Columns

અભિમાન નકામું

એક બહુ મોટી બહુરાષ્ટ્રીય કંપનીના સી ઈ ઓ મિ.ગુપ્તા પોતાના પદ પરથી રીટાયર થયા.રીટાયર થયા બાદ તેઓ કંપનીનું આપેલું ઘર છોડી, શહેરના પોશ વિસ્તારમાં વસાવેલા પોતાના ઘરમાં રહેવા ગયા.સરસ બંગલાની સોસાયટી હતી.વાતાવરણ સરસ હતું. આજુબાજુના બંગલાઓમાં પણ સારાં લોકો પાડોશી તરીકે રહેતાં હતાં.મિ.ગુપ્તાને પોતાની સફળતા, પોતાના ઉચ્ચતમ પદનું અભિમાન હતું. પોતાના પદ અને તેની પ્રતિષ્ઠા તેઓ ભૂલ્યા ન હતા અને સતત તેની યાદ બધાને અપાવ્યા કરતા.

તેઓ આજુબાજુનાં પડોશીઓ સાથે બહુ હળતાભળતા નહિ.બહુ બોલતા નહિ, કારણ તેઓ બધાને પોતાના કરતાં ઉતરતા સમજતા અને પોતાને બધાથી ચઢિયાતા.સવારે કે સાંજે ચાલવા જાય ત્યારે પણ તેઓ કોઈ સાથે બહુ વાત કરતાં નહિ.બહુ દિવસ આમ જ પસાર થયા.એક દિવસ સાંજે તેઓ એક બેંચ પર બેઠા હતા ત્યાં તેમની બાજુમાં આવી એક તેમનાથી વયમાં મોટા રીટાયર સીનિયર સીટીઝને હાય હલ્લો કરી વાતચીત શરૂ કરી. મિ.ગુપ્તાએ બહુ નાના જવાબ આપ્યા પછી ધીમે ધીમે તેઓ વાત કરવા લાગ્યા.થોડી દોસ્તી થઈ, પણ હવે એમ થતું કે મોટે ભાગે મિ.ગુપ્તા જ પોતાની મહત્તા અને મોટાઈની અને આપબડાઈની વાતો કરતા રહેતા.લગભગ તેઓ જેમની પણ સાથે વાત કરતા તેમને એક વાર તો જણાવતાં જ કે તમે કલ્પના પણ ન કરી શકો એટલા મોટા પદ પર કામ કરી હું રીટાયર થયો છું.આ તો મારી પત્નીને અહીં રહેવું ગમે છે એટલે હું અહીં રહું છું.

આમ ઘણા દિવસ થયા. એક દિવસ પોતાની આપબડાઈ કરી લીધા બાદ મિ.ગુપ્તાએ પહેલી વાર પૂછ્યું, ‘તમે શું કરતા હતા અને અત્યારે શું કરો છો.’ અનુભવી વયોવૃદ્ધ વડીલ બોલ્યા, ‘દોસ્ત, રીટાયર થઈ ગયા બાદ આપણે બધા જ એક ઊડી ગયેલા બલ્બ સમાન છીએ.તે બલ્બ ગમે તેટલા વોટનો હોય ઊડી ગયા બાદ તેની કોઈ ઉપયોગિતા રહેતી નથી.બધા સરખા.હું આ સોસાયટીમાં છેલ્લાં ચાર વર્ષથી રહું છું, પણ મેં કોઈને કહ્યું નથી કે હું રીટાયર આઈ એ એસ ઓફિસર છું અને મેં પ્રધાનમંત્રીના સેક્રેટરી તરીકે દસ વર્ષ કામ કર્યું છે.પેલા વર્માજી રીટાયર જનરલ મેનેજર ઓફ ઇન્ડિયન રેલ્વે છે.

પેલા સિંગસાહેબ આર્મીના રીટાયર મેજર છે.અહીં બધા મોટા પદ પર રીટાયર થયેલા લોકો છે અને આજે પણ  સમાજસેવાનાં કામ કરે છે અને હું મજાકમાં બધાને ઊડી  ગયેલા બલ્બ જ કહું છું.જે કેટલા વોટના છે કે કઈ પ્રકારના છે તેનું હવે કોઈ મહત્ત્વ નથી અને દોસ્ત તું પણ એક ઊડી ગયેલો બલ્બ છે, મજાક કરું છું, પણ ભૂતકાળની સિદ્ધિઓનું અભિમાન શું કામનું? જે તને આજે લોકોથી દૂર લઇ જાય.જો સાચી ખુશી અને આનંદ મેળવવો હોય તો અભિમાન મૂક. બધાને પોતાના ગણ, તો તું તારી રીટાયર લાઇફને માણી શકીશ.’ મિ.ગુપ્તાની આંખો ખુલી ગઈ.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top