નવસારી(Navsari) : અમદાવાદ (Ahmedabad) અને વાળીનાથ (Valinath) બાદ બપોરે નિર્ધારિત સમય 4.00 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMNarendraModi) દક્ષિણ ગુજરાતના (SouthGujarat) નવસારીના વાંસીબોરસી (VansiBorsi) ખાતે પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાનનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (GujaratCMBhupendraPatel) અને રાજ્યના પ્રદેશ પ્રમુખ તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલ (MPCRPatil) તથા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષે (DarshnaJardosh) રામ મંદિરની (RamMandir) પ્રતિકૃતિનું મોમેન્ટો આપી વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.
ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી 44,214 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યા હતા. આ પહેલીવાર છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વિકાસ કાર્યો માટે એક જ દિવસે એકસાથે આટલી મોટી રકમ ફાળવવામાં આવી હોય.
વિકાસના ઉત્સવમાં સામેલ થયો છું: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેમ છો બધા? એમ પૂછી હળવી શૈલીમાં પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું, ગુજરાતમાં આજનો આ મારો ત્રીજો કાર્યક્રમ છે. સવારે અમદાવાદમાં સમગ્ર ગુજરાતના ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા પશુપાલકોના દર્શન કરવાનો અવસર મળ્યો. ત્યાર બાદ મહેસાણાના વાળીનાથ મંદિરમાં શિવલિંગના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવાની તક મળી.
હવે નવસારીમાં તમારી વચ્ચે વિકાસના આ ઉત્સવમાં સામેલ થઈ રહ્યો છું. મુખ્યમંત્રીએ કહ્યું તેમ કદાચ પહેલીવાર આઝાદી બાદ આટલા કરોડ રૂપિયાના વિકાસ કામો એક જ દિવસે થયા છે. તો તમે બધા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરો. ત્યાર બાદ વડાપ્રધાને કહ્યું, નવસારીમાં હીરા જ ચમકતા હોય તેમ લાગે છે.
ગુજરાતમાં 40,000 કરોડથી વધુના વિકાસ કામો માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. આજકાલ સમગ્ર દેશમાં એક ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સંસદમાં પણ તે ચર્ચા છે. ગલી મહોલ્લામાં પણ તેની જ ચર્ચા છે. અને તે ચર્ચા છે મોદીની ગેરન્ટી. દેશના બાળકો પણ કહે છે મોદીએ જે કહી દીધું તે કરીને બતાવે છે. ગુજરાતના લોકો તો વર્ષોથી જાણે છે કે મોદીની ગેરન્ટી એટલે કામ પુરું થવાની ગેરન્ટી.
નવસારીનું પીએમ મિત્ર પાર્ક ભારતનું પહેલું પાર્ક બનશે: વડાપ્રધાન મોદી
હું ગુજરાતમાં 5 એફની વાત કરતો હતો. મારું લક્ષ્ય હતું કે કાપડ ઉદ્યોગની સમગ્ર વેલ્યુ ચેઈન આપણી પાસે હોવી જોઈએ. આજે આત્મનિર્ભર ભારત બનાવવા માટે અમે આવી જ વ્યવસ્થાઓનું નિર્માણ કરી રહ્યાં છે. પીએમ મિત્ર પાર્ક તે જ અભિયાનનો ભાગ છે. નવસારીમાં આજે જે પીએમ મિત્ર પાર્કનું કામ શરૂ થયું છે તે ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી માટે દેશનો એવો પહેલો પાર્ક છે જેનાથી કાપડ ઉદ્યોગને બળ મળશે. કાપડની નિકાસમાં ભારતની ભાગીદારી વધશે. તમે કલ્પના કરી શકો છો કે સુરતનો હીરો અને નવસારીના વસ્ત્રો દુનિયાના ફેશન બજારમાં ગુજરાતની જય જયકાર કરાવશે.
3000 કરોડના રોકાણથી પાર્કનું નિર્માણ થશે: મોદી
અહીં જયારે પીએમ મિત્ર પાર્ક તૈયાર થશે ત્યારે આ આખાય વિસ્તારનું ચિત્ર બદલાઈ જશે. આ પાર્કના નિર્માણમાં જ 3000 કરોડનું રોકાણ કરાશે. અહીં કાપડ ઉદ્યોગ સેક્ટરના તમામ કામો માટે વેલ્યુ ચેઈનનું ઈકો સિસ્ટમ બનશે. હજારો કારીગરોને રોજગારી મળશે. આ જ પાર્કમાં મજૂરો માટે આવાસ, લોજિસ્ટિક પાર્ક, વેરહાઉસિંગ, સ્વાસ્થ્ય સુવિધા, ટ્રેનિંગ અને સ્કીલ ડેવલપમેન્ટની સુવિધા પણ ઉપલ્બ્ધ કરાવશે. આ પાર્કના લીધે આસપાસના ગામોના યુવાનોને પણ રોજગારી મળશે.
સુરતના 800 કરોડના તાપી રીવર બેરેજનું શિલાન્યાસ કરાયું
આજનો દિવસ સુરતના લોકો માટે પણ ખાસ છે. કારણ કે, 800 કરોડના વધુ રોકાણથી તાપી રીવર બેરેજ ફ્રન્ટનું આજે શિલાન્યાસ થશે. આ બેરેજના લીધે આગામી અનેક વર્ષો માટે સુરતની પાણી સમસ્યાનો નિકાલ આવી જશે. આ બેરેજના લીધે પૂર જેવા સંકટનો સામનો કરી શકાશે.
કાકરાપારમાં બે મેડ ઈન ઈન્ડિયા રિએક્ટર બનાવાયા: મોદી
આજે ગુજરાતમાં સૌર, પવન ઉર્જાથી ખૂબ મોટા પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન થાય છે. 21મી સદીના ભારતમાં વીજળી પેદા કરવામાં અમારા પરમાણું પ્લાન્ટોની ભૂમિકા વધી રહી છે. આજે જ કાકરાપારના પરમાણુ ઉર્જા પ્લાન્ટમાં બે નવા રિએક્ટર રાષ્ટ્રને સમર્પિત કરાયા છે. આ બંને રિએક્ટર મેડ ઈન ઈન્ડિયા ટેક્નોલોજીથી તૈયાર કરાયા છે. તે દર્શાવે છે કે ભારત દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર થઈ રહ્યું છે. આ પ્લાન્ટના લીધે ગુજરાતને વધુ વીજળી મળશે. ઔદ્યોગિક વિકાસ ઝડપી બનશે. નવસારી, વલસાડ કે દક્ષિણ ગુજરાત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિક થઈ રહ્યું છે.
પીએમ સૂર્ય ઘર યોજનાથી મધ્યમવર્ગીય પરિવારોને લાભ થશે : મોદી
મોદીએ બીજી એક ગેરન્ટી આપી છે, જે ગુજરાતીઓના એકદમ લાભની છે. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. મધ્યમવર્ગીય પરિવારોને ખૂબ લાભ થશે. ઘર ઉપર સોલાર પેનલ લગાવો અને વીજળી પેદા કરો. તે પેનલ લગાવવા સરકાર પૈસા આપશે. બેન્ક લોન આપશે. વળી, 300 યુનિટથી વધારે વીજળી પેદા કરી વેચવી હોય તો સરકાર ખરીદશે. તમને તેમાંથી પણ પૈસા મળશે. વકરો એટલો નફો.
નવસારીમાંથી દેશની પહેલી બુલેટ ટ્રેન પસાર થશે
આ વિસ્તારમાંથી દેશની પહેલી બુલેટ ટ્રેન પણ પસાર થવા જઈ રહી છે. આ બુલેટ ટ્રેન દેશના બે મુખ્ય આર્થિક કેન્દ્રો મુંબઈ અને અમદાવાદને જોડશે. હવે નવસારીની ઓળખ ઔદ્યોગિક વિકાસ માટે થવા લાગી છે. નવસારી સહિત દક્ષિણ ગુજરાત ખેતીમાં પણ ખૂબ આગળ છે. ભાજપ સરકારે જ્યારે અહીંના ખેડૂતોને સુવિધા આપી તો અહીં ફળોની ખેતીનું પ્રમાણ વધ્યું. નવસારીના ચીકુ, વલસાડી હાફૂસ વિશ્વભરમાં વખણાયા છે.
કોંગ્રેસે આદિવાસીઓ તરફ નજર નાંખી નથી
કોંગ્રેસે ક્યારેય કાંઠા વિસ્તારના ગામો, આદિવાસી ક્ષેત્રો તરફ નજર નાંખી નથી. ગુજરાતમાં ભાજપ સરકારે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પટ્ટામાં પ્રત્યેક મૂળભૂત સેવા પહોંચાડવા અવિરત કામ કર્યું છે, પરંતુ રાષ્ટ્રસ્તરે એવું થયું નથી. 2014 સુધી દેશના 100થી વધુ જિલ્લાનો વિકાસ તળિયે હતો. જેમાં મોટા ભાગના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લા હતા. પાછલા 10 વર્ષમાં આ જિલ્લાઓને ઝડપી વિકાસ માટે આકાંક્ષી બનાવ્યા. આકાંક્ષી જિલ્લા અભિયાનના લીધે દેશના 100 જિલ્લા વિકાસની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યાં છે.
મોદીની ગેરન્ટી ત્યાંથી શરૂ થાય છે. જ્યાં બીજાથી ઉમીદ તૂટે છે. દેશના ગરીબોને પહેલીવાર એ ભરોસો થયો કે તેને પાકું ઘર મળશે. તેને ભૂખા નહીં રહેવું પડે. દર્દ સહન નહીં કરવું પડે. કારણ કે મોદીની ગેરન્ટી છે. છેવાડાના ગામની બહેનોને ભરોસો છે કે વીજળી આવશે, પાણી આવશે. કારણ કે મોદીની ગેરન્ટી છે. ગરીબ, ખેડૂત, દુકાનદાર, મજૂરોએ ક્યારેય વિચાર્યું પણ નહોતી કે તેમના માટે પણ વીમા અને પેન્શનની યોજના બનશે. આજે તે થયું છે કારણ કે મોદીની ગેરન્ટી છે.
મોદીને ગાળો દેવા સિવાય કોંગ્રેસ પાસે દેશના વિકાસનો કોઈ એજન્ડા નથી: મોદી
કોંગ્રેસ પાસે મોદીને ગાળો દેવા સિવાય દેશના વિકાસનો કોઈ એજન્ડા નથી. તે દર્શાવે છે કે કોઈ રાજકીય પક્ષ પરિવારવાદમાં સપડાય છે ત્યારે તેને પરિવારથી વધુ કંઈ દેખાતું નથી. તેઓ જેટલી ગાળો દેશે તેટલો 400 પારનો સંકલ્પ વધુ મજબૂત બનશે. પોતાના પરિવારની રક્ષા માટે તેઓ દેશની જૂની જ સ્થિતિ બનાવી રાખવા માંગે છે, પરંતુ ભાજપ આગામી 25 વર્ષના વિકાસના રોડમેપ બનાવી વિકાસના લક્ષ્યો સાથે આગળ વધે છે. આગામી 25 વર્ષમાં ભાજપ વિકસિત ગુજરાત, વિકસિત ભારત બનાવશે.
વિકાસ કેવો હોય તે મોદી સરકારે દેશ-દુનિયાને બતાવ્યું છે: ભૂપેન્દ્ર પટેલ
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં વિકાસ કામોની વણઝાર લઈને આવ્યા છે. વિકાસ કેવો હોય?, કેટલાં સ્કેલના હોય?, કેવી સ્પીડ હોય? તે મોદી સરકારે દેશ અને દુનિયાને બતાવ્યું છે. એક સમયે દાયકાઓમાં વિકાસ કામો માટે જેટલાં રૂપિયા ફળવાતા હતા તે મોદી સરકાર એક જ દિવસમાં ફાળવે છે. વિકાસ કામો માટે રૂપિયાની કોઈ તંગી રહેતી નથી.
કેન્દ્ર-રાજ્ય સરકારના 44,214 કરોડના કુલ 121 વિકાસ કામો આજે દક્ષિણ ગુજરાતને મળવાના છે. મારું માનવાનું છે કે ગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધીમાં 57,800 કરોડના કામો એક જ દિવસમાં લોકાર્પણ થયા હોય તેનો આ ઈતિહાસ રચાયો છે. મોદીજીના ગેરન્ટી રથે ગામે ગામ પહોંચી મળવાપાત્ર બધા જ લાભો પ્રજા સુધી પહોંચાડ્યા છે.
જય જય શ્રી રામના નારા પોકારાવી સીઆર પાટીલે સંબોધન શરૂ કર્યું
નવસારીના સાંસદ અને રાજ્યના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જય જય શ્રી રામના નારા પોકારાવી પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. વડાપ્રધાન અવિકસિત ભારતને વિકસિત ભારતના માર્ગે લઈ ગયા હોવાનું જણાવતા પાટીલે કહ્યું કે, વિકસિત દેશો પણ ભારતથી પ્રભાવિત છે.
કારણ કે મોદી સરકારે વિકાસની દિશામાં જે ઝડપ પકડી છે તે દર્શાવે છે કે મોદીના નેતૃત્વમાં ભારત વિકાસ સાધી રહ્યો છે. પાટીલે કહ્યું, ખેડૂતોના ખાતામાં મોદી સરકારે સીધા રૂપિયા જમા કરાવ્યા. યુવાનોને લોન મળે તે માટે પોતે જામીન બન્યા. કોરોનામાં આત્મનિર્ભર રસી બનાવી ફ્રી આપી અને દસ વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા હતા.
પીએમ મિત્રા પાર્કને લીધે દ.ગુજરાતના કાપડ ઉદ્યોગમાં 25,000 કરોડનું નવું રોકાણ આવશે
પીએમ–મિત્રા પાર્કને પગલે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં રૂપિયા 25,000 કરોડનું નવું રોકાણ આવશે. તેમજ સુરત નવસારી ટ્વીન સિટી બનાવવાની ગતિવિધિ તેજ થશે. આ પ્રોજેક્ટ સુધી પહોંચવા દક્ષિણ ગુજરાતમાં ઉભરાટ ખાતે નવસારી અને સુરતને જોડતા બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે રાજ્ય સરકારે રૂપિયા 600 કરોડ ફાળવવાની જોગવાઇ કરી છે.
પીએમ.મિત્રા પાર્કની આ ખાસિયત દેશના બીજા પાર્કથી અલગ પાડશે
પીએમ.મિત્રા પાર્કમાં ઉદ્યોગકારો પોતાના માટે કોમન કેપ્ટીવ પાવર પ્લાન્ટ નાંખી શકે તથા કોમન બોઇલર સાથે સીઇટીપી, એસટીપી અને કામદારો માટે રહેવાની સગવડ એક જ જગ્યા ઉપર મળશે. પીએમ મિત્રા પાર્ક નવસારીના વાંસી–બોરસી ખાતે સ્થાપિત થવાથી બેથી ત્રણ વર્ષમાં આખો પાર્ક સંપૂર્ણપણે ભરાઇ જશે. સાથે જ આસપાસની ખારપાટ જમીનનો ઉપયોગ વીન્ડ અને સોલાર એનર્જી માટે થઇ શકે છે. પાર્કને મંજૂરી મળી છે ત્યારે એક બે વર્ષમાં કન્સ્ટ્રકશન વર્ક પણ પૂર્ણ થાય એવું આયોજન થવું જોઈએ.
પીએમ.મિત્રા મેગા ટેકસટાઈલ પાર્ક, સંપૂર્ણ ટેક્સટાઇલ ચેઇનને એક સ્થળે વિકસિત કરાશે
PM મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ રિજન એન્ડ એપેરલ માટે કેન્દ્ર સરકારને 13 રાજ્યોની 18 દરખાસ્તમાંથી મળી હતી. તે પૈકી સરકારે 7 સાઇટ્સને અંતિમ સ્વરૂપ આપ્યું છે. પીએમ.મિત્રા પાર્ક માટે માત્ર સુરત, લખનઉની SPV કંપનીને મંજૂરી મેળવી શકી છે. કેન્દ્ર સરકારે 7 પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન અને એપેરલ (પીએમ મિત્ર) પાર્કની સ્થાપનાને મંજૂરી આપી છે. જેમાં ગ્રીનફિલ્ડ/બ્રાઉનફિલ્ડ સાઇટ્સમાં પ્લગ એન્ડ પ્લે ફેસિલિટી સહિતનાં વૈશ્વિક કક્ષાનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. 4,445 કરોડની જોગવાઈ કરી છે.
આ યોજનાનો ઉદ્દેશ્ય સંપૂર્ણ ટેક્સટાઇલ ચેઇનને એક સ્થળે વિકસિત કરવાની છે. એક સ્થાન પર આવાસ કરીને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, રોકાણ આકર્ષવા, રોજગારી પેદા કરવા અને નિકાસની સંભાવના વધારવાના માર્ગે ભારતીય કાપડ ઉદ્યોગને મજબૂત કરવાનો છે.
આ યોજનામાં કાપડ ઉદ્યોગની કુલ મૂલ્ય સાંકળ માટે સંકલિત મોટા પાયે અને આધુનિક ઔદ્યોગિક માળખાકીય સુવિધા વિકસાવવાની કલ્પના કરવામાં આવી છે, જેવી કે, સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસિંગ, ગારમેન્ટિંગ, ટેક્સટાઇલ ઉત્પાદન, પ્રોસેસિંગ અને પ્રિન્ટિંગ મશીનરી ઉદ્યોગ. લગભગ રૂ. આ મેગા પાર્કમાં 70,000 કરોડનું રોકાણ અપેક્ષિત છે ટૂંકમાં પીએમ.મિત્રા પાર્ક માટે GIDC હવે પોલિસી વર્ક,પ્રાઇસ કમિટીનું ફ્રેમવર્ક શરૂ કરશે,સરકારે GIDC ને જમીન હસતાંતરણ કરી દીધી છે.