સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાનહ સેલવાસના અથાલ બ્રિજ પર પોલિએસ્ટર (Polyester) ભરેલું કન્ટેનર (Container) પલટી જતા ટ્રાફિક (Traffic) જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. મળી રહેલી માહિતી પ્રમાણે શુક્રવારે નરોલીમાં ભીલોસા કંપનીમાંથી યાન ભરેલા ટેન્કરનો ચાલક પંજાબ (Punjab) ખાતે માલ ડીલેવરી કરવા જઈ રહ્યો હતો. જ્યાં અથાલ પાસે કન્ટેનરનો ડ્રાઇવર પૂરપાટ ઝડપે કન્ટેનરને હંકારતા આગળ જતા વાહનને બચાવવાના ચક્કરમાં કન્ટેનરના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા યાનથી ભરેલું કન્ટેનર પુલ પર પલટી મારી ગયું હતું.
કન્ટેનરમાં મુકેલો માલ પુલ પર અને પુલની રેલીંગ તોડી નીચે આવેલા રિવરફ્રન્ટ પર ફેલાઈ ગયો હતો. બનાવની જાણ સેલવાસ પોલીસને થતા પોલીસે પલટેલા કન્ટેનરની સામે બેરીકેટ્સ મૂકવાની કામગીરી કરી હતી. જે બાદ વહેલી સવારે નોકરી ધંધાર્થે તથા અન્ય કામકાજ અર્થે જતા લોકો પલટેલા કન્ટેનરને કારણે ટ્રાફિક જામમાં ફસાયા હતા. જોકે પોલીસે તુરંત સમયસૂચકતા વાપરી રસ્તા પર પલટેલા કન્ટેનરને ક્રેન મારફતે રસ્તા પરથી હટાવવાની કામગીરી કરાવી હતી. જે બાદ પુલ પરથી વાહનોની અવરજવર પુનઃ યથાવત થવા પામી હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઇજા કે જાનહાની થવા પામી નથી. હાલ તો પોલીસે આ મામલે કન્ટેનરના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પારડી હાઇવે બ્રિજ પાસે ટેમ્પો રેલિંગની દિવાલ પર ચઢી ગયો
પારડી : પારડી નેશનલ હાઇવે નંબર 48 વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર આજરોજ સવારે મળસ્કે એક ટેમ્પોના ચાલકે વલ્લભ આશ્રમ સામે હાઇવે ચડતા રિફ્લેક્ટર કે લાઇટના અભાવે હાઇવેની રેલિંગના દિવાલ ઉપર ચડી જતા અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોનો ચાલક મુંબઈથી નીકળ્યો હતો. તે દરમિયાન હાઇવે પર વલસાડ જતા ટ્રેક ઉપર વલ્લભ આશ્રમ સામે પૂરઝડપે હંકારી લાવતા બ્રિજ ચઢતી સમયે રિફ્લેક્ટર કે લાઈટનો અભાવ હોવાથી ચાલકને હાઈવેની દિવાલ નજરે નહીં પડતા ઘૂસી ગયો હતો. રેલિંગની દિવાલને તોડી નાખતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પાને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. બાદમાં બપોરે ક્રેનની મદદ વડે આઇસર ટેમ્પાને સાઈડ ઉપર ખસેડવામાં આવ્યો હતો.