Charchapatra

પ્રદૂષણ પર નિયંત્રણ જરૂરી

આજકાલ લગ્નની મોસમ પૂર બહારમાં ચાલી રહી છે. જ્યાં ત્યાં વરઘોડા નીકળતા હોય છે ત્યાં ડીજે હોય છે. અમુક જગ્યાએ પ્રતિબંધ હોવા છતાં ડીજે વાગતાં સંભળાય છે. હવે આ ડીજે નો અવાજ એટલો બધો હોય છે કે બારી બારણાં ધ્રૂજી ઊઠે છે. આ હવાનું અને અવાજનું  પ્રદર્શન અને પ્રદૂષણ છે. શું વરઘોડો નીકળે તેમાં આ ડીજે નામનું સાધન જરૂરી છે? અવાજનું પ્રદૂષણ એટલું બધું હોય છે કે કાન ફાટી જાય.

આ પ્રદૂષણ હટાવવા માટે હવે તો શાસકોએ કડક કાયદા અપનાવવા રહેશે. હાલમાં જ ભારતના એક રાજ્યમાં ડીજેના પ્રદૂષણથી આખું બિલ્ડીંગ ધંધો અને દીવાલને એક ભાગ પડી ગયો, તેમાં મરી પણ ગયા. આ પ્રદૂષણ સારું ન કહેવાય. ભારતમાં આમ પણ વ્હીકલના હોર્ન ઘણા કર્કશ હોય છે.  છતાં પણ યુવાનો પોતાના વ્હીકલના હોર્ન જોરથી વગાડીને રસ્તા ઉપર  અવાજનું પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. યુવાનોએ સમજવું જોઈએ કે આવા હોર્નનો ઉપયોગ ન કરવો જોઈએ અને અવાજનું પ્રદૂષણ વધારવું ન જોઈએ. ઘણા દેશોમાં હોર્ન વગર જ ગાડીઓ રસ્તા પર ચાલતી હોય છે. લોકોમાં પણ ડિસિપ્લિન હોય છે. ગણેશોત્સવ હોય, ગોવિંદા હોય, વરઘોડા હોય, કોઈ પણ પ્રસંગે ઢોલ નગારાં ત્રાસા ડીજે લાઉડ સ્પીકર જોર શોરથી વાગતા હોય છે.

હવે તો ગામડામાં પણ લાઉડ સ્પીકરો દાંડિયામાં ડીજે સાથે જ હોય છે અને પ્રદૂષણ ખૂબ વધી ગયું છે એને નાથવું જોઈએ. કાયદા કાનૂનથી આપણો આનંદ ઉત્સાહ શું અવાજના પ્રદૂષણથી જ રાખી શકાય?  વાહનોની સંખ્યા દિનબદિન વધતી જાય છે. હવાનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ મનુષ્ય માટે જોખમકારક બની રહે છે. શરીર એ સહી શકવા માટે સક્ષમ નથી તેથી મગજના, કાનના, ફેફસાના, શ્વાસના રોગો વધી રહ્યા છે. આ માટેનું એક જ સોલ્યુશન છે તે કોઈ પણ જાતના પ્રદૂષણને અટકાવવું નાથવું જરૂરી બની રહ્યું છે.
સુરત     – જ્યા રાણા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top