uncategorized

ચીખલીમાં ૧૦૦ હિન્દુ પરિવારને ધર્મપરિવર્તન કરાવવાના હોવાની વાતથી પોલીસ દોડતી થઇ, વીડિયો વાયરલ

ઘેજ: ચીખલી (Chikhli) તાલુકાના વંકાલમાં ક્રિસમસના (Christmas) કાર્યક્રમમાં અંદાજે ૧૦૦ જેટલા પરિવારોને ધર્મપરિવર્તન (Conversion) કરાવી ખ્રિસ્તી (Christian) ધર્મ અંગીકાર કરાવવાના હોવાની માહિતી મળતા હિંદુ સંગઠનના (Hindu organization) કાર્યકર્તાઓ પહોંચી જઇ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઇ મામલો થાળે પાડ્યો હતો. જોકે ગતરાત્રિના બનાવના વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ (Viral Video) થતા ચર્ચાનો વિષય બન્યો હતો.

  • ચીખલીના વંકાલમાં ક્રિસમસના કાર્યક્રમમાં ધર્મપરિવર્તન કરાવી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવાના બનાવવાનો વિડીયો વાયરલ થયો
  • આ કાર્યક્રમ કોનો છે, કાર્યક્રમ માટે પરવાનગી લીધી છે કે કેમ તેવા સવાલો કરાતા વાતાવરણ ઉગ્ર બન્યુ

પ્રાપ્ત વિગત મુજબ વંકાલ ગામના સુંદર ફળિયા વિસ્તારમાં ગત રાત્રિ દરમ્યાન ખ્રિસ્તી પરિવારનો એક કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં પેરિસથી વિડીયો કોલ મારફત પરિવારના સભ્યો તેમના સંબંધીઓ સાથે લાઇવ હોવાનું જાણવા મળ્યું હતું. અને ક્રિસમસની ઉજવણીના આ કાર્યક્રમમાં ૧૦૦ પરિવારોને ધર્મ પરિવર્તન કરાવી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવાના હોવાની માહિતી મળતા હિંદુ સંગઠનના કેટલાક કાર્યકરો આ કાર્યક્રમમાં પહોંચી જઇ પોલીસને જાણ કરતા એક સમયે પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. હિંદુ સંગઠનના કાર્યકરોએ આ કાર્યક્રમ કોનો છે આ કોણ છે કાર્યક્રમ માટે પરવાનગી લીધી છે કે કેમ તેવા સવાલો કરતા એક સમયે વાતાવરણ ઉગ્ર બન્યુ હતું. જોકે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

ચીખલીના ગામમાં સ્ટેજ બનાવી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પેરિસથી લાઈવ પ્રસારણમાં ખિસ્ત્રી પરિવારો જોડાયા હતા ત્યારે જ હિન્દુ સંગઠનના કાર્યકરોએ ધસી જઈ જય શ્રી રામના નારા લગાવ્યા, અને…

પેરિસથી લાઇવ પ્રસારણ માટે મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી

વંકાલ ગામે મંડપ અને સ્ટેજ બનાવી આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો હતો અને લેપટોપ સાથે લાઇવ પ્રસારણ માટે મોટી સ્ક્રીન પણ લગાવવામાં આવી હતી અને જીવંત પ્રસારણ દ્વારા કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમ્યાન જ હિંદુ સંગઠનના કાર્યકરો પહોંચી જઇ જયશ્રી રામના નારા લગાવ્યા હતા અને કાર્યક્રમ બંધ કરવા જણાવ્યું હતું. ગતરાત્રિના ઉપરોકત બનાવના વિડીયો બીજા દિવસે વાયરલ થતા સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

ધર્મપરિવર્તન કરાવવાના હોવાનું જણાયું ન હતું.
પીએસઆઇ ડી.આર. પઢેરિયાના જણાવ્યાનુસાર વંકાલ ગામે પરિવારનો કાર્યક્રમ હતો અને તેમના પરિવારના પેરિસ રહેતા સભ્ય સાથે વિડીયો કોલથી વાત કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધર્મપરિવર્તન કરાવાના હોવાનું કંઇ જણાયું ન હતુ.

Most Popular

To Top