પ્રભાસ સુપરસ્ટાર કે આભાસ? – Gujaratmitra Daily Newspaper

Entertainment

પ્રભાસ સુપરસ્ટાર કે આભાસ?

પાંચસો કરોડના બજેટ સાથે બનેલી આદિપુરુષ રિલીઝ થઇ રહી છે. શું તે આ વર્ષની પઠાણ, ધ કેરલા સ્ટોરી પછીની ત્રીજી સફળ ફિલ્મ બનશે. દિગ્દર્શક ઓમ રાઉત 3 વર્ષથી તેને બનાવવમાં રોકાયેલા હતા. રામાયણ આધારીત આ ફિલ્મને ખાસ બનાવવામાં તેમણે 3Dમાં ફિલ્માવી છે. સામાન્યપણે આપણે ત્યાં 2Dમાં ફિલ્મો બનાવી તેને 3Dમાં ફેરવવામાં આવે છે. આ ફિલ્મ પાસે પ્રભાસે પણ ઘણી ઉમેદ સેવી છે. તે આ ફિલ્મનો રામ બન્યો છે અને ભગવાન રામને પ્રાર્થના કરી રહ્યો છે કે મને સફળ બનાવશે. તેની સાથે સીતા બની છે ક્રિતી સેનોન, રાવણ બન્યો છે સૈફ અલી ખાન અને હનુમાનની ભૂમિકા દેવદત્ત નાગેએ કરી છે. અત્યાર સુધીમાં રામાયણ આધારીત ફિલ્મો અનેક આવી છે.

ટી.વી. સિરીયલો આવી છે આમ છતાં લોકો તેના ફિલ્મી રૂપને જોવા આતુર હશે પણ તે ખાસ બન્યું હોય તો અને પ્રેક્ષકોને ખાસ લાગે તો આદિપુરુષ હિન્દી અને તેલુગુમાં રજૂ થઇ રહી છે. બાહુબલીની બંને ફિલ્મોએ પ્રભાસને પૅન ઇન્ડિયા સ્ટાર બનાવી દીધો પણ આ કોઇ કાયમી પદ નથી. દરેક રજૂ થનારી ફિલ્મે તેને સાબિત કરવું પડે છે. બાહુબલી સિવાય પ્રભાસ નિષ્ફળ ગયો છે એટલે આજે પણ આદિપુરુષ પછી બાહુબલી-3ની અપેક્ષા રાખે છે. આદિપુરુષ ગયા વર્ષના ઓગસ્ટમાં રજૂ થવાની હતી પણ લંબાઇને હવે રજૂ થઇ રહી છે.

આ વર્ષે 12 જાન્યુઆરીની તારીખ હતી પણ ત્યારે રજૂ ન થઇ. આનો અર્થ કે ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક બંને આ ફિલ્મ વિશે સાશંક છે. એક વખત રજૂ થાય પછી કશું ન થઇ શકે એટલે તેમણે ફિલ્મ પર થાય તેટલું કામ કર્યું છે. આ ફિલ્મથી ધાર્મિક લાગતી દુભાશે એવી ય દહેશત વ્યક્ત થઇ તો એ બધું પણ કાઢી નખાયુ છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું ત્યારે વાનર સેના સ્ટુડીઓને વાંધો ઉઠાવેલો કે તમે અમારી કોપી મારી છે. મોટી ફિલ્મના મોટા વિવાદ. આ ફિલ્મમાં એનિમેશન ખરાબ છે અને VFXમાં દમ નથી એવી ચર્ચા ઉપડી હતી. ઘણા હિન્દુવાદીઓ કહે છે આમાં રામથી માંડી રાવણને ખોટી રીતે રજૂ કરાયા છે. રાવણનું પાત્ર પણ તૈમુર અને ખીલજી જેવું દેખાય છે.

એવું કહેવાયું છે ખેર! આદિપુરુષ હવે રજૂ થઇ રહી છે અને નિર્માતા ભુષણ કુમારનો આ મોટો જુગાર છે. જો ફિલ્મ સફળ રહી તો દુનિયાના અનેક દેશોમાં તે જોવાશે. પ્રભાસ પણ એવું જ ઇચ્છી રહ્યો છે. બાહુબલીથી તેણે ભારતભરના પ્રેક્ષકો મેળવેલા હવે તે વિશ્વનો પ્રેક્ષક ઇચ્છે કે નહિ તે ખબર નથી. તે હવે પોતાની ઓળખમાં તેલુગુ એક્ટર એવું નથી લખાવતો. ઇન્ડિયન એક્ટર લખાવે છે. આદિપુરુષની સફળતા માટે તે તિરુમાલા પણ જઇ આવ્યો છે. આમ છતાં તેને આત્મવિશ્વાસ નથી આવતો. આદિપુરુષ સફળ જાય તો તેની સાલાર, પ્રોજેક્ટ કે રજૂ થશે.

એ બંને ફિલ્મ પોસ્ટ પ્રોડક્શન સ્તરે છે. પ્રોજેક્ટ કેમાં તો તેની સાથે દીપીકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, દિશા પટાની, રાણા દગ્ગુબાતી સહિતના સ્ટાર્સ છે. સ્પિરીટનો દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા છે અને તે રાવનમમાં પણ કામ કરે છે. જ્યારથી તે પોતાને પૅન ઇન્ડિયા સ્ટાર માનતો થયો ત્યારની હિન્દી ફિલ્મોના સ્ટાર્સનો આગ્રહી થયો છે. આમ છતાં કહેવું કે તેની સાહો અને રાધેશ્યામ નથી ચાલી તો આદિપુરુષ ચાલશે? તેની પૅન ઇન્ડિયા સ્ટાર તરીકે આ મોટી કસોટી છે. રામના નામે પથરા પણ તરી ગયેલા તો આદિપુરુષ તરી જશે? પ્રભાસ પણ આ પ્રશ્ન પાસે જ ઊભો છે. •

Most Popular

To Top