ભરૂચ: (Bharuch) ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહિલા બુટલેગરના ઘરે પોલીસ (Police) જવાનોના હપ્તાની ઉઘરાણીનાં સીસીટીવી ફૂટેજ ધારાસભ્ય ચૈતર વસાવાએ વાયરલ કરતાં પોલીસ સફાળી જાગી છે, જેમાં બે જગ્યાએથી દારૂ ઝડપી પાડ્યો હતો.
- ચૈતર વસાવાએ પોલીસના ઉઘરાણીના વિડીયો બતાવ્યા બાદ પોલીસની કડકાઈ
- ભરૂચના લીંબુ છાપરીમાં દારૂ વેચતી મહિલાના ઘરે સ્થાનિક પોલીસના દરોડા
- ડીવાયએસપી સી.કે.પટેલે વાયરલ વિડીયોની તપાસ હાથ ધરી
ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસની હદના લીંબુ છાપરીમાં મહિલા બુટલેગર દારૂના ઘરે પોલીસની હપ્તાખોરીનાં 30થી વધુ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. આ વિસ્તારમાં પાણીપુરી વેચતાં લારીવાળાને પોલીસે માર મારતાં પાણીપુરી વેચી રોજગારી મેળવવી ગુનો કે દેશી દારૂ વેચવો એ ગુનો જેવા સવાલો લોકોએ કર્યા હતા. બાદ યુવાને પોલીસને સબક શીખવાડવા પોતાના ઘર ઉપર સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા અને જે મહિલા બુટલેગરના ઘરે પોલીસ જવાનો રૂપિયાની ઉઘરાણી કરવા આવતા હતા તેમના વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ કરી પોલીસની કામગીરી ખુલ્લી પાડી દીધી હતી.
જેની તપાસ ડીવાયએસપી સી.કે. પટેલને સોંપાતાં લીંબુછાપરી વિસ્તારમાં મહિલા બુટલેગર ઉષા પ્રાણજીવન વસાવાના ઘરે રેડ કરતાં ૧૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે દહેગામ તરફથી કુકરવાડા તરફ જતી કાર નં.(જીજે૧૬-એએ-૮૧૮૪)માં ગોકુળનગર જકાતનાકા નજીક તપાસ કરતાં દેશી દારૂ સાથે બુટલેગર અમૃત ઉર્ફે જેકી દલસુખ વસાવા (રહે.,નવી નગરી, અમરતપુરા, અંકલેશ્વર)ની ધરપકડ કરી હતી. તથા આ ૪૬૦ લીટર દારૂ જેને પહોંચાડવાનો હતો એ કુકુરવાડાના રાજુ ઉર્ફે રાજ સોમા પટેલની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.