ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) દેશભરમાં ૯૧ આકાશવાણી રેડિયો (Radio) એફ.એમ સ્ટેશનનો પ્રારંભ નવી દિલ્હીથી (Delhi) વર્ચ્યુઅલ માધ્યમથી કરાવ્યો છે જે અંતર્ગત સુરેન્દ્રનગરને પણ આવા FM સ્ટેશનનો આરંભ થયો છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાને એક જ દિવસમાં વિવિધ વિકાસ પ્રકલ્પોનો આરંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન સુરેન્દ્રનગર શહેરમાં રૂ. ૬.૨૫ કરોડના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું તેમજ શ્રી ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય-પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં જાહેર પરિવહન સુવિધા, સંચાર અને સાહિત્ય-વિરાસતની વિકાસ સરવાણી વહાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અવસરે સુરેન્દ્રનગરમાં આયોજિત સમારોહમાં સહભાગી થયા હતા.
ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત જિલ્લાની મુલાકાત દરમિયાન સવારે ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય અને પુસ્તકાલયનું ખાતમુહુર્ત કર્યું હતું. ચોટીલા ખાતે રૂ. ૨૯.૫૧ કરોડનાં ખર્ચે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય અને રૂ. ૩.૩૯ કરોડના ખર્ચે સરકારી પુસ્તકાલયનું નિર્માણ કરાશે. તેમણે સંગ્રહાલયની મુલાકાત લઈ શ્રી ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રદર્શિત કરાયેલા મેઘાણીના સાહિત્યસર્જનને રસપૂર્વક નિહાળ્યું હતું.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી વર્ષની ઉજવણી અંતર્ગત તેમના જન્મ સ્થળ ચોટીલા ખાતે સંગ્રહાલય તૈયાર કરવા સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી છે અને સંગ્રહાલય માટે રૂ.૨૯.૫૧ કરોડનું બજેટ મંજુર કરાયું છે. આ સંગ્રહાલયમાં સ્વ. ઝવેરચંદ મેઘાણીના પત્રકારત્વ અને ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં યોગદાનને પ્રદર્શિત કરાશે.
આ ઉપરાંત, ચોટીલાના તાલુકા પુસ્તકાલયને, ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલય’ એવું નામ આપવામાં આવ્યું છે. હાલનું ભવન નાનું હોવાથી રાજ્ય સરકાર દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ બે માળના અત્યાધુનિક સરકારી પુસ્તકાલયનું નિર્માણ થશે. આ પુસ્તકાલયમાં મેઘાણીજીના તમામ સાહિત્ય સર્જનને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનો વાચકો સંશોધકો પણ ઉપયોગ કરી શકશે.