SURAT

વરાછામાં પત્નીને મળવા આવેલા 9 વર્ષથી વોન્ટેડ આરોપીને પોલીસે દબોચી લીધો

સુરત: સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 9 વર્ષથી છેતરપીંડીના ગુનામાં વોન્ટેડ આરોપીની પત્ની વરાછા ખાતે મોબાઈલની દુકાનમાં નોકરી કરતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે ઇકોસેલની ટીમે પત્નીને મળવા માટે આવતા જ આરોપીને પોદ્દાર આર્કેડથી ઝડપી પાડ્યો હતો.

શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આર્થિક ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ઇકોસેલની એક ટીમ કામે લાગી હતી. ઇકોસેલના પીઆઈ એનડી પરમારના માર્ગદર્શનમાં તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઈ સાગર એસ.પ્રધાન તથા વાય.કે.પરમાર અને હે.કો ચેતનભાઇ ધીરુભાઇ, હિતેંદ્રભાઇ જયંતીલાલે વર્કઆઉટ હાથ ધર્યું હતું.

બાતમીના આધારે વરાછા પોદ્દાર આર્કેડ ખાતેથી સલાબતપુરાના છેતરપીંડીના ગુનાની ટોળકીના છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા આરોપી સંજય બાબુભાઇ ચૌહાણ (ઉ.વ.૩૩ રહે- ઘર નં બી/૧૦૨ શ્રીજી એવન્યુ વાવ ગામ તા-કામરેજ જી-સુરત મુળવતન- દરેડ ગામ તા-વલભીપુર જી- ભાવનગર)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની સામે સલાબતપુરા ઉપરાંત મહેસાણામાં પણ છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.

પુછપરછ કરતાં આરોપીએ જણાવ્યું હતું કે, તેના મળતીયાઓએ ભેગા મળી વર્ષ 2013ના ઓગસ્ટ મહીનામાં ભોગ બનનારાઓ પાસેથી ફ્રેન્ચ ક્રેપ ગ્રે આર્ટ સિલ્ક કાપડનો માલ ખરીદ્યો હતો. 17.94 લાખનો કુલ ૪૬,૫૪૭.૫ મીટર માલ ઉધારમાં વેચાણ સારૂ લઇ ટેમ્પો મારફતે મંગાવી પોતાની દુકાન બી/૮૦૨ ત્રિવિધ ચેમ્બર્સ રીંગરોડ ખાતે ઉતાર્યો હતો અને બાદમાં દુકાન બંધ કરી નાસી જઈ છેતરપિંડી કરી હતી.

ત્યારથી એટલે કે છેલ્લા નવ વર્ષથી અલગ અલગ જગ્યાએ તે નાસતો ફરતો હતો. ઇકોસેલની ટીમને આરોપીની પત્ની વરાછા પોદ્દાર આર્કેડમાં મોબાઈલની દુકાનમાં નોકરી કરતી હોવાની બાતમી મળી હતી. જેથી તેની પત્નીનો બારડોલી સુધી પીછો કર્યો હતો. પરંતુ આરોપી ઘરે મળ્યો નહોતો. દરમિયાન ગઈકાલે આરોપી દુકાને પત્નીને મળવા આવવાનો હોવાની બાતમીના આધારે તેને દબોચી લેવાયો હતો. આરોપી પોતે છુટક ડ્રાઈવીંગનું કામ કરતો હોવાથી અલગ અલગ જગ્યાએ ભાગી જતો હતો.

Most Popular

To Top