ગાંધીનગર : કેન્દ્ર સરકારની ૧૩ જેટલી ફ્લેગશીપ યોજનાઓના જરૂરિયાતમંદ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરવા માટે ૩૧મી મેના રોજ “ગરીબ કલ્યાણ સંમેલન”નું આયોજન કરાયું છે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના શિમલાથી વર્ચ્યુઅલ સંબોધન કરશે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના મહાત્મા મંદિર – ગાંધીનગર ખાતેથી સહભાગી થશે.
રાજ્ય કક્ષાએ યોજાનાર કાર્યક્રમમાં અંદાજીત ૮,૦૦૦ જેટલા તેમજ તમામ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અંદાજીત ૪,૦૦૦ જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ રાજ્ય અને જિલ્લાના કાર્યક્રમનું રાષ્ટ્રીય કાર્યક્રમ સાથે જોડાણ થશે. આ સંમેલન દરમ્યાન વડાપ્રધાન ”કિસાન સન્માન નિધિ યોજના”નો ૧૧મો હપ્તો DBT માધ્યમથી દેશભરના ખેડૂત લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરાવશે.
રાષ્ટ્રવ્યાપી સંવાદ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે આવાસ, પીવાના પાણીની ઉપલબ્ધતા, ખોરાક, આરોગ્ય, પોષણ અને આજીવિકા સહિતના વિવિધ લાભોથી તેમના જીવનમાં આવેલા પરિવર્તનને આવરી લેતી યોજનાઓ-કાર્યક્રમો વિશે સંવાદ કરશે.
ખાસ કરીને આ મુખ્ય યોજનાઓમાં “પ્રધાનમંત્રી આવાસ યોજના” શહેરી અને ગ્રામીણ જરૂરિયાતમંદ ગરીબ લોકોના ઘરના ઘરની યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન, ‘સ્વચ્છ ભારત મિશન’, ‘સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.0’, વ્યક્તિગત શૌચાલયોનું નિર્માણ યોજના, “જલ જીવન મિશન” અંતર્ગત “નલ સે જલ” યોજના, વન નેશન વન રેશનકાર્ડ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો સમાવેશ થાય છે.