પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથની મુલાકાતે છે. પ્રવાસના બીજા દિવસે આજે 11 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ સોમનાથ મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ ભવ્ય શૌર્યયાત્રામાં ભાગ લીધો હતો. 108 તાલીમબદ્ધ અશ્વો સાથે યોજાયેલી આ યાત્રાએ સોમનાથની ધરતી પર શૌર્ય, સંસ્કૃતિ અને પરંપરાનું ભવ્ય દર્શન કરાવ્યું હતું.
વહેલી સવારથી જ સોમનાથ નગરીમાં ભક્તો અને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. માર્ગો પર જનમેદની ઉમટી પડી હતી અને ‘મોદી-મોદી’ના નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. શંખ સર્કલથી શરૂ થયેલી શૌર્યયાત્રા અંદાજે બે કિમી લાંબી હતી. જે સદભાવના ગ્રાઉન્ડ સુધી પહોંચી હતી. યાત્રા દરમિયાન ભારતીય સંસ્કૃતિ, શૌર્ય અને ગૌરવને પ્રતીકરૂપ રજૂ કરવામાં આવ્યા હતા.
શૌર્યયાત્રા બાદ વડાપ્રધાન મોદી સદભાવના ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા. જ્યાં તેમણે એક કલાક સુધી વિશાળ જનસભાને સંબોધી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સોમનાથ મંદિરના ઇતિહાસ, ભારતીય સંસ્કૃતિની અડગતા અને સ્વાભિમાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સોમનાથ માત્ર મંદિર નથી પરંતુ ભારતની અખંડ આસ્થા અને સ્વાભિમાનનું પ્રતિક છે.

પીએમ મોદીના આજના કાર્યક્રમ મુજબ સવારે તેઓ સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર પહોંચ્યા હતા અને આશરે 35 મિનિટ સુધી પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ શૌર્યયાત્રામાં જોડાઈ સદભાવના ગ્રાઉન્ડ પહોંચ્યા. બપોરે 12:45 કલાકે તેઓ સોમનાથથી રાજકોટ જવા રવાના થશે. જ્યાં મારવાડી યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે.
આ દરમિયાન પીએમ મોદીની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જળ, થલ અને નભ ત્રણેય સ્તરે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. 2,000થી વધુ પોલીસ જવાનો તેમજ 20થી વધુ IPS અધિકારીઓ તહેનાત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઈસવી સન 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. જેના 1000 વર્ષ પૂર્ણ થતા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’નું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરાયેલા સોમનાથ મંદિરના પુનઃનિર્માણને પણ 75 વર્ષ પૂર્ણ થયા છે. જે ભારતના ગૌરવશાળી ઇતિહાસની યાદ અપાવે છે.