Charchapatra

પ્રિ-મોનસૂન કામગીરી

ભગવાનની મહેરબાની છે કે ઘણા વર્ષો પછી સુરત શહેરમાં આ વર્ષે સમયસર વરસાદનું આગમન થયું છે. આ શહેરીકરણના યુગમાં આપણે સૌ જાણીએ છીએ કે પ્રદુષણ વધુ અને વૃક્ષો ઓછા. ત્યારે સમયસર વરસાદ આવવો તે ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થયા બરાબર છે. પરંતુ દર વર્ષે પહેલા વરસાદમાં જ શહેરની પ્રિ – મોનસૂન કામગીરીની પોલ ખુલી જાય છે. દર વર્ષે જ પાણી ભરાઇ જવાની સમસ્યા, ઠેર – ઠેર વૃક્ષો પડી જવાની ઘટના, ગંદકી અને પછી તેના પરિણામે મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ. આ બધી સમસ્યાઓ પણ દર વર્ષે સાથે ને સાથે જ આવે છે. આટલી બધી આધુનિક સગવડો પછી અને આટલા ઉંચા પગાર ધોરણ પછી પણ આ સમસ્યાઓથી જોઈએ તેટલો છુટકારો મળતો નથી.

આમાં એકલા અધિકારીઓ દોષિત છે તેવું નથી પ્રજા પણ જવાબદાર છે જ, પણ એક વાત 100% સાચી કે આપણે ત્યાં દરેક વિભાગમાં અમુક અધિકારીઓ હંમેશા બેદરકારી, કામને કાલ પર ટાળવાની કે પછી કામ ન કરવાની નિયત ધરાવતા હોય છે જ. આવા લોકોને કારણે જે અધિકારીઓ સંપૂર્ણ ઈમાનદારીથી પોતાની જવાબદારી અને તેના કરતા પણ વધુ કામ કરતા હોય તેમની મહેનત પર પાણી ફરી જાય છે. કોઈ કાયદાની તાકાતથી આ પરિસ્થિતિમાં સુધારો આવી શકશે નહિ. હવે સુધારો કરવો જ હોય તો માણસની નિયત અને તેના સ્વભાવમાં કરવાની જરૂર છે અને તેના માટે માણસ પોતે જ પોતાના ઉપર કામ કરે તે જરૂરી છે. બાકી પ્રજાએ વરસાદની મજા સાથે કેટલીક સજા હસતાં હસતાં સ્વીકારી લેવાની. હેપી મોનસુન.
સુરત     – કિશોર પટેલ. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top