Charchapatra

રાજકારણે બધું ભ્રષ્ટ કર્યું છે

તા. ૧૫-૧૦-૨૧ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નં. ૮ ઉપર ‘રાજકાજ ગુજરાત’ કોલમમાં શ્રી કાર્તિકેય ભટ્ટનો ‘ઘર પરિવારમાં રાજકારણ ના લાવશો, ઝેર ના ફેલાવશો’ લેખ વાંચી લખવા પ્રેરાયો. એમણે વોટસએપ, મોબાઇલ, સોશિયલ મીડીયાની પણ અતિ ઉપયોગી મહત્વની વાત કરી પરંતુ આજે રાજકારણ કયાં નથી એ શોધવું મુશ્કેલ છે. એક કુટુંબના બે સભ્યોમાં એક ભાજપમાંથી ચૂંટણી લડે અને એક કોંગ્રેસ કે ‘આપ’માંથી ચૂંટણી લડે છે. એનું કારણ કદાચ પોતાનો સ્વાર્થ સાધવાનો હેતુ પણ હોય શકે.પહેલાના સમયમાં ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી કરવા કોઇ પડાપડી નહતી.

ગામના એક વડીલને સર્વાનુમતે સરપંચ તરીકે ચૂંટી કાઢવામાં આવતા. આજે ગામમાં બે ચાર પાર્ટી હોય અને મારામારી પણ થાય. એનું કારણ રાજકારણ ગણાય.રાજકારણને ગંદુ કહેવામાં આવે છે અને તે અન્યક્ષેત્રને પણ ભ્રષ્ટ કરે છે. આજે તો કોઇ ધર્મની બાબત હોય કે શિક્ષક, સમાજની કોઇ સમસ્યા હોય તો એમાં રાજકારણ ઘુસે છે. સામાન્ય તોય તેને મોટું સ્વરૂપ આપવામાં આવે છે.કાર્તિકેય ભટ્ટ સાચું જ કહ્યું છે કે ઘર પરિવારમાં રાજકારણને ન લાવો. પૂર્વ રેલવે મંત્રી શ્રી લાલુપ્રસાદના બે પુત્રો એકબીજાની વિરુધ્ધ જાય તો એનું કારણ પણ રાજકારણ હોય શકે એ નિ:શંક છે.
નવસારી           – મહેશ નાયક     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top