SURAT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સુરતમાં ભવ્ય રોડ શો, જુઓ તસ્વીરોમાં..

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PMModi) આજે ગુરુવારે સવારે સુરતની (Surat) મુલાકાતે આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ (Surat Airport) પર એરફોર્સના (Airforce) સ્પેશ્યિલ વિમાનમાં લેન્ડ કર્યા બાદ વડાપ્રધાન હેલિકોપ્ટરમાં લિંબાયતના નીલીગીરી ગ્રાઉન્ડ પાસે બનાવેલા હેલિપેડ સુધી ગયા હતા. ત્યાંથી સ્પેશ્યિલ કારમાં બેસી તેઓ સભા સ્થળ સુધી પહોંચ્યા હતા. વડાપ્રધાનના સુરત આગમનની આતુરતાથી રાહ જોઈ રહેલા લાખો લોકો વહેલી સવારથી જ સભા સ્થળના રસ્તા પર ઉભા રહી ગયા હતા. વડાપ્રધાનને આવકારવાનો ઉત્સાહ લોકોના ચહેરા પર જોવા મળતો હતો. લોકો ભગવા વસ્ત્રો પહેરી આવ્યા હતા. લોકોને કાબુમાં રાખવા રસ્તાની બંને તરફ જાળી મુકવી પડી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10.45 કલાકે સુરત એરપોર્ટ પર એરફોર્સના સ્પેશ્યિલ વિમાનમાં આવી પહોંચ્યા હતા. તેઓ હળવા મૂડમાં જણાતા હતા. સૌ પ્રથમ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા, ત્યાર બાદ ત્રણેય જણા હેલિકોપ્ટર તરફ આગળ વધ્યા હતા.

હેલિકોપ્ટરમાં બેસી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિયત સમયે લિંબાયતમાં બનાવાયેલા હેલિપેડ સુધી પહોંચ્યા હતા. વડાપ્રધાનના આગમનના પગલે અહીં વહેલી સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વડાપ્રધાનને હેલિકોપ્ટરમાંથી ઉતરતા જોવા માટે લોકો ઘણા નજીક સુધી જવા પ્રયાસ કરતા હતા, પોલીસે મહામહેનતે લોકોને કાબુમાં રાખ્યા હતા.

હેલિકોપ્ટરમાંથી ઉતર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પેશ્યિલ કારમાં સભાખંડ તરફ રવાના થયા હતા. આ સમયે રસ્તાની બંને બાજુ ભેગી થયેલી હજારોની જનમેદનીનું વડાપ્રધાને હસતા ચહેરે હાથ હલાવી અભિવાદન કર્યું હતું. મોદીને એક ઝલક જોવા લોકો ઉતાવળા જણાતા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો રસ્તાની બંને તરફ ભેગા થયા હતા. સમર્થકોએ ભગવા રંગના કપડા પહેર્યા હતા. આખુંય શહેર જાણે ભગવા રંગે રંગાયું હોય તેવો માહોલ સર્જાયો હતો. ઘણા લોકો નવરાત્રિના ચણિયાચોળી, કુર્તા પહેરી તેમજ નવરાત્રિમાં ગરબા રમતી વખતે જોવા મળતી હોય તેવી રંગબેરંગી છત્રી લઈને ઉભા હતા. બાળકો પણ સવારથી જ રોડ શો જોવા માટે પહોંચી ગયા હતા અને નાચીને ખુશી વ્યક્ત કરી હતી.


વડાપ્રધાનના રોડ શોને જોવા માટે આસપાસના ગામડાંની મહિલાઓ પણ આવી પહોંચી હતી. મહિલાઓ પરંપરાગત ગ્રામીણ વસ્ત્રોમાં માથે ઘડા મુકી આવી હતી.

રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા તો બીજી તરફ ઢોલતાંસા પણ વગાડવામાં આવ્યા હતા. સવારથી જ મોટી સંખ્યામાં સમર્થકો સાથે આવેલા ઢોલીઓએ ઢોલ વગાડી વડાપ્રધાનને આવકાર્યા હતા.

સભાખંડનો મંડપ પણ ભગવા રંગનો બનાવાયો હતો. વડાપ્રધાનનો રોડ શો શરૂ થાય તેના કલાકો પહેલાં લોકો સભાખંડ માટે બનાવેયાલ પેવેલિયનની આજુબાજુ ગોઠવાઈ ગયા હતા. લોકોને કાબુમાં રાખવા માટે પોલીસે ભારે પરસેવો પાડવો પડ્યો હતો.

લિંબાયતમાં સભા ખંડના પેવેલિયનમાં પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ખુલ્લી જીપમાં રોડ શો કર્યો હતો. વડાપ્રધાને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. લોકો આ ક્ષણને હંમેશા માટે પોતાની પાસે રાખવા તેને મોબાઈલ કેમેરામાં કેપ્ટર કરી રહ્યાં હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થક અને ચાહક એવા એક યુવકે વડાપ્રધાનના ચહેરાનું ટેટુ પોતાની છાતી પર બનાવ્યું હતું અને જ્યારે વડાપ્રધાન તે રસ્તા પરથી પસાર થયા ત્યારે ગૌરવપૂર્વક શર્ટના બટન ખોલી ટેટૂ બતાવ્યું હતું. આ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ઝલક જોવા માટે લિંબાયતમાં લોકો મકાનોની છત પર ચઢઈ ગયા હતા. તો એક મોદી ચાહક ભગવા ટોપી અને રાષ્ટ્રધ્વજના રંગની મોદીના ફોટા સાથેની ટીશર્ટ પહેરી તિરંગો લહેરાવતો જોવા મળ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં સભાખંડમાં મંચ પાસે પહોંચ્યા ત્યારે અહીંનો માહોલ જોવા જેવો હતો. મોદીના ફોટા પાડવા અને વીડિયો ઉતારવા માટે ખૂબ મોટી સંખ્યામાં કેમેરામેન મંચ પાસે ઉતરી આવ્યા હતા.

કોંગ્રેસના નેતા અને કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને સભામાં કોઈ અટકચાળો કરશે તેવી આશંકાના પગલે કોંગ્રેસના કેટલાંક કાર્યકરો અને આગેવાનોને ઉમરા પોલીસ દ્વારા સવારથી જ અટકમાં લઈ લેવામાં આવ્યા હતા.

Most Popular

To Top