સરકારે લગામ કસતા હીરા ઉદ્યોગમાં પોલિશ્ડ ડાયમંડની આયાત ઘટી

મુંબઈ અને સુરત સહિત ગુજરાતના 8 શહેરોમાં રફ ડાયમંડ માંથી કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ (Polished Diaomond Import Duty) તૈયાર થતા હોવા છતાં વિદેશથી મોટી માત્રામાં પોલિશ્ડ ડાયમંડ કયા કારણોસર ઈમ્પોર્ટ થઈ રહ્યા છે તેની ખાતાકીય રાહે તપાસ કરાવ્યા પછી કેન્દ્રના નાણાં મંત્રાલયે પોલિશ્ડ ડાયમંડ અને બ્રોકન ડાયમંડના ઈમ્પોર્ટ પરની કસ્ટમ ડયુટી 2.5 ટકાથી વધારી 7.5 ટકા કરી દેતાં એક સમયે 8 ટકા સુધી પહોંચેલો ઈમ્પોર્ટ ધરાશયી થઈને 1 ટકા પર આવી ગયો છે.

  • રાઉન્ડ ટ્રિપીંગ અને ટર્નઓવર વધારી ખોટી રીતે બેકિંગ લાભ મળતાં હોવાની આશંકાના પગલ ડ્યુટી વધારાઇ છે : ડ્યુટી વધી જતા હવે જેન્યુઇન ઇમ્પોર્ટ જ થઇ રહ્યું હોવાનો મત

જેમ્સ એન્ડ જ્વેલરી સેકટરના જાહેર થયેલા આંકડા પ્રમાણે જાન્યુઆરી થી ઓગષ્ટ 2021 દરમ્યાન વિદેશથી ભારતમાં માત્ર 1 ટકા પોલિશ્ડ ડાયમંડ ઈમ્પોર્ટ થયા છે. હીરા ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા મુજબ રાઉન્ડ ટ્રિપિંગ અને ટર્નઓવર વધારી ખોટી રીતે બેકિંગ લાભો મળતાં હોવાની આશંકાને પગલે કેન્દ્ર સરકારે પોલિશ્ડ ડાયમંડ અને બ્રોકન ડાયમંડ પરની ઈમ્પોર્ટ ડયુટી 2.5 ટકાથી વધારી 7.5 ટકા કરતાં તૈયાર હીરા ઈમ્પોર્ટ કરવાનું ચલણ ઘટયું છે. ડયુટી વધી જતાં હવે જેન્યુઈન ઈમ્પોર્ટ થઈ રહ્યો છે એટલે કે માત્ર ડેમેજ માલ પરત થઈ ગયો છે.

કેટલીક ડાયમંડ કંપનીઓ વિદેશમાં જુદા નામે ચાલતી પોતાની જ કંપનીને પોલિશ્ડ ડાયમંડ એક્ષ્પોર્ટ કરી તેજ હીરા ચોક્કસ પ્રમાણમાં ફરી ફરીને ભારતમાં ઈમ્પોર્ટ કરવામાં આવતા હતા તે થકી કંપનીનું ઓવરઓલ ટર્નઓવર વધારી બેંક લોન અને કેશ ક્રેડિટનો ખોટી રીતે લાભ લેવામાં આવતો હતો તેની આશંકાને પગલે સરકારે સીધી 5 ટકા ઈમ્પોર્ટ ડયુટી વધારી આ ગેરરિતિ અટકાવવા પ્રયાસ કર્યો હતો જે સફળ રહ્યો છે.

લાંબા સમયથી હીરા ઉદ્યોગના સંગઠનો પોલિશ્ડ ડાયમંડ પરની ઈમ્પોર્ટ ડયુટી ઘટાડવા માંગ કરી રહ્યા છે

2020ની તુલનાએ 2021માં જાન્યુઆરી થી ઓગષ્ટ દરમિયાન ઈમ્પોર્ટ માત્ર 1 ટકા રહી ગયું હતું. જ્યારે આ સમયગાળામાં એક્ષ્પોર્ટ 16.29 બિલીયન ડોલર થયું હતું. એટલેકે એક્ષ્પોર્ટના 105 ટકા સુધીનો વધારો થયો હતો. જોકે લાંબા સમયથી હીરા ઉદ્યોગના સંગઠનો પોલિશ્ડ ડાયમંડ પરની ઈમ્પોર્ટ ડયુટી ઘટાડવા માંગ કરી રહ્યા છે. તેમની દલીલ એવી છે કે જે કંપનીઓ પ્રમાણિકતાથી વેપાર કરે છે તેમને માલ પરત લાવવામાં 7.5 ટકા જેટલી ઈમ્પોર્ટ ડયુટી ભરવી પડે છે.

Related Posts