સુરત: (Surat) સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિધાનસભાની (Gujarat Assembl Election) પહેલા તબક્કાની ચુંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) આગામી 19મી નવેમ્બરના રોજ વલસાડ (Valsad) ખાતે વિશાળ જનસભાને સંબોધિત કરશે. દમણ એરપોર્ટ (Daman Airport) પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વલસાડ સુધી 32 કિલોમીટરનો સૌથી લાંબા રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેને પગલે ભાજપ (BJP) સંગઠન દ્વારા મેગા રોડ શો અને જંગી જાહેર સભાને સફળ બનાવવા માટેની તડામાર તૈયારીઓ આદરી દીધી છે. બીજી તરફ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષા બંદોબસ્ત સહિતની કામગીરીને પણ અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
ભારતીય જનતા પાર્ટી 150 વિધાનસભા બેઠકોના લક્ષ્યાંક સાથે આગામી વિધાનસભા ચુંટણી માટે સજ્જ થઈ ચુકી છે. આગામી 1લી ડિસેમ્બરના રોજ યોજાનાર પહેલા તબક્કાની ચુંટણીને પગલે હવે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેગા રોડ શોનું વલસાડમાં આયોજન કરવામાં આવ્યું છે. વાપીથી વલસાડ સુધી યોજાનારા આ રોડ શોને પગલે ભાજપ સંગઠન દ્વારા પણ તડામાર તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડ ખાતે જંગી જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વાર વલસાડ ખાતે રાત્રિ રોકાણ કરશે. તેઓ વલસાડના સર્કિટ હાઉસમાં રોકાવાના હોવાની માહિતી સાંપડી છે. વાપીથી વલસાડ વચ્ચે મેગા રોડ શો અને જાહેર સભાને સંબોધ્યા બાદ સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. સવારે વડાપ્રધાન સૌરાષ્ટ્રના વેરાવળ, બોટાદ, અમરેલી અને ધોરાજી જવા રવાના થશે. તે ઠેકાણાઓ પર પણ વડાપ્રધાન જાહેર સભા સંબોધશે.
વડાપ્રધાનના આગમનને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વાર વલસાડમાં રાત્રિ રોકાણ, મેગા રોડ શો અને જાહેર સભાને સંબોધવાના હોવાનાથી વલસાડનું તંત્ર દોડતું થઈ ગયું છે. વલસાડમાં પોલીસ તંત્ર દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રેન્જ આઈજી પિયૂષ પટેલના જણાવ્યા અનુસાર વડાપ્રધાનના આગમનના પગલે બે એસઆરપી, નવ સીઆરપીએફની કંપની, 9 એસપી, 20 ડીવાયએસપી, 50 પીઆઈ અને 140 પીએસઆઈ સાથે 2000થી વધુ પોલીસ જવાનોનો કાફલો વાપીથી વલસાડના રસ્તા વચ્ચે ખડકી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન રાત્રિ રોકાણ કરવાના હોય સમગ્ર વલસાડને અભેધ કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે.
યોગી આદિત્યનાથ અને નિતીન ગડકરી સુરતમાં સભાઓ ગજવશે
સુરત શહેર મિની ભારત તરીકે ઓળખાય છે. શહેરમાં રોજગારી માટે વિવિધ પ્રાંતના લોકો અહી આવીને વસે છે. સુરતમાં ખાસ કરીને ચોર્યાસી અને લિંબાયત વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ પ્રાંતના લોકો વસી રહ્યા છે. ત્યારે હિંદી ભાષી મતદારો તેમજ મહારાષ્ટ્રીયન સમાજને રીઝવવા માટે ભાજપ આવનારા દિવસોમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીની સભાઓ કરશે. લિંબાયત વિધાનસભા વિસ્તારમાં મોટેભાગના મહારાષ્ટ્રીયન મતદારો છે. તેમજ ઉત્તર ભારતના મતદારો પણ અહીં મોટી સંખ્યામાં છે. તેમજ ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં હિન્દી ભાષી મતદારો હોય, સુરતમાં આવનારા દિવસોમાં કેન્દ્રિય મંત્રીઓની સભાઓ થશે તેમ જાણવામાં આવ્યું છે.