ગાંધીનગર: (Gandhinagar) ભારત સરકારની (Indian Government) વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધે તેમજ પાત્રતા ધરાવતા છેવાડાના નાગરિકો સુધી આ યોજનાઓનો લાભ પહોંચે તેવા આશય સાથે કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩નું દેશભરમાં આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ ૧૫મી નવેમ્બર – જન જાતિય ગૌરવ દિવસના રોજથી આ કાર્યક્રમનો આરંભ થયો હતો, આ કાર્યક્રમ અંતર્ગત પીએમ નરેન્દ્ર મોદીએ આજે રાજ્યની ૨૨૫ ગ્રામ પંચાયતના વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સીધો સંવાદ કર્યો હતો.
- ‘મોદીની ગેરંટી’ સાથેની સરકારી યોજનાઓના લાભો વંચિત લાભાર્થીઓ સુધી પહોંચાડો : પીએમ મોદી
- પીએમ મોદીએ ગુજરાતની ૨૨૫ ગ્રામ પંચાયતના વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે કર્યો સીધો સંવાદ
વિવિધ જિલ્લાની આ તમામ ગ્રામ પંચાયતો ખાતે ‘મોદીની ગેરંટી’ સાથેના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું . તેમજ મોટી સંખ્યામાં લોકોએ ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ પણ લીધો હતો. આ પ્રસંગે પીએમ મોદીએ સરકારી યોજનાઓથી વંચિત લાભાર્થીઓ સુધી યોજનાઓના લાભ પહોંચાડવા પર પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે નમો ડ્રોન દીદી મારફતે ૧૫,૦૦૦ સખી મંડળોને સહાય આપીને ખેતીમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી આધુનિકરણ તરફ પ્રયાણ કરવા તેમજ ફીટ ઈન્ડિયા મુવમેન્ટ પર ભાર મુકી યુવાનોને સ્વાસ્થ્ય જાળવવા આહવાન કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ ગુજરાત-ભરૂચના શુકલતીર્થ ગામના પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી અલ્પેશ નિઝામા સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો અને તેમણે મેળવેલી યોજનાકીય સહાય અંગે પૃચ્છા કરી હતી. વડાપ્રધાનએ અલ્પેશભાઈને વિકસિત ભારત યાત્રા દરમિયાન જ બીજા પાંચ ગામમાં જઈને અન્ય ખેડૂત મિત્રોને પણ યોજનાકીય લાભ લેવા અનુરોધ કરવા કહ્યું હતું.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૧૪,૫૮૭ નાગરિકોનું રજિસ્ટ્રેશન
વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આશરે ૧૩.૦૬ લાખ જેટલી જન ભાગીદારી નોંધાઈ છે અને ૧૨.૦૨ લાખથી વધુ નાગરિકોએ ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કુલ ૧૪,૫૮૭ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કૃષિ પ્રોગ્રામ હેઠળ ૨૪૯૦ ડ્રોન ડેમોનસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. આ સાથે જ વિવિધ પ્રકારનાં ૪૮,૦૦૦ જેટલા એવોર્ડ પણ નાગરિકોને એનાયત કરવામાં આવ્યા છે.