Editorial

રાજકારણીઓ સમજે તો સારૂં, સુપ્રીમ કોર્ટે પણ રાજનીતિમાં અપરાધીકરણ મામલે હાથ ઉંચા કરવા પડ્યાં

જ્યારે દેશનું બંધારણ ઘડાયું અને લોકશાહીની શરૂઆત થઈ ત્યારે સમગ્ર દેશવાસીઓને એવી હાશ થઈ હતી કે હવે દેશમાં સ્વરાજ આવશે. ગુનાખોરી નાબુદ થશે. ગુનેગારો જેર થશે અને શાંતિનો માહોલ સ્થપાશે. પરંતુ તેવું કશું જ થયું નહીં. લોકોની આશા ઠગારી નીવડી. તેનાથી ઉલ્ટું દર વર્ષે રાજનીતિમાં ગુનેગારોનો વધારો જ થતો રહ્યો છે. રાજનીતિમાં ગુનેગારો હોવા જોઈએ નહીં અને રાજનીતિનું અપરાધીકરણ થતું અટકવું જોઈએ તેવી અનેક વખત ચર્ચાઓ કરવામાં આવી.

રાજકીય પક્ષો દ્વારા પણ તેને સ્વીકારવામાં આવ્યું પરંતુ એક પણ રાજકીય પક્ષ રાજનીતિમાં અપરાધીકરણને રોકવા માટે તૈયાર નથી. આ અંગે અનેક વખત કોર્ટમાં રજૂઆતો કરવામાં આવી અને છેલ્લે હવે સુપ્રીમ કોર્ટએ પણ રાજનીતિમાં અપરાધીકરણ રોકવાના મામલે હાથ ઊંચા કરી દેવા પડ્યા છે. ભારત દેશની આ કરૂણતા છે કે સુપ્રીમ કોર્ટ પણ રાજનીતિમાં અપરાધીકરણને રોકી શકતી નથી. સુપ્રીમ કોર્ટએ ખેદ સાથે એવું કહેવું પડ્યું કે, અમને પાકો એવો વિશ્વાસ છે કે સંસદ કે પછી વિધાનસભા, કોઈપણ રાજનીતિને અપરાધીકરણથી મુક્ત કરવા માટે તૈયાર નથી.

અમને એવો પણ વિશ્વાસ છે કે હાલમાં કે પછી ભવિષ્યમાં ક્યારેય પણ આવું થવાનું નથી. કોઈપણ પક્ષને રાજનીતિમાંથી અપરાધોને મુક્ત કરવામાં રસ નથી. રાજકીય પક્ષોને તેવો કાયદો બનાવવામાં પણ રસ નથી. અપરાધી ઉમેદવારોને પણ ચૂંટણી લડતા રોકવામાં રાજકીય પક્ષોને રસ નથી. આ એવા અપરાધીઓ છે કે જેની વિરૂદ્ધમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ મામલે તમામ રાજકીય પક્ષો એક થઈ ગયા છે. અફસોસની વાત એ છે કે સુપ્રીમ કોર્ટ પણ આ મામલે કાયદો બનાવી શકતી નથી. અમે રાજકીય પક્ષોને સતત કહીએ છીએ કે જે ઉમેદવારો વિરૂદ્ધમાં ગુનાઓ નોંધાયેલા હોય તેવા ઉમેદવારો સામે કાર્યવાહી થવી જોઈએ.

સુપ્રીમ કોર્ટની બેંચના જસ્ટીસ આર.એફ.નરીમાન તેમજ જસ્ટીસ બી.આર. ગવઈએ કહ્યું હતું કે સરકારનું કાયદા મંત્રાલય પણ આ માટે કાયદો લાવવામાં કોઈ પગલા લેવા ઈચ્છુક નથી. અત્યાર સુધી આવું કશું થયું પણ નથી અને કોઈપણ પક્ષ દ્વારા આવું કદી કરવામાં આવશે પણ નહીં. કોર્ટના અનાદરના મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા ભાજપ, કોંગ્રેસ, બસપા, લોજપા, માકપા અને રાકપા સહિતના વિવિધ પક્ષના વકીલોની રજૂઆતો પણ સાંભળી હતી.

વકીલ બ્રિજેશ સિંહ દ્વારા અનાદરની અરજી દાખલ કરવામાં આવી હતી. જેની પર સુનાવણી ચાલી રહી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ મામલામાં પોતાનો ફેંસલો અનામત રાખ્યો હતો.  સુપ્રીમ કોર્ટમાં આ કેસમાં જે રજૂઆતો થઈ હતી તેમાં વકીલે એવું જણાવ્યું હતું કે, બિહારમાં ગુનાહિત ઈતિસાહ ધરાવતા 427 ઉમેદવારો હતા. રાજદના 104 અપરાધી ઉમેદવારો હતા. જ્યારે ભાજપમાં પણ 77 આવા ઉમેદવારો હતો.

આ તો બિહારની ચૂંટણીની વાત થઈ પરંતુ દેશમાં અત્યાર સુધીમાં જેટલી પણ ચૂંટણી થઈ તે તમામમાં અપરાધી ઉમેદવારો ઊભા રહ્યાં હતાં અને અનેક ઉમેદવારો ચૂંટણી જીત્યા પણ હતાં. કોઈપણ રાજ્ય કે રાજકીય પક્ષ રાજનીતિના અપરાધીકરણથી બાકાત નથી. જ્યાં ખુદ રાજકીય પક્ષો જ રાજનીતિનું અપરાધીકરણ અટકાવવા માટે તૈયાર નથી ત્યારે રાજનીતિનું અપરાધીકરણ થવાની કોઈ સંભાવના જ નથી.

સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી દિવસોમાં સંભવિતપણે આ આખો મામલો 8 જજની બેંચને સોંપી દેવામાં આવશે પરંતુ રાજનીતિનું અપરાધીકરણ અટકાવવું હોય તો જે તે રાજકીય પક્ષોએ પોતે જ તૈયાર બતાવવી પડશે. સામે મતદારોએ પણ અપરાધી હોય તેવા ઉમેદવારોને મત આપવાનું બંધ કરવું પડશે. જો આ બે કામ થશે તો જ દેશની રાજનીતિ અપરાધીકરણથી મુક્ત થઈ શકશે તે નક્કી છે.

Most Popular

To Top