તાકાત આગળ વધી રહ્યું છે. ગયા વર્ષે ભારતે નિકાસમાં રેકોર્ડ કર્યો છે. કોવિડ પછીની સ્થિતિમાં આ સિદ્ધિ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ભારતના યુવાનોની ક્ષમતાઓને વિસ્તારવા માટે અમે ભારતીય શિક્ષણ પ્રણાલીમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. ભારતમાં યુનિવર્સિટીઓ, ટેક્નોલોજી યુનિવર્સિટીઓ અને મેનેજમેન્ટ યુનિવર્સિટીઓની સંખ્યામાં વર્ષોથી 50 ટકાનો વધારો થયો છે.

ભારતે આગળ વધવું પડશે
વૈશ્વિક મીટને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને કહ્યું કે 21મી સદીમાં ભારતે આજે જે ઉંચાઈ પર છે તેનાથી સતત આગળ વધવાનું છે. ગયા વર્ષે, ભારતે લગભગ $84 બિલિયનનું રેકોર્ડ વિદેશી પ્રત્યક્ષ રોકાણ હાંસલ કર્યું હતું. આ આંકડા એવા સમયે સામે આવ્યા છે જ્યારે સમગ્ર વિશ્વ કોવિડ વૈશ્વિક રોગચાળાની અસરો અને યુદ્ધના સંજોગોથી ઝઝૂમી રહ્યું છે. સર્વત્ર અનિશ્ચિતતા છે. ભારતમાં પણ યુદ્ધ અને મહામારીથી સર્જાયેલી પરિસ્થિતિની વિપરીત અસર થઈ છે. આમ છતાં આજે સમગ્ર વિશ્વ ભારત તરફ મોટી આશા સાથે જોઈ રહ્યું છે.

Most Popular

To Top