Charchapatra

જંતરમંતર પર ખેલાડીઓ

છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં જંતરમંતર પર દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ અપાવનાર ખેલાડીઓ પોતાને થયેલા અન્યાય માટે ધરણાં કરી રહ્યાં છે. એક સંસદસભ્ય પર ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ કોઈ જ કાયદો કે કાયદાનો જાણકાર નહીં હોય. દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં નૈતિકતા માટે પણ આ સંસદસભ્યે રાજીનામું આપી દેવું જોઈએ. જયારે પણ કોઈ પણ પ્રકારના અપરાધમાં કોઈ પણ સત્તાપક્ષના નેતાનું નામ આવે તો કાયદો જુદી રીતે કામ કરે અને સામાન્ય માણસ અપરાધી હોય તો જુદી રીતે કામ કરે. પ્રજા પણ કદાચ એટલી જ દોષિત છે, જેટલા આપણા રાજકારણીઓ. કેમ કે આખરે તો એમને નેતા અરે નેતા શું ભગવાન બનાવવાવાળી પ્રજા જ છે ને?
સુરત     – કિશોર પટેલ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કર્ણપ્રિય જૂનાં ગીતો
તા. 4/5ની ‘ગુજરાતમિત્ર’ની શો ટાઇમ પૂર્તિ અને એનો હૃદયને ગાતાં ગીતો આર્ટીકલ!તબિયત ખુશ થઇ ગઇ! મહાન ગાયક અને સંગીતકાર પંકજ મલિકની 1941ની ડોકટર ફિલ્મનું ગીત ‘આઇ બહાર, આજ આઇ બહાર’ અને તે વિશેનો વિસ્તૃત લેખ! આજના યોયો હનીસીંગના ઘોંઘાટિયા  સોંગવાળા જમાનામાં આવાં જૂનાં મધુર ગીતો કર્ણપ્રિય લાગે છે. વર્ષો પહેલાં રેડીઓ સિલોન ઉપર રોજ સવારે 7.30 થી 8 સુધી આવતો ‘પુરાની ફિલ્મો કે ગીત’ પ્રોગ્રામ જેમાં તે સમયના ગાયકો કાનનદેવી, સી.એચ. આત્મા, પંકજ મલિકનાં ગીતો સાંભળવા મળતાં અને છેલ્લે બરાબર પાંચ મિનિટ બાકી હોય ત્યારે દંતકથા સમાન ગાયક કે.એલ. સાયગલનું કોઇ એક ગીત! ઉપરોકત લેખમાં જણાવ્યું તેમ આ કાર્યક્રમ મારા સ્વ. પિતાજી અચૂક સાંભળતા અને મને પણ સાંભળવા મળતો! ખેર, ઘણા સમય બાદ આવો લેખ પ્રસિધ્ધ કરવા બદલ આભાર. ગુજરાતમિત્ર! ભવિષ્યમાં પણ આવા જ લેખ દ્વારા સંગીતનો રસાસ્વાદ કરાવતા રહેશો તેવી આશા!
સુરત              – ભાર્ગવ પંડયા     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top