પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા વિકાસલક્ષી કોઇપણ લક્ષ્યને સાકાર કરવા ગુજરાત પૂરજોશથી પ્રતિબદ્ધ છે. એટલું જ નહિ, દેશના આંતરમાળખાકીય વિકાસને અદ્વિતિય શક્તિ અને ગતિ આપવા પીએમ મોદીએ પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન આપ્યો છે તેને ગુજરાતમાં પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત ગાંધીનગર ખાતે યોજાયેલી વેસ્ટ ઝોનલ કોન્ફરન્સમાં સંબોધન કરતા મુખ્યમંત્રી પટેલે કહ્યું હતું કે, પીએમ મોદીએ ર૧મી સદીને અનુરૂપ આંતરમાળખાકીય વિકાસ માટે સર્વગ્રાહી-હોલિસ્ટીક ગ્રોથનું આગવું વિઝન આ પી.એમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનથી આપ્યું છે.
દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલા અને મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ દ્વારા આયોજિત આ આંતરરાજ્ય કોન્ફરન્સમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગોવા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત દીવ-દમણ પ્રદેશોના મંત્રીઓ, સ્ટેકહોલ્ડર્સ વગેરેએ સહભાગી થઇ સમૂહ વિચાર મંથન કર્યુ હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી દેશમાં લોજિસ્ટિક ક્ષેત્ર બહુધા ઉપેક્ષિત હતું પરંતુ પીએમ મોદીએ એક નવા દ્રષ્ટિકોણથી નયાભારતના નિર્માણમાં ગતિશક્તિને જોડવાનો નવો વિચાર આપ્યો છે. આ પ્લાન દેશના લોજિસ્ટિક અને ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રની શકલ-સુરત બદલી નાંખશે. યુવાઓ માટે રોજગારીની નવી તકો અને લોકલ પ્રોડક્ટને ગ્લોબલ માર્કેટ પણ આ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનથી મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.
પટેલે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની આ દૂરંદેશી યોજના રોડ અને રેલવે, વોટર વે અને ઉર્જા જેવા આંતરમાળખાકીય ક્ષેત્રોના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે. પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતનો જે સંકલ્પ કરેલો છે તેમાં આ નેશનલ માસ્ટર પ્લાન નવી દિશા આપશે. વેસ્ટ ઝોનના રાજ્યો સાથે મળી ગતિશક્તિ યોજનાના નિર્ધારિત લક્ષ્યને જલ્દીથી પાર કરશે, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રી પટેલે પી.એમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનને અનુરૂપ પરિવહન માળખુ, લોજિસ્ટિક્સ સુવિધા અને હેઝલ ફ્રી ટ્રાન્સપોર્ટેશનથી ગુજરાતે લોજીસ્ટિક્સ ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ ઇન્ડેક્ષમાં પ્રથમ ક્રમાંક મેળવવાની હેટ્રીક લગાવી છે તેની પણ ભૂમિકા આપી હતી.