Gujarat

દેશની એકતા અને અખંડીતતાનો સમન્વય આપણા બંધારણને આભારી છે : કુલપતિ

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના(જીટીયુ) એનએનએસ વિભાગ દ્વારા આજરોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતુ કે આમુખ આપણા બંધારણનું હાર્દ છે. દેશની એકતા અને અખંડીતતાનો સમન્વય આપણા બંધારણને આભારી છે. દરેક ભારતીય નાગરિકે બંધારણનો અભ્યાસ કરવો જ જોઈએ.

કોઈપણ દેશનું યોગ્ય રીતે સંચાલન કરવા માટે ચોક્કસ પ્રકારના નીતિ નિયમોને સંકાળીને દસ્તાવેજી સ્વરૂપે બંધારણનું નિર્માણ કરવામાં આવે છે. ભારત દેશનું બંધારણ પણ ખરાડા સમિતિના અધ્યક્ષ ડૉ. બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં દેશના અનેક તજજ્ઞોના સહયોગથી 26 નવેમ્બર, 1949ના રોજ પસાર કરવામાં આવ્યું હતું. જેની રાષ્ટ્રીય બંધારણ દિવસ અને કાયદા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના વકીલ અને કાર્યક્રમના મુખ્ય મહેમાન મીત શાહ, લિગલ ઓફિસર શૈલી શાહ અને જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર હાજર રહ્યા હતાં. આ પ્રસંગે મીત શાહે જણાવ્યું હતું કે, લોકતાંત્રીક અને પ્રજાસત્તાક રાષ્ટ્રના નિર્માણ માટે બંધારણ પાયારૂપ એકમ છે. વિશેષમાં તેઓએ બંધારણના લગતાં વિવિધ કેસ અને ભારત દેશના નાગરીકોને મળેલ મૂળભૂત હકો બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી. કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીઓ દ્વારા બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું અને બંધારણને વફાદાર રહેવા માટેના શપથ લેવામાં આવ્યા હતાં.

Most Popular

To Top