Dakshin Gujarat

પોલીસને જોઈ પુરપાટ ભાગતી વિદેશી દારૂ ભરેલી કાર ફિલ્મી ઢબે પલ્ટી ગઈ

ગણદેવી: (Gandevi) ગણદેવી પોલીસે (Police) બાતમી આધારે શનિવારે કસ્બાવાડી પાસે માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન પોલીસને જોઈ પુરપાટ ભાગતી વિદેશી દારૂ (Foreign Liquor) ભરેલી કાર ફિલ્મી ઢબે ચાર કીમી દૂર પલ્ટી (Car Overturned) હતી. રૂ. 38,300 ની 262 નાની મોટી બોટલ, રૂ. 1 લાખની કાર મળી રૂ.1,38,800 નો મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી માલ મંગાવનાર અને ભરાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા.

  • ગણદેવી પોલીસે વિદેશી દારૂ ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરતા પલ્ટી ગઈ
  • પોલીસે રૂ.1.38 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી, બે વોન્ટેડ

ગણદેવી પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન બાતમી મળી હતી કે, સફેદ રંગની ફોર્ડ ફિયેસ્ટા કાર નં. જીજે-15-પીપી-9081 માં વિદેશી દારૂ ભરી વલસાડ-ચીખલી- નાંદરખા રોડ- ગણદેવી થઈ નવસારી તરફ જનાર છે. જે બાતમી આધારે પોલીસે કસ્બાવાડી પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમીવાળી કાર આવતા તેને ઉભી રાખવાની કોશિષ વચ્ચે ચાલક પુરપાટ ઝડપે હંકારી ગયો હતો. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચાર કીમી દૂર તલીયારા-દેવધા રોડ ઉપર ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવતા કાર ખાઈમાં ખાબકી પલ્ટી મારી ગઈ હતી.

પોલીસે કાર ચાલક જૈનિશ અશોકભાઈ પાંચાલ (24 રહે.મંગલ એપાર્ટમેન્ટ, હરીયા પાર્ક વાપી)ને બહાર કાઢી કારની તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 262 કિં. રૂ.38,300, કાર કિંમત રૂ.1 લાખ, મોબાઇલ મળી 1,38,800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને માલ ભરી આપનાર હિતેશ પટેલ (રહે. સેલવાસ) તેમજ માલ મંગાવનાર જસવંતી રાજુભાઇ પટેલ (રહે. મછાડ, સ્કૂલ ફળીયા, જલાલપોર)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. ગણદેવી પીએસઆઇ એસવી આહીરએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ખડસુપા પાસેથી 3.90 લાખના વિદેશી દારૂ ભરેલા આઈસર સાથે એક ઝડપાયો
નવસારી : નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ખડસુપા બ્રિજ પાસેથી 3.90 લાખના વિદેશી દારૂ ભરેલા આઈસર સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂ ભરાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર ખડસુપા બ્રિજ ઉતરતા શિવશક્તિ આઈમાતા હોટલની સામેથી એક આઈસર ટેમ્પો (નં. એમએચ-48-એવાય-7351) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 3.90 લાખના વિદેશી દારૂની 3720 નંગ બાટલીઓ મળી આવતા મહારાષ્ટ્ર જલગાંવ જિલ્લાના રાવેર બક તાલુકાના વિવરે બેઘર પ્લોટમાં રહેતા સંદીપ ગુણવંત પાટીલને ઝડપી પાડ્યો હતો. પોલીસે સંદીપની પૂછપરછ કરતા મહારાષ્ટ્રના સચિને દારૂ ભરાવી આપ્યો હોવાનું કબુલતા પોલીસે સચિનને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 500 રૂપિયાનો મોબાઈલ અને 7 લાખનો ટેમ્પો મળી કુલ્લે 10,90,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top