રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની સભાઓમાં રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પીએમ મોદીને (PM Modi) લઈને જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો તેના પર રાજકારણ ગરમાયું છે. ચૂંટણી પંચે (Election Commission) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નોટિસ પાઠવી છે. જેમાં પીએમ મોદીને ‘પનોતી’ અને ‘ખિસ્સા કાતરૂ’ કહેવાના મામલે રાહુલ ગાંધીને 25 નવેમ્બર સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ નિવેદનો આપ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે. પંચે કોંગ્રેસના નેતાને 25 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ સમયમર્યાદા સુધીમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને પોતાનો જવાબ આપવાનો છે. કોંગ્રેસ નેતાના બે નિવેદનોને લઈને ચૂંટણી પંચે નોટિસ જારી કરી છે. જેમાં પીએમને પનોતી અને પિકપોકેટીંગના તેમના નિવેદનનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે રાજસ્થાનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘PM એટલે પનૌતી મોદી’. રાહુલ ગાંધીએ ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હારનો ઉલ્લેખ કરતા આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. મેચમાં હાર બાદ સોશિયલ મીડિયા પર ‘પનોતી’ શબ્દ ટ્રેન્ડ કરી રહ્યો હતો. મેચ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સ્ટેડિયમમાં હાજર હતા. આ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન મોદીના નામ પરથી રાખવામાં આવ્યું છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતુ?
સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ એટલે પનોતી મોદી. વર્લ્ડકપની ફાઈનલ મેચનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અમારા છોકરાઓ વર્લ્ડ કપ સુંદર રીતે જીતી રહ્યા હતા પરંતુ તેઓને હરાવી દીધા. આ સિવાય રાહુલ ગાંધીને જે પિકપોકેટીંગની વાત પર નોટિસ આપવામાં આવી છે તેની વાર્તા લગભગ દરેક સભામાં તેઓ કહી રહ્યા છે. તેઓ કહે છે કે ‘ત્રણ લોકો ખિસ્સા કાપવા આવે છે. એક ખિસ્સા કાતરૂ ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે. બીજો પાછળથી આવી ખિસ્સા કાપે છે. ત્રીજો જોઈ રહ્યો છે અને હુમલો કરવા તૈયાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એવા છે જે લોકોનું ધ્યાન હટાવે છે. ખિસ્સો કાપનાર અદાણી છે અને લાકડી મારનાર અમિત શાહ છે.