સુરત : સુરત ક્રાઇમ બ્રાન્ચે (Surat Crime Branch) કડોદરા (Kadodara) રોડ ઉપરથી રૂપિયા 1 કરોડની કિંમતના 1000 કિલો ગાંજા સાથે ત્રણની ધરપકડ (Arrest) કરી હતી. અશોક લેલેન્ડ ટ્રકમાં (Ashok laylend Truck) ચોરખાનું બનાવીને સુરતમાં (Surat) લાવવામાં આવતા ગાંજાને (Cannabis) પકડી લેવાયા બાદ આ ગાંજો લિંબાયતના યુવકે મંગાવ્યો હોવાની માહિતીના આધારે લિંબાયતના યુવકને પણ પકડી લેવામાં આવ્યો હતો. પોલીસે કુલ્લે 1.11 કરોડની કિંમતનો સામાન કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં બે મહિના પહેલા 500 કિલો ગાંજો આ માફિયાઓએ સપ્લાય કર્યો હોય તેવી પોલીસને શંકા છે. દિલીપ ગોડ પકડાયા પછીજ આ મામલે વધારે ખુલાસો થવાની શકયતા પોલીસ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને મળેલી માહિતીના આધારે તેઓએ કડોદરા રોડ ઉપર વિનાયક પેટ્રોલપંપ નજીક માધવપાર્ક ટ્રાન્સપોર્ટના ગોડાઉનની બહાર ટ્રક નં. એમએચ-18-બીજી-2891 ઊભી હતી. આ ટ્રકની તપાસ કરતા અંદર ચોરખાના બનાવ્યા હતાં. જેમાં રૂા. 1 કરોડની કિંમતનો 1009 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકના ડ્રાઇવર મોહંમદ ફઇમ મોહંમદ રફીક શેખ (રહે. ખલીફા સ્ટ્રીટ, નાનપુરા, મૂળ ચાલશેરી, મલમપુર, કેરળ તેમજ મોહંમદ યુસુફ ગોસમોહંમદ શેખ (રહે.ખ્વાજાદાના દરગાહ, નાનપુરા)ને પકડી પાડ્યા હતાં. આ બંનેની પૂછપરછ કરતા તેઓએ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના બરમપુર ગામ નજીક દિલીપ ગૌડા નામના યુવકે સુરતમાં ડિંડોલીમાં રહેતા અરૂણ સાહેબરાવ મહાડિકને આપવાનું હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ બંનેના નિવેદનના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી અને ડિંડોલીના અરૂણને પણ પકડી પાડ્યો હતો. આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચે ત્રણેયની ધરપકડ કરીને તેઓની પુછપરછ શરૂ કરી છે.
ટ્રકમાં એક કરોડનો ગાંજો મૂકવા માટે ટ્રેલર ખાલી હોય તેવી રીતે રાખવામાં આવ્યું હતું. આ ટ્રેલરના છેડાને ખેંચવામાં આવે એટલે તેમાં જગ્યા થતી હતી. આ જગ્યાના ભાગમાં માલ મૂકવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલી ટ્રકમાં ચોરખાના એવી રીતે બનાવ્યા હતાં કે, ટ્રકમાં કશું જ નથી અને ટ્રક એકદમ ખાલી છે. પાછળના પાટિયાની જેમ જ ટ્રકમાં વચ્ચે પાટિયું બનાવ્યું હતુ અને તેની અંદરમાં ચોરખાનુ બનાવીને પ્લાસ્ટિકની થેલીમાં ગાંજો મૂકકવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે આ ચોરખાનુ ચેક કર્યું ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતાં.
મોટા માથાઓની સંડોવણીની શંકા
કરોડ રૂપિયાના આ ગાંજામા મોટા માથાઓની સંડોવણી તરફ ક્રાઇમ બ્રાનચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ડીસીબી દ્વારા આ ગાંજાનુ ફાયનાન્સ કોણે કર્યુ હતું. કોને માલ આપવાનો હતો, માલ અગાઉ કેટલી વાર લવાઇ ચૂકયો છે આ ઉપરાંત આ કાંડમાં મોટા માથાઓની સંડોવણી છે કે નહી તે તરફ તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.