Charchapatra

કોરોના કાળમાં પ્રજા પર ગરીબી અને બેરોજગારીનો માર

તાજેતરના ‘સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી’ના રિપોર્ટ અનુસાર ભારતમાં કોરોનાકાળ દરમિયાન બેરોજગારીમાં જબરજસ્ત વધારો થયો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનામાં જ ૭૫ (પંચોતેર) લાખ લોકોએ નોકરી ગુમાવી છે. છેલ્લા ચાર માસમાં બેરોજગારીનો આ સૌથી ઊંચો દર છે. કોરોનાની બિમારી કયારે જશે એ તો નકકી નથી પરંતુ આ મહામારીના કારણે ગરીબી, ભૂખમરો અને બેરોજગારીની સમસ્યાઓ વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. અને જો સમયસર અસરકારક પગલાંઓ લેવામાં ન આવ્યા તો આ સમસ્યા કોરોના કરતા પણ વધારે જીવલેણ નિવડશે. સરકાર સમક્ષ સૌથી મોટો પડકાર મંદીનો છે.

મંદીના કારણે મોટા ભાગના ઉદ્યોગોમાં નોકરીઓ નથી અને લાખો લોકો બેરોજગાર બેઠા છે. સરકાર માંગ અને ઉત્પાદન વધારવાની વાત પર ભાર મૂકે છે પરંતુ સવાલ એ છે કે લોકો પાસે કામ જ નહીં હોય તો ખર્ચ કરવા માટેના પૈસા કયાંથી આવશે? ખર્ચ કરવા માટેના રૂપિયા નહીં હોય તો બજારમાં માંગ કેવી રીતે ઊભી થશે? માંગ નહીં હોય તો કારખાનાઓ અને ફેકટરીઓ ઉત્પાદન શું કરશે? ઔદ્યોગિક કામગીરી જ ઠપ્પ થઇ ગઇ હશે તો વિકાસ પર કેવી રીતે વધશે? આ એવું દુષ્ચક્ર છે જેમાંથી બહાર નિકળવા માટે કડક, નકકર અને અસરકારક પગલાંઓ લેવાની તાતી જરૂર છે.
પાલનપુર મહેશ વી. વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top